Wednesday, 9 May 2018

વ્યવસ્થાપન
પ્રકરણ – ૪અગાઉ જણાવ્યા પ્રમાણે વિવેકાનંદ શિલા સ્મારકની રચના બાદની પ્રવૃત્તિ વિશે એકનાથજી સતત વિચારતા  હતા.
કેન્દ્ર સરકારના ગૃહ મન્ત્રાલયમાં પ્રધાન શ્રી વી.સી.શુક્લને સંબોધીને  ૩૦ એપ્રિલ, ૧૯૬૮ના રોજ લખાયેલ પત્રમાં એકનાથજીએ ‘સ્વામી વિવેકાનંદે કલ્પેલી અને દર્શાવેલી પ્રવૃત્તિઓ માટે સક્ષમ એકમ વિશે ઉલ્લેખ કર્યો છે. શ્રી વી. સી. શુકલ શિલા-સ્મારકનાં ઉત્સાહી ટેકેદાર હતા અને તેથી જ એકનાથજી તેમને રજે રજની માહિતી આપતા હતા. તે પત્ર નીચે પ્રમાણે છેઃ
"કમિટી દ્વારા ચાલતા શિલા-સ્મારક પ્રકલ્પનાં બન્ને કાર્યો, કન્યાકુમારી પર સ્મારકના બાંધકામ અને વિવિધ રાજ્યોમાં ઉઘરાવેલ ભંડોળ બાબતમાં થયેલ પ્રગતિ આપની જાણ માટે લખું છું.
આ સાથે બીડેલ ‘સંક્ષિપ્ત અહેવાલ’ આપને પ્રગતિની ઉપયોગી વિગતો પૂરી પાડશે.
આ સાથે વાહનમાં મોકલેલ કંડારેલ પથ્થરો અને શિલા માટે બાંધકામની બીજી સામગ્રી તેમજ સ્મારકના સ્થાને ચાલતા બાંધકામના કેટલાંક પ્રાસંગિક ફોટોગ્રાફ્સ પણ મોકલું છું. દરેક ફોટાની પાછળ તેનું વર્ણન આપેલું છે.
જ્યાંજ્યાં ફંડ એકઠું કરવાની ઝુંબેશ પ્રગતિ કરી રહી છે તેવા રાજ્યોમાંથી પ્રોત્સાહક અહેવાલો સાંપડી રહ્યા છે. આનું અનુકરણ કરીને બાકીના બીજાં રાજ્યોમાં ચાલતી ઝુંબેશ વિશે પણ ઉત્સાહજનક પ્રતિભાવ સાંપડે તેવી અપેક્ષા આપણે રાખીએ છીએ. આપણને એટલી શ્રદ્ધા છે કે આ સ્મારકના બાંધકામ માટેના આપણા ફંડ એકઠું કરવાના  રૂપિયા ૫૦ લાખ અને રૂપિયા ૧૫ લાખના મોટર લોંચના કાયમી નિભાવ ફંડના  લક્ષ્યાંક એમ બન્ને મળીને આપણે નક્કી કરેલા લક્ષ્યાંક રૂપિયા ૬૫ લાખને પાર કરી જઇશુ. આથી હવે શિલા સ્મારક ઉપરાંત સ્વામી વિવેકાનંદે કલ્પેલી અને સૂચવેલી  પ્રવૃત્તિઓને અમલમાં મૂકવા માટે સક્ષમ કેન્દ્ર ચાલું કરવા માટે સમય પાકી ગયો છે.
આથી કમિટીએ આ બાબતમાં વિચારવાનું શરુ કરી દીધું છે. થોડા સમયમાં આ પ્રકલ્પનો કાચો મુસદો તેના નાણાકીય ખર્ચનાં અંદાજ સાથે તૈયાર થશે, ત્યારબાદ તેને દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમના અભિપ્રાય અને માર્ગદર્શન અર્થે મોકલવામાં આવશે. હું આપને પણ તેની એક નકલ મોકલાવીશ.”
એક સારા વ્યવસ્થાપક તરીકે એકનાથજી દાતાઓને બાંધકામની પ્રગતિ વિશે માહિતગાર કરતા રહેતા હતા. આસામના મુખ્ય પ્રધાનને ૩૦ એપ્રિલ, ૧૯૬૮નાં રોજ શિલોંગ લખેલ પત્ર ઉદાહરણરૂપે આપેલ છે.
પત્ર નીચે મુજબ છેઃ
“વિવેકાનંદ શિલા સ્મારક માટે અગાઉના રૂપિયા ૭૫,૦૦૦/- ઉપરાંત હાલના રૂપિયા ૨૫,૦૦૦/- ના દાનને માટે અમો આસામની સરકારનાં ઋણી છીએ.
આસામ સરકાર તરફથી મળેલી કુલ રૂપિયા એક લાખની ઉદાર સખાવતથી અમે અત્યંત પ્રોત્સાહિત થયા છીએ. અમે હાથમાં લીધેલ મહાન કાર્યમાં અમને ઘણી પ્રેરણા મળી છે. મદ્રાસની અમારી મુખ્ય કચેરીએ આ સખાવતની સત્તાવાર પહોંચ પાઠવેલ છે.
આ સાથે કન્યાકુમારી ખાતે થયેલ બાંધકામ અને જુદાંજુદાં રાજ્યોમાંથી એકત્રિત થયેલ ભંડોળમાં થયેલ પ્રગતિનો સંક્ષિપ્ત અહેવાલ મોકલાવી રહ્યો છું.
સાથે સાથે શિલા-સ્મારકના સ્થળે મોકલવામાં આવી રહેલ કંડારેલ પથ્થરો, બાંધકામને લગતી અન્ય વસ્તુઓના ફોટોગ્રાફ્સ પણ મોકલાવું છું.”
અહીં છેલ્લાં ફકરામાં આપણને નાની નાની બાબતોમાં પણ એકનાથજીની ચીવટની પ્રતિતી થાય છે.
