Wednesday 9 May 2018

પોતાના પગ ઉપર ઉભા રહેવાનો આનંદ અનોખો છે.


- શૈલેષ સગપરિયા


બેંગ્લોરમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં દેશભરના સીઇઓ માટે “ Education System in India” વિષય પરનો સેમિનાર હતો. એક સામાન્ય કપડાં પહેરેલો કોલેજીયન યુવાન આ સેમિનારમાં ભાગ લેવા માટે આવ્યો. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે એમને અટકાવ્યો અને કહ્યું, “ બેટા, આ સેમિનાર સીઇઓ માટેનો છે, કોલેજના વિદ્યાર્થીઓ માટેનો નહીં.” યુવાને બીજી દલીલ કરવાને બદલે ખીસામાંથી મોબાઇલ કાઢીને કોઇને કોલ કર્યો અને થોડી જ ક્ષણોમાં સેમિનારના આયોજકો ખુદ દરવાજા પર આ યુવાનને સત્કારવા માટે દોડી આવ્યા. આ છોકરાને આદર સાથે સેમિનાર હોલમાં લઇ જતા હતા ત્યારે સીક્યુરિટી ગાર્ડને આશ્વર્ય થયું. આયોજકોએ આ છોકરાનો પરિચય કરાવતા કહ્યુ, “ તમે જેને અંદર આવતા અટકાવતા હતા એ આજના સેમિનારના વક્તા છે અને દેશભરની કંપનીના સીઇઓ એમને સાંભળવા માટે આવ્યા છે.”
આ યુવાનનું નામ છે ‘સુહાસ ગોપીનાથ’ અને એ દુનિયાનો સૌથી નાની ઉંમરનો સીઇઓ છે. મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલો બેંગ્લોરનો જ રહેવાસી છે. શાળાના અભ્યાસ દરમ્યાન જ એને કમ્પ્યુટરનો ચસકો લાગ્યો. સામાન્ય આર્થિક સ્થિતિને કારણે ઘરમાં કમ્પ્યુટર લેવું શક્ય નહોતું એટલે એ એક સાયબરકાફેમાં જઇને બેસતો. પહેલા જ દિવસે ઇન્ટરનેટના ઉપયોગથી પોતાનું ઇમેઇલ બનાવવાનું શીખ્યું અને બીજા દિવસે શાળાએ આવીને બ્લેકબોર્ડમાં પોતાના ઇમેઇલ આઇડીની સાથે સાથે પાસવર્ડ પણ લખી નાખ્યો. કોઇ મિત્રએ કહ્યુંંંંં કે તે પાસવર્ડ લખી નાખ્યો તો હવે કોઇપણ તારું ઇમેઇલ ચેક કરી શકે. આ વાત સાંભળીને એ ભોંઠો પડી ગયો અને કેવો મોટો મૂરખ છે એ એને ખબર પડી. પછી ધીમે ધીમે કમ્પ્યુટર પરની બુક્સ વાંચીને બધુ શીખતો ગયો. ઘરેથી જેટલા પોકેટમની મળે તે બધા જ સાઇબર કાફેમાં જ વાપરતો એણે તો હજુ વધુ સમય સાયબરકાફેમાં વિતાવવાની ઇચ્છા હતી પણ એ માટેના પૈસા નહોતા. એણે એક રસ્તો શોધી કાઢયો એ જે સાઇબર કાફેમાં જતો એ બપોરે 1 થી 4 બંધ રહેતું, સુહાસે કાફેના માલિકને મળીને આ 3 કલાક પોતે કોઇપણ જાતના પગાર વગર આ સાઇબરકાફેનું ધ્યાન રાખશે અને બદલામાં એને મફતમાં એ સમય દરમ્યાન ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો એવી દરખાસ્ત મુકી જે માલીક દ્વારા સ્વીકારી લેવામાં આવી.
સુહાસ આ 3 કલાક દરમ્યાન કંઇકને કંઇક નવીન શીખતો રહેતો અને 14 વર્ષની ઉંમરે એણે www.coolhindustan.com નામની વેબસાઇટ બનાવી. માત્ર ત્રણ વર્ષ બાદ એટલે કે 17 વર્ષની ઉંમરે સુહાસ એમણે સ્થાપેલી ‘ગ્લોબલ ઇન્સ’ નામની કંપનીનો સીઇઓ બની ગયો. આ કંપની ઇન્ફર્મેશન ટેકનોલોજીને લગતી વિવિધ સેવાઓ પુરી પાડવાનું કામ કરે છે. વિશ્વના જુદા જુદા દેશોમાં 12 થી વધુ ઓફિસોમાં 400થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેને સફળતાના આકાશમાં ઉડવું જ છે એને કોઇ મર્યાદાઓ ક્યારેય રોકી શકતી નથી. સપના જોવાની અને એને સાર્થક કરવાની કોઇ ઉંંમર નથી હોતી !