શ્રી રામભાઉ મ્હાલગી પ્રબોધીનીએ વ્યવસ્થાપન વિજ્ઞાન પર ‘સંગઠન શાસ્ત્ર’ નામનું પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં વિવિધ નિષ્ણાતો દ્વારા વ્યવસ્થાપનની અલગ અલગ પદ્ધતિઓ વર્ણવામાં આવેલ છે.
શ્રી શિવરાજ તેલંગે પરમપૂજ્ય શ્રી ગોલવલકર ગુરુજીની વ્યવસ્થાપન પધ્ધતિ પર લખ્યું છે. શ્રી તેલંગે કહ્યું છે કે ‘સંસ્થા માટે વ્યવસ્થાપન’ એ ગુરુજીની વિચારધારા હતી. એકનાથજીની વ્યવસ્થાપન પધ્ધતિ પર આ વિચારધારાની વ્યાપક અસર પડેલી હોય તે સ્વાભાવિક છે. એકનાથજીએ એ જ વિચારધારાને અપનાવેલ છે.
 મેનેજમેન્ટ પર પશ્ચિમના દેશોમાં અલગ અલગ પદ્ધતિઓ અનુસરવામાં આવે છે. પીટર ડ્રકરે ‘મેનેજમેન્ટ ચેલેન્જીસ ઓફ ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી’ નામના પુસ્તકમાં ટૂંકો ઉલ્લેખ કર્યો છે. તેણે ફ્રાન્સના હેન્રી ફેયોલ, ત્યારબાદ અમેરિકાના જ્હોન જે રોકફેલર સિનીયર, જે.પી. મોર્ગન અને અંતમાં એન્ડ્ર્યુ કાર્નેગીનો દાખલો આપ્યો છે. તેઓ સંસ્થા અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ હતાં. પણ આ મોટે ભાગે ઉત્પાદન એકમો હતા.
વિવિધ એકમો માટે વિવિધ પ્રકારની સંચાલન પધ્ધતિ, અને અગત્યતા રહેલી હોય છે. ઉત્પાદન સંસ્થાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓની જરૂરિયાત વિવિધ પ્રકારની હોય છે.
સ્વૈચ્છીક સંસ્થાઓ માટે સંચાલન પધ્ધતિ અત્યંત આવશ્યક છે. મિ. સ્ટીફન પી. ઓસ્બોર્ને ‘ સંસ્થાકીય શ્રેષ્ઠ અભિગમ’  વિશે જણાવ્યું છે. તેમાં સ્વૈચ્છીક સંસ્થાની કામગીરીની સફળતાનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.
એકનાથજીએ મેનેજીંગ કમિટિની મીટિંગમાં કહ્યું હતું – “કન્યાકુમારીના કિનારા પરથી હવે શરૂ કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે આપણે હવે વિચારવું જોઇએ.” બસ, ત્યારથી જ બીજા તબક્કાનું વર્ષ ૧૯૬૭થી વ્યવસ્થાપન શરૂ થયેલ હતું. ત્યારબાદ ૧૯૬૮ની મીટિંગમાં કાર્યકરોની બિન – સંન્યાસી વર્ગીકરણની ચર્ચા થઇ.એકનાથજીએ તેમના પુસ્તક ‘સેવા એ જ સાધના’ મા ‘બિન-સન્યાસી’ વર્ગ વિશે વિગત આપી છે. આ આખી વિચારધારા અહીં રજૂ કરવામાં આવી છે. તેના મુખ્ય મુદ્દાઓમાં (અ) સ્વામી વિવેકાનંદના સૂચન પ્રમાણે મનુષ્યમાં રહેલી દિવ્યતાને કર્મ, ભક્તિ, માનસિક સંયમ અથવા તત્વજ્ઞાન વડે બહાર લાવી શકાય. (બ) સંન્યાસીના ભગવાં વસ્ત્ર તે વ્યક્તિ અને સમાજ વચ્ચે અંતરાય ઊભો કરે છે. તેથી જ બિન-સંન્યાસી વર્ગ તૈયાર થવો જોઇએ.(ક) સંસ્થામાં જીવનવ્રતીને પોતાના નિભાવની કોઇ ચિંતા કરવાની રહેતી નથી. તે સંસ્થાની સંપૂર્ણ જવાબદારી છે.
આ પ્રકારની સંસ્થા રચના માટે ગહન સંસ્થાકીય પ્રાવિણ્ય આવશ્યક છે. આ કુશળતા એકનાથજીમાં હતી. તેઓ કેવી રીતે આગળ વધ્યા તે જોઇએ.
વિવેકાનંદ કેન્દ્રની શરૂઆત અને પ્રગતિ પરિશિષ્ટ -ઈમાં આપેલ છે. મુખ્ય મુદ્દાઓ અહીં દર્શાવેલ છેઃ
(અ) વિવેકાનંદ શિલા-સ્મારકની અનાવરણ વિધિ રાષ્ટ્રપતિ દ્વારા ૨ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ થઇ. તેના એક વર્ષનાં ગાળામાં એટલે કે ૨૫ મે, ૧૯૭૧ના રોજ સેવા-સંસ્થાનું નામ ‘વિવેકાનંદ કેન્દ્ર’ રાખવામાં આવ્યું. કેન્દ્રની સ્થાપના ૭ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ થઇ. ૩ સપ્ટેમ્બર, ૧૯૭૨ના રોજ તેના જનરલ સેક્રેટરી તરીકે એકનાથજીની વરણી થઇ.
(બ) ૨ ફેબ્રુઆરી ૧૯૭૪નાં રોજ જીવનવ્રતીઓના પહેલાં જૂથની તાલીમ શરૂ થઇ.
(ક) જાન્યુઆરી ૧૯૭૭થી અરુણાચલ પ્રદેશમાં કુલ સાત શાળાઓ શરૂ થઇ.
૧૯૬૭માં પહેલીવાર મેનેજીંગ કમિટીમાં વિવેકાનંદ કેન્દ્રનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારથી ૧૯૮૨માં એકનાથજીના અવસાન સુધી તેઓ વિવેકાનંદ કેન્દ્રના સંસ્થાપન અને સંચાલનના કાર્યમાં સંપૂર્ણ સમર્પિત રહ્યા હતા. ૧૯૭૨ થી ૧૯૮૨ એમ દશ વર્ષ સુધી પરિશિષ્ટ–ઈ માં દર્શાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ખૂબ જોશભેર ચાલતી હતી.
‘સેવા એ જ સાધના’માં જણાવ્યા પ્રમાણે એકનાથજીએ એક વ્યાખ્યાન દરમ્યાન કહ્યું હતું- “સંસ્થા એ એક મૂળભૂત છોડ છે જેનો વિકાસ તેને મળેલ પોષણને અનુરૂપ થાય છે. જેના કેન્દ્રસ્થાને એક ઉચ્ચ વિચારની પ્રક્રિયા ગુંથાયેલી હોય છે. ઉમદા અને કલ્યાણકારી વિચાર હંમેશાં સંસ્થાના કેન્દ્ર સ્થાને હોય છે. દુષ્ટ વિચારોની આસપાસ કોઇ સંસ્થા હોતી નથી. ઉમદા અને કલ્યાણકારી વિચારો લોકોના મન પર અસર કરે છે અને તેને નક્કર સ્વરૂપ આપવાનો ખૂબ પ્રયત્ન કરે છે. સરખા વિચારવાળાઓ એકઠા થાય છે અને સાથે મળીને ધ્યેયને પરિપૂર્ણ કરે છે. જેમ સહભાગીઓ વધારે તેમ ધ્યેય પ્રાપ્તિની તક ઉમદા રહે છે. જેમ ઉચ્ચ વિચારસરણી અને બુદ્ધિશાળી લોકો વધારે તેમ ધ્યેયની ગુણવત્તા વધારે. સંસ્થાને હંમેશા એવી વ્યક્તિઓની જરૂર રહે છે કે જેઓ તેમના અંગત જીવનના બધા જ રસ છોડીને માત્ર સંસ્થાને જ સમર્પિત રહે.
દરેક સંસ્થામાં સભ્યો હોય છે અને તે જુદાજુદા વર્ગના હોય છે. તેમાં સામાન્ય સભ્યો, સહકાર્યકરો, આજીવન સભ્યો, સક્રિય સભ્યો, પૂર્ણકાલિન સભ્યો, ઓફિસના કર્મચારીઓ અને કેટલાક સંસ્થાની જરૂરિયાત પ્રમાણેના હંગામી સભ્યો. આ બધાં જ વર્ગના સભ્યોને એક છત્ર નીચે એકઠાં કરવા તે પણ એક કળા છે. માત્ર સભ્યોની સંખ્યા દ્વારા જ સંસ્થાની પ્રગતિ થતી નથી. વ્યક્તિગત રીતે પણ તેઓ સક્ષમ હોવાં જોઇએ. જેમકે શારીરિક રીતે સક્ષમ, માનસિક રીતે  બુદ્ધિશાળી અને આર્થિક રીતે પણ સધ્ધર હોવા જોઇએ. સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં કહ્યું છે કે તેઓએ તેમનું તન (શરીર), મન (બુદ્ધિ) અને ધન (મિલ્કત) આ સિદ્ધાંતના પ્રચાર માટે ન્યોચ્છાવર કરવા જોઇએ. તેઓ ઉમદા વિચારોને નક્કર સ્વરૂપ આપવાનાં આ મહાન કાર્ય માટે શારીરિક દ્રષ્ટિએ પરિશ્રમ અને યાતના, માનસિક દ્રષ્ટિએ સહનશીલ અને આર્થિક દ્રષ્ટિએ સંપત્તિનું દાન કરવા માટે તત્પર રહેવા જોઇએ.”
તેઓ આગળ કહે છે, “ લોકોનું આ સંગઠન; ‘લોક્સંગ્રહ’, ‘લોક સંસ્કાર’ અને ‘લોક વ્યવસ્થા’નું કૌશલ્ય છે.” દરેકે દરેક કાર્યકર વ્યવસ્થાપનનો નિષ્ણાત હોવો જોઇએ. આ ત્રણેયની સાથે ‘લોક સંપર્ક’ ભળતાં એ કળા ચતુશ્રી બને છે.
વિવેકાનંદ રોક મેમોરિયલ સમિતિની પ્રવૃત્તિ કે જેની શરૂઆત ૭ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થઇ હતી તેનો બીજો તબક્કો આપણે જોયો છે. બીજા તબક્કાના પ્રારંભની પ્રેસ યાદી અપાઇ છે અને તેમાં જેનું મુખ્ય કેન્દ્ર કન્યાકુમારીમાં રહે તેવા ‘વિવેકાનંદ કેન્દ્ર’ નામના સેવા મિશનનો પાદુર્ભાવ થાય  છે તેની જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રેસ યાદીમાં આગળ કહ્યું છેઃ ‘ સમિતિના પૂર્ણ આયોજનનો પ્રથમ તબક્કો સંપૂર્ણ રીતે પૂરો થયો નથી, તે વાત સાચી. પ્રથમ તબક્કાના બધાં કાર્યો માટે ફરીથી નક્કી કરેલા રૂપિયા એક કરોડ અને પાંત્રીસ લાખના ખર્ચ સામે કમિટી આશરે રૂપિયા એક કરોડ અને સોળ લાખ એકઠાં કરી શકી છે, આને પરિણામે આ કાર્યને પૂરૂં કરવામાં થોડીક બાબતો કરવાની બાકી રહે છે. પરંતુ હજુ પણ કમિટિને કેન્દ્ર સરકાર, જૂજ રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ પાસેથી જરૂરી ભંડોળ મેળવીને બાકીની યોજનાનો  અમલ કરવાનો છે, સાથે સાથે બીજા તબક્કાનું કામ જે ઘણું મહત્વનું અને સૂચક છે તે પણ કમિટીએ શરૂ કરવાનું નક્કી કરેલ છે.