એક તરફ સુહાસ જેવા 17 વર્ષના તરુણો આર્થિક રીતે પોતાના જ પગ પર ઉભા રહી શકે છે અને એથી આગળ વધીને વાત કરીએ તો બીજા કેટલાયને આર્થિક રીતે પગભર પણ કરે છે. બીજી બાજુ એનાથી બમણી ઉંમરના યુવાનો હજુ પણ પિતાના પૈસા પર જ નિર્વાહ કરતા હોય એવું જોવા મળે છે. આર્થિક આઝાદીનો મારા મતે અર્થ એટલો જ છે કે આર્થિક રીતે તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓ પુરી કરવા માટે તમારે બીજા પર આધાર ન રાખવો પડે. આઝાદી ક્યારેય સામે ચાલીને ન મળે. આઝાદી મેળવવા માટે પ્રયાસ કરવો પડે. આર્થિક આઝાદી માટે પણ યોગ્ય પ્રયાસ કરવો પડે. પશ્ચિમના દેશોની વિશેષતા જ એ છે કે ત્યાં લગભગ દરેક યુવાન પોતાના પગ પર જ ઉભો રહે છે. મા-બાપ જ દિકરાને મદદ કરીને પાંગળો બનાવવાના બદલે અભ્યાસકાળ દરમ્યાન નાના-મોટા કામ કરીને ખુદનો ખર્ચો ખુદે જ ઉઠાવવાની પ્રેરણા આપે છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓના સંતાનો પણ પોતાનો ખર્ચો કાઢવા માટે કંઇકને કંઇક કામ કરતા હોય છે. સામાન્યમાં સામાન્ય કામ કરવામાં પણ એમને નાનપ નથી અનુભવાતી કારણ કે અબજોપતિ પિતા પાસે હાથ લાંબો કરવાને બદલે સ્વમાનથી કામ કરીને જરૂરિયાતો પુરી કરવામાં એ ગૌરવ અનુભવે છે. જેના ઘરે ધોમધોમ સાહ્યબી હોય એવા નબીરાઓ રેસ્ટોરન્ટમાં બહુ આનંદ સાથે કામ કરે છે.
ગાંધીજી જ્યારે વિલાયતમાં ભણવા માટે ગયા ત્યારે પોતાના વાળ જાતે કાપવાનો અને એવા બીજા ઘણા પ્રયોગો કર્યા હતા જે પરોક્ષ રીતે આર્થિક સ્વતંત્રતાનો જ પાઠ હતો. સરદાર પટેલ પણ એમના પિતા ઝવેરભાઇ પટેલની કમાણી પર નિર્ભર નથી રહ્યા. કાંડાની કમાણીથી એમણે લંડનમાં જઇને બેરીસ્ટરનો અભ્યાસ કર્યો હતો. આજના સમયમાં આપણે ત્યાં ધીમે ધીમે આ પ્રકારની વિચારસરણી પ્રસરી રહી છે પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે. ભૂજમાં રહેતો જીજ્ઞેશ ગૌસ્વામી નામનો યુવક અત્યારે યુપીએસસીની તૈયારી કરે છે. હું લગભગ છેલ્લા 5 વર્ષથી એની સાથે સંપર્કમાં છું. આ છોકરાના પિતા 2001માં ભૂકંપ વખતે અવસાન પામ્યા હતા. પરિવારમાં માત્ર 2 જ સભ્યો જીજ્ઞેશ અને એના માતા. જીજ્ઞેશ યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી ગયો હતો. એમની સાથે આત્મીય સંબંધ હોવાથી મેં એક વખત એની આર્થિક સ્થિતિ વિષે પુછ્યુ. એમણે મને કહ્યું, ‘બહુ ચિંતા નથી કારણ કે પપ્પાના અવસાન વખતે થોડી રકમ મળી હતી અને હું પણ અભ્યાસની સાથે સાથે પાર્ટટાઇમ નોકરી કરતો હતો. આથી મેં પોતે પણ સારી એવી બચત કરી છે. આ બચતમાંથી જ અત્યારે તો ખર્ચો કરુ છું એટલે બીજી કોઇ ચિંતા નથી.” હું માનું છું કે જીજ્ઞેશ એના પિતાની ગેરહાજરીમાં પણ આર્થિક આઝાદી માણે છે અને બીજી બાજુ આપણે ત્યાં BPL (બાપના પૈસે લીલાલહેર) કરવા વાળા યુવાનોની પણ એક મોટી જમાત છે. પૈસા વાપરવા છે, પણ કમાવા નથી. મોબાઇલ-ફોન અને બાઇક સારાંમાં સારાં લેવા છે પણ ખીસ્સુ પપ્પાનું ખાલી કરવાનું છે.
આર્થિક આઝાદી યુવાનોને પાંખ આપે છે જેનાથી એ વધુ ઉંચે અને ઉંચે ઉડી શકે બસ શરત માત્ર એટલી છે કે પાંખ ખુદની હોવી જોઇએ, બીજાની નહી.


No comments:

Post a Comment