આ સેવા સંસ્થાનો મુખ્ય મુદ્રાલેખ માનવ-સેવા હશે. સ્વાભાવિક રીતે માનવ સેવાની અતૂટ ઝંખના ધરાવતી કોઇ પણ વ્યક્તિ નાત- જાત, ધર્મનાં ભેદભાવ વગર સભ્ય બની શકે છે.
કેન્દ્ર આખા દેશમાં અને વિદેશમાં પણ એકમો ખોલવા માટે પ્રયત્નશીલ રહેશે. તેમની પ્રવૃત્તિઓ બે વાક્યો પૂરતી મર્યાદિત રહેશેઃ (૧) સેવા માટે સભ્યોને આવશ્યક તાલીમ આપી સક્ષમ બનાવવા. (૨) તાલીમ પામેલા સભ્યોને જનસેવા માટે કાર્યરત કરવાં.
કેન્દ્રનો એક મુખ્ય ઉદ્દેશ યુવાનોને ખાસ સઘન તાલીમ આપી બિન-સંન્યાસી પ્રકારના આજીવન સેવાવ્રતીઓ તૈયાર કરવા.
આવી રીતે તૈયાર થયેલા જીવનવ્રતીઓના જૂથોને જરૂરતમંદ વિસ્તારોમાં લોકોના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે મોકલવામાં આવશે. આ યુવાન કાર્યકરો જ્યારે વિવાહિત જીવન સ્વીકારશે ત્યારે તેમને ભરણ-પોષણની ચિંતા કરવાની રહેશે નહિ જેથી તેઓ તેમનો સંપૂર્ણ સમય અને શક્તિ કેન્દ્ર તરફથી સોંપવામા આવેલ કાર્યને અર્પણ કરી શકે.
૧૯૭૩ના મધ્યમાં જીવનવ્રતીઓના પહેલા જૂથની નામાવલિ તૈયાર થશે. તેમને તેમના કાર્યક્ષેત્રમાં મોકલતા પહેલાં છ માસ માટે પ્રારંભિક અને ઘનિષ્ઠ તાલીમ લેવાની રહેશે. ત્યારબાદ અવારનવાર યોગ્ય સમયાંતરે ટૂંકી તાલીમ આપવામાં આવશે.
કન્યાકુમારી શહેરની શરૂઆતમાં વિવેકાનંદપૂરમ્ નામનો ૭૫ એકર જમીનનો પ્લોટ આવેલો છે. તેના પર વિવેકાનંદ કેન્દ્રની નિવાસી તાલીમ શાળા અને મુખ્ય કચેરીનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. અન્ય તાલીમ સાથે યોગાસન અને ધ્યાનની પણ તાલીમ આપવામાં આવશે. કેમ્પસમાં ટૂંક સમયમાં જ એક સંશોધનાત્મક ગ્રંથાલય શરૂ કરવામાં આવશે. સાથે સાથે કાર્યકરોને વ્યાપક તાલીમ માટે સગવડતાઓ ઊભી કરવામાં આવશે.
પ્રાથમિક ગણતરી પ્રમાણે કેન્દ્રને પગભર કરવા માટે શરૂઆતનો અંદાજિત ખર્ચ રૂપિયા ત્રણેક કરોડની આસપાસ થવા સંભવ છે.
સમુદ્ર મધ્યે ખડક પર ભવ્ય વિવેકાનંદ શિલા-સ્મારકની રચના દરમ્યાન અમને જે જાહેર જનતાનો જે ઉત્સાહભર્યો સહકાર સાંપડ્યો છે તેવા જ સહકારની અપેક્ષા અમે હજુ પણ રાખીએ છીએ. અમને ખાતરી છે કે પ્રજાનો સહકારથી ભંડોળ તો એકઠું થશે જ, પણ એથી પણ વધુ મહત્વનું તો વિવેકાનંદ કેન્દ્રનાં આહ્વાહન પર શિક્ષિત અને બુદ્ધિશાળી યુવક અને યુવતીઓ માનવ સેવાનાં આ યજ્ઞમાં જોડાવવા આગળ આવશે.
(ક્રમશઃ)
- અનુવાદ : અનિલભાઈ આચાર્ય


સ્વામી વિવેકાનંદ ભારત પુનરાગમન

કલકત્તાનો છોકરો - 2


- મા. નિવેદિતાદીદી


"આ પવિત્ર ભૂમિના પર્વતશિખરો પર, તેની ગુફાઓના ઊંડાણમાં અને તેના પ્રચંડ વેગવાન જળસ્ત્રોતોના તટ પર જ સૌથી અદભુત વિચારોનો જન્મ થયો છે, જેના એક નાનકડા અંશની પણ વિદેશીઓએ આટલી પ્રશંસા કરી છે, અને જેને સર્વશ્રેષ્ઠ વિચારકોએ પણ અતુલનીય ગણાવ્યા છે. આ જ એ ભૂમિ છે, જ્યાં મારું જીવન વ્યતિત કરવાનું  સ્વપ્ન હું બાણપણથી જોતો હતો, અને જેમ આપ સૌ જાણો છો, મે વારંવાર અહીં રહેવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેના માટેનો યોગ્ય સમય નહોતો તથા મારે મારું કાર્ય પૂર્ણ કરવાનું હતું. જેથી આ પવિત્ર સ્થાનથી મારે દૂર રહેવું પડ્યું, તેમ છતાં પણ, મને આશા છે કે મારા જીવનના અંતિમ દિવસો હું આ મહાન પર્વતના ખોળામાં વિતાવિશ કે જ્યાં ઋષિઓનો નિવાસ હતો, જ્યાં દર્શન શાસ્ત્રોનો જન્મ થયો હતો, મારા મિત્રો, મેં જે વિચાર્યું હતું, કે અહીં મને એ મૌન, એ અજ્ઞાતવાસ મળે, પરંતુ કદાચ એ શક્ય નહીં બને. તો પણ, હું હ્રદયથી પ્રાર્થના કરું છું અને લગભગ મારો એ વિશ્વાસ છે કે મારા અંતિમ દિવસો આ જ સ્થળે વિતશે."
પરંતુ અલ્મોડા, એ સ્થાન જેને સ્વામી વિવેકાનંદ પોતાનું અંતિમ ગંતવ્ય માનતા હતા-માં પણ ફરીથી તેમણે પોતાના સંદેશને જ કેન્દ્રમાં રાખ્યો કે આ ધરતીએ અને આપણા સનાતન ધર્મએ જ વિશ્વનું માર્ગદર્શન કરવાનું છે, તેઓ આગળ કહે છે-“ પવિત્ર ભૂમિના નિવાસીઓ, મારા દ્વારા પશ્ચિમ જગતમાં જે થોડું પણ કાર્ય થયું છે, તેના માટે આપના તરફથી મળેલ પ્રશંસા માટે મારા પ્રણામ. પરંતુ સાથોસાથ મારું મન એ વિશે વાત કરવા નથી ઈચ્છતું, ન પૂર્વની કે ન પશ્ચિમની. જેમ-જેમ આ પર્વતરાજના એક-એક શિખર મારી નજર સામે આવવા લાગ્યાં, તો મને અનુભવ થયો કે આટલા વર્ષોથી કાર્ય પ્રત્યેનો જે ઝુકાવ હતો, મારા મનમાં જે ઉથલ-પાથલ ચાલતી હતી,  એ શાંત થઈ ગઈ અને જે કામ થઈ ગયું છે અથવા તો બાકી છે, તેના વિશે વાત કરવાના બદલે મારું મન એ દિવ્ય વિષય તરફ વળ્યું જે હિમાલય આપણને સદૈવ શીખવે છે, એ એક જ વિષય જે આ સમસ્ત પરિવેશમાં ગુંજી રહ્યો છે. એ વિષય જેનો સ્વર હું આ નદીઓના પ્રવાહમાં અત્યારે પણ સાંભળી શકું છું- મોક્ષ! આ સંપૂર્ણ જીવન ભયથી ભરેલું છે, માત્ર મોક્ષ જ આપણને નિર્ભય બનાવે છે. હા, આ જ તો મોક્ષ ભૂમિ છે.
સમય મને આજ્ઞા નહીં આપે, ને આ અવસર પણ. યોગ્ય નથી કે વિષય પર સારી રીતે વાત કરી શકું. એટલા માટે મારે કહેવા સાથે વાત પૂરી કરવી પડશે કે હિમાલય મોક્ષનું પ્રતીક છે, અને આપણે માનવતાને જે મહાન શિક્ષણ આપી શકીએ છીએ, તે મોક્ષનું શિક્ષણ જ છે. જેમ આપણાં પૂર્વજો જીવનના ઉતરાર્ધમાં હિમાલય તરફ આકર્ષિત થતા હતા એજ રીતે પૃથ્વીના બધા ભાગોમાંથી મહાન આત્માઓ આ પર્વતરાજ તરફ આકર્ષિત થશે, પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિભિન્ન સમુદાયો વચ્ચે થઈ રહેલા સંઘર્ષો ને મતભેદો ભૂલાવી દેવામાં આવશે, જ્યારે મારા સંપ્રદાય અને તમારા સંપ્રદાય વચ્ચેના વિવાદને સંપૂર્ણપણે મિટાવી દેવામાં આવશે, જ્યારે માનવતા એ સમજી લેશે કે પરમ ધર્મ માત્ર એક જ છે, અને એ છે પ્રત્યેક જીવમાં ઈશ્વરનો નિવાસ અને બાકીનું સઘળું માત્ર માયા. આવા ઉત્સાહી જીવો અહીં આવશે, જેઓ જાણતા હશે કે આ માત્ર નશ્વરતાથી ભરેલું નશ્વર વિશ્વ છે જેઓ જાણતા હશે કે ઇશ્વરની આરાધના સિવાય બાકીનું બધું નિરર્થક છે.
મિત્રો, એ તમારૂ દયાળુંપણું છે કે તમે હિમાલયમાં એક કેન્દ્રની સ્થાપનાના મારા વિચારનો ઉલ્લેખ કર્યો છે, અને શક્ય રીતે મેં એ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે આવું શા માટે થવું જોઈએ, અને સૌથી વિશેષ તો એ વાત કે શા માટે હું વિશ્વ ધર્મનું શિક્ષણ આપનારા મહાન કેન્દ્રમાંના એક તરીકે આ સ્થાનની પસંદગી કરવા ઈચ્છું છું. આપણી જાતિની સર્વશ્રેષ્ઠ સ્મૃતિઓ આ પર્વતો સાથે જોડાયેલી છે. જો આ હિમાલયને ધાર્મિક ભારતના ઈતિહાસમાંથી હટાવી લેવામાં આવે, તો કદાચ તેમાં કંઈ જ બાકી રહેશે નહીં. માટે એક કેન્દ્ર અહીં હોવું જોઈએ. પરંતુ માત્ર પ્રવૃત્તિ માટે નહીં, પરંતુ તેના કરતા પણ આગળ, શાંતિ માટે, ધ્યાન માટે, મૌન માટે, અને મને આશા છે કે એક દિવસ તે જરૂર બનશે. હું એ પણ આશા રાખું છું કે આપ સૌને ફરીથી મળીશ અને ત્યારે ઘણી વાતો કરી શકીશ. આજ માટે હું ફરી એક વાર આપ સૌની કૃપા માટે આભાર માનું છું, અને હું તેને માત્ર એક વ્યક્તિ પ્રત્યે નહીં પરંતુ પોતાના ધર્મના એક પ્રતિનિધિ પ્રત્યે દર્શાવેલા કૃપાના રૂપમાં જોઉં છું. એ સદૈવ આપણા હ્રદયોમાં રહે, આપણે સૌ આટલા જ પવિત્ર બની રહીએ, જેટલા આપણે આ ક્ષણે છીએ. તથા આધ્યાત્મિકતા પ્રત્યે આપણા મનમાં એવો જ ઉત્સાહ રહે જેવા અત્યારે છે."
સ્વામી વિવેકાનંદના ભાષણો ને સંદેશનું આ પ્રકરણ પ્રેરણારૂપ છે કે કેવી રીતે એક વ્યક્તિએ ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ પોતાના ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરી રાખવું જોઈએ. અહિ આપણને એ શીખ પણ મળે છે કે લોકોને પોતાના નિશ્ર્ચિંત માર્ગ પર પ્રેરિત કરવા માટે તેની સાથે કેવા પ્રકારે સંવાદ સાધવો જોઈએ, આત્મવિલોપનની શીખ પણ આપે છે, જ્યાં પોતાનો ઉલ્લેખ ‘કલકત્તાના અલ્હડ છોકરા’ તરીકે થાય છે, અને તે એ વાતની શીખ પણ આપે છે કે પોતાનું ઉત્તરદાયિત્વ પૂર્ણ કરતી વેળાએ પણ વ્યક્તિએ તે ભૂલવું જોઈએ નહીં કે તે સર્વવ્યાપી છે.રાષ્ટ્ર-ધર્મ

-  ભગિની નિવેદિતા

ભારતવર્ષ પોતાની સંસ્કૃતિનું નવવિકાસ કરી રહ્યું છે. “જૂના પાયા પર નવું નિર્માણ” કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય ક્ષિતિજ પર નવિન આદર્શ, નવવિચાર અને કાર્યપદ્ધતિનો ઉદય થઈ રહ્યો છે. વિવિધતમ રીતિઓથી નવનવીન કાર્યક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે ભારત કટિબદ્ધ થઈ રહ્યું છે. આ પ્રકારના નવનિર્માણના યુગમાં નૈતિક સ્થિરતાનો ભંગ થવાની સંભાવના રહે છે. નૈતિક-શક્તિની પરમસત્તાને પ્રસ્થાપિત કરવી એ આ સંસ્કૃતિનો હંમેશા ઉદ્દેશ્ય અને પ્રયાસ રહ્યો છે. અને જ્યારે પ્રચંડ સંક્રમણનો, ક્રાંતિનો અવસર આવે, મોટી-મોટી ઘટનાઓ બને ઉથલ-પાથલ થાય, સમગ્ર સમાજ નીચેથી ઉપર સુધી આંદોલિત થઇ જાય છે, ત્યારે બધા જૂના બંધનો, જૂની સંસ્થાઓ, જૂના આચાર-વિચાર અને રૂઢિઓને તોડી મરોડીને ફેંકી દેવાની પ્રવૃત્તિ બળ પકડે છે, કારણ કે આ વાતાવરણના ફળ-સ્વરૂપ નૈતિકતા પ્રબળ બને છે, સમાજના બધા ભગ્નાવશેષ સપાટી પર તરવા લાગે છે. જૂના ઉપકરણો ત્યાગીને નવા લાવવાના પ્રયાસો થતા હોય છે. જે પ્રકારે પ્રાચીન સમયમાં અત્યાચારી રાજાના શરીરનું મંથન કરીને એમની ભુજાઓમાંથી પૃથુને પ્રકટ કરેલા, જેનાથી પ્રજાને વત્સ બનાવી પ્રજાનું દોહન કરેલ અર્થાત્ અભૂતપૂર્વ પ્રગતિ કરેલી. પશ્ચિમનો ‘સંસ્કૃતિ’ શબ્દ આપણે અહિંયા ‘ધર્મ’ નો પર્યાયવાચી છે. જ્યારે ઉદાત્ત ચારિત્ર્ય, નિષ્કંલક નૈતિકતાને જ રાષ્ટ્રના સામાજિક અથવા રાજનૈતિક કાર્યોની ચાવી સમજવામાં આવે, નાસ્તિક, અશ્રદ્ધાળું તથા દંભી મનુષ્યનું સાચું મૂલ્ય સંગણિત કરીને એમને સમાજ દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેકી દે અને સમાજની ઈચ્છા શક્તિ નિરંતર અસત્યનો ત્યાગ કરીને સત્ય-ભગવાનની ઉપાસના, ‘સત્યં શિવમ સુન્દરમ્’ ની આરાધના માટે પ્રવૃત્ત થાય ત્યારે રાષ્ટ્રએ પોતાના અતિતના ભૂતકાળની મહિમાને પ્રસ્થાપિત કરી એવું માનવામાં આવશે.

કોઈપણ રાષ્ટ્ર એવી બડાઈ ન મારી શકે કે તેણે ઉપયુક્ત બધા જ લક્ષણોને પૂર્ણત: પ્રગટ કરી લીધા છે. આ તો એવી સ્પર્ધા છે જેમાં યશ માત્ર સાપેક્ષપણે જ માપી શકાય છે. તોપણ નિર્વિવાદ તથ્ય છે જે સામાજિક તેમજ રાષ્ટ્રીય ગતિવિધિયોનું મૂલ્યાંકન જો કોઈ નિરપેક્ષ માનક બને તો તે નૈતિકતાનું માપ બની શકે છે. કોઈપણ રાષ્ટ્રની શ્રેષ્ઠતાનું અનુમાન સંપત્તિ, ધન-વૈભવ, ઉદ્યોગ તથા મોટા-મોટા પ્રકલ્પોના આધારે નહિં, પરંતુ રાષ્ટ્રના નૈતિક સ્તરના આધાર પર જ થઈ શકે છે.
અહી જે નૈતિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ માત્ર સામાજિક પ્રથાની નૈતિકતા નથી. કોઈ જીર્ણશીર્ણ નિયમ કે રૂઢિને ટકાવી રાખવી એ કોઈ પ્રશંસાની વાત નથી. તે આપણી દૂર્બળતા પણ હોય શકે છે. સાચી નૈતિકતા ઈચ્છા-શક્તિ, પાવિત્ર્ય, ચરિત્ર, ત્યાગની અગ્નિ છે. કોઈ રાષ્ટ્રની કમાણીનું મૂલ્યાંકન આ સદગુણ ચતુષ્ય્યથી નિર્ધારિત થાય છે, ન કે માત્ર એમની બાહ્ય ચમક-દમક અને દંભથી. તો પણ અમુક વાતો તો સ્પષ્ટ છે, જે દેશોમાં લાંબા સમય સુધી ત્યાગના દર્શનનો, સંન્યાસ ધર્મનો ઉપદેશ કર્યો હોય, નિર્ધન-નિરાધારોને, નિરહંકારિતાને ભાઈચારાના, સાર્વજનિક સંપત્તિના તત્વજ્ઞાનનું પ્રતિપાદન કર્યું હોય, તે દેશ જ એકાએક બીજાના રાજનૈતિક વ્યાવસાયિક અથવા આર્થિક અથવા ત્રણેય પ્રકારે એક સાથે શોષણ કરતા દેખાય ત્યારે, આચાર અને વિચારના આ વિષવાદની આલોચના કરી નિર્ણય પ્રકટ કરવો ઉચિત અને અનિવાર્ય બની જાય છે.
જીવનમાં જ્યારે મોહ અને પ્રલોભનની ક્ષણ આવે છે ત્યારે આ રિપુગણોના આક્રમણોથી બચવા માટે તર્ક સંગત તથા સત્ય સિદ્ધાંત કે નીતિતત્વ માત્ર પર્યાપ્ત શસ્ત્ર નથી. તત્વની સત્યાસત્યતા ઉપરાંત, વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે મનુષ્યની પ્રકૃતિ એ તત્વથી કેટલી સંયુક્ત થઈ છે, તત્વ તેમના જીવનમાં કેટલું ઉતર્યું છે, એ તત્વ પ્રત્યે મનુષ્યનો આંતરિક અનુરાગ કેટલો છે, તેણે કેટલું આત્મસાત કર્યું છે. ધર્મ જો રાષ્ટ્રના રોમ-રોમમાં ભર્યો ન હોય, લોહીમાં એકરસ ન થયો હોય તો સમય આવ્યે સ્વહિત માટે તે ધર્મને છોડી શકે છે. આ જ ધર્મનો પરાજય છે. ઈતિહાસની પ્રગતિને અવરોધતું દુર્ભાગ્યપૂર્ણ અવરોધક છે.
આ અવસર પર વિવિધ ધર્મોની પ્રજ્ઞા અથવા બુદ્ધિની પરિસીમાનો પ્રશ્ન ઊભો થાય છે. સ્પષ્ટત: ધર્મમત તથા નીતિશાસ્ત્રની તે આચાર સંહિતા, જેને આપણી સમગ્ર પ્રજ્ઞા આનાકાની કર્યા વગર સ્વીકારે, આપણી બુદ્ધિને જે ઠીક લાગે, તે જ આચાર-ધર્મ આપણને નિયંત્રણ, સંયમમાં રાખીને આપણને મોહ અને પ્રલોભનથી બચાવી શકે છે. આનાથી વિરુદ્ધ જે ધર્મ આચાર-સંહિતા આપણને દાદીમાની કથાઓની સમાન અવિશ્વનીય અને અલૌકિક લાગે તે આપણા આચાર-વિચારોનું નિયમન ક્યારેય કરી શકશે નહિ. ઈસાઈ ધર્મમત આ બૈદ્ધિક વ્યાખ્યા પર ટકી ન શક્યું, આમા જ ઓગણીસમી સદીમાં તેના હ્રાસનું રહસ્ય છે. વિજ્ઞાને વિવિધ પ્રકારના યાંત્રિક સંશોધનો દ્વારા ઈસાઈ રાષ્ટ્રોની સામે એક અભિનવ સંસારનું નિર્માણ તો કરી દીધું, પરંતુ તે જ વિજ્ઞાનની શિક્ષાએ જે બુદ્ધિ પ્રાભાષ્ય ઉત્પન્ન કર્યું જેના કારણે ઈસાઈ-ધર્મ-મત, જે થોડા સમય પહેલા વિશ્વ માટે એક માર્ગદર્શક તથા ઉન્નતકારી બળ હતું. હવે એક અવૈજ્ઞાનિક, ભ્રામક ધારણાઓનો ઢગ માત્ર બનીને તિરસ્કૃત થઈ ગયુ  છે. પરિણામ સ્વરૂપ ભૂતકાળમાં ઈસાઈ સમાજને ઈસાઈ ધર્મગ્રંથ, ઉપાસના વગેરેના માધ્યમથી જે આચારના સંસ્કાર મળ્યા હતા, તેનાથી આધુનિક ઈસાઈ વંચિત થઈ ગયા. આ પ્રકારે ઈસાઈ ધર્મથી ચ્યુત ઈસાઈનું સમસ્ત સંસારને લૂંટવાવાળો સશસ્ત્ર ડાકુ બનાવવાનું સ્વાભાવિક જ છે.
ઈસાઈ ધર્મ-મત વિજ્ઞાનને સમાવિષ્ટ ન કરી પચાવી ન શક્યું. શું હિન્દુધર્મ અર્વાચિન સત્યતાને આત્મસાત્ કરવાની ક્ષમતા રાખે છે ? આપણે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે હા.. ક્ષમતા રાખે છે. કારણ - હિન્દુધર્મની વિવિધ પ્રથાઓ રૂઢિઓ અને આચારોની પાછળ વેદાન્તના સાર્વભૌમ દર્શનનો હિમાલય ઊભો છે. આ દર્શન માટે ધાર્મિક સંસ્કાર અથવા અનુષ્ઠાન, સામાજિક તંત્ર, વૈજ્ઞાનિક શોધ-ખોળ અથવા કોઈપણ નવ-વિચાર સમાનરૂપથી પ્રયોગાર્થ ગ્રાહ્ય હશે અને આ વેદાન્તમાં પણ શંકરાચાર્યનું અદ્વૈત દર્શન, હિમાલયના અનેક શિખરોમાંથી ઉપર ઊઠીને ચમકતું ગૌરી-શંકર સમાન સંસારમાં સર્વોચ્ય છે.
હવે આપણે એક શ્રેષ્ઠ લૌકિક જીવન પ્રકટ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં હિન્દુધર્મના એક નવ-વિકસિત રૂપને લઈને હિન્દુરાષ્ટ્ર ઊભું થશે. સનાતની અને આર્ય સમાજ કર્મકાંડોની પાછળ પડવાની અપેક્ષાએ આપણે સાંઘીક, સામુદાયિક જીવનના પાઠ ગ્રહણ કરીએ. વિવિધ પૂજા-વિધિઓ અને સંગઠનની ઉપાસના માટે કટિબધ્ધ થઈએ. “નવીન પર્વ કે લિયે, નવીન પ્રાણ ચાહિએ” નવયુગ માટે નવા જીવનવ્રત આધાર હલી જશે? ક્યારેય નહીં! શું આ નવીન વ્રત, નવી દીક્ષા ! શું  આ નવીન વ્રતો  તથા નવીન આદર્શોના કારણે હિન્દુધર્મનો આધાર હલી જશે? ક્યારેય નહીં! સહસ્ત્રો  વર્ષો પૂર્વે ઋષિયોએ ઘોષણા કરી હતી કે “एकं सत विप्रा बहुधा वदन्ति” અર્થાત્ મૂળ સત્ તત્વ એક જ છે, પ્રબુદ્ધ લોકો તેને વિવિધ નામોથી સંબોધિત કરે છે.
સાંજે કોઈ મંદિરમાં જઈને ડંકા વગાડવાની જગ્યાએ જો આપણે કોઈ મેદાનમાં એકત્રિત થઈને ભારતમાતાની પ્રાર્થના અનેે રાષ્ટ્ર-ચિંતન કરીએ તો શું આપત્તિ છે. યજ્ઞકુંડ અને હોમ-હવનશાળાની જગ્યાએ વિશ્વવિદ્યાલય, પ્રયોગશાળા અને કારખાનાઓ બનાવીયે, ભૂદેવો-બ્રાહ્મણોના સેવક બનવાની જગ્યાએ ભારતમાતાના કાર્યકર્તા કહેવાઈએ. મંદિર અથવા પૂજાગૃહોમાં કલાકો સુધી નાક પકડીને અને માળા જપતા બેસી રહેવાની જગ્યાએ સમાજના અભાવગ્રસ્ત લોકોની પાસે જઈને એમને ભોજન, શિક્ષા, ચિકિત્સા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવીએ. ‘सर्व खल्विदं ब्रह्म’ જો સત્ય હોય તો બધા માર્ગ એક જ પરમાત્માની તરફ લઈ જશે. आकाशात्पतिंत तोयं यथा गच्छति सागरम् | सर्वदेव नमस्कारं केशवं प्रतिगच्छति | જે પ્રકારે આકાશથી પડતું જળ અન્તત: સમુદ્રમાં જ જાય છે. એવી જ રીતે કોઈપણ દેવતાને સમર્પિત પ્રણામ, પરમાત્માને જ પહોચેં છે. ધ્યેય માટે જીવનભર સંઘર્ષ કરવો નિત્ય પ્રાર્થનાની સમાન જ શ્રેષ્ઠ ઉપાસના છે. શ્રમના કારણે નિકળતા પરસેવાના બિંદુ ગંગાજળની સમાન જ પવિત્ર અને પૂજ્ય છે. ઉપવાસ-વ્રતની જગ્યાએ અખંડ સ્વાધ્યાય વ્રત વધારે મૂલ્યવાન છે. પરસ્પર સેવા, સહકાર્ય, બંધુત્વભાવ જ સર્વશ્રેષ્ઠ પૂજા છે. કાર્યમાં તલ્લીનતા, એકાગ્રતા જ સાધન છે અને પરમાત્મત્વ અદ્વૈત જ સાધ્ય છે.
રાષ્ટ્રની વિપત્તિઓના આ પ્રહરમાં કાર્ય કરવા માટે  પ્રસ્તુત આપણા કાર્યકર્તાઓને જોઈએ કે આપણું સેવાનું અસ્ત્ર સદા સિદ્ધ રાખીએ, સેવાકાર્ય, પરિશ્રમ કરતાં સમયે શરીર, મન, બુદ્ધિનું સામજસ્ય થાય, સ્નાયુઓ અને પેશિયો મજબૂત બને છે. આપણી સમગ્ર શક્તિઓને કાર્ય પર કેન્દ્રિત કરીએ. સ્વયં સ્વીકૃત કાર્યનું જ રાત-દિવસ ચિંતન કરીએ નિષ્કલંક ચરિત્ર જ આપણું માર્ગદર્શક હોય અને નિર્દોષ સેવા જ આપણું લક્ષ્ય, આપણું સ્વપ્ન આ પ્રકારે જો આપણે સેવા કરીએ તો ચોક્કસપણે જ એક દિવસ આપણા અન્ત:કરણમાં જ્ઞાન-પ્રભાનો ઉદય થશે અને ભારતમાતાના સત્પુત્રોની માળામાં આ નવયુગ કર્મવીર કાર્યકર્તા, ગૃહસ્થ, સન્યાસીઓ અને સમાજ સેવાના વીર-વ્રતિઓના રૂપમાં અનેક મોતીઓ પરોવતા જશે.
                          - સૌજન્ય : પથ ઔર પાથેય