સ્વાવલંબન
- પ્રા.સ્મિતાબેન ઝાલા
સ્વાવલંબનનો અર્થ છે પોતાની ક્ષમતાનો અને પ્રયત્નો પર આધારિત રહીને કામ કરવું. સ્વાવલંબનના ગુણને કારણે વ્યક્તિને બીજાની સહાયની જરૂર રહેતી નથી. પોતાના સ્વબળે કાર્ય કરી આત્મનિર્ભર બને છે. સ્વાવલંબન માટે તીવ્ર ઈચ્છા શક્તિ અને કઠોર પરિશ્રમ જરૂરી છે. કાર્ય કરવાની ઈચ્છા શક્તિથી જ વ્યક્તિ આત્મનિર્ભર –સ્વાવલંબી બને શકે. તેના પાઠ કોઈ ભણાવી ન શકે. પરંતુ જીવનની પાઠશાળામાંથી ઘર, શાળા-કૉલેજ, મિત્રો, આસપાસનું વાતાવરણ અને સમાજ દ્વારા સ્વાવલંબી બનવાનો પાઠ વ્યક્તિ પોતાની જાતે શીખે છે. જીવનની જરૂરિયાત ધીમે-ધીમે વ્યક્તિને સ્વાવલંબન માટે કેળવે છે.
સ્વાવલંબી તે જ બની શકે જેને પોતાની જાતમાં વિશ્વાસ હોય. સ્વામી વિવેકાનંદ કહે છે. “શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, એ જ છે મહાનતાનું રહસ્ય છે.” એક દિવસ, એક અઠવાડિયુંું, એક મહિનો, એક વર્ષ આ સમયની મર્યાદા વ્યક્તિના વ્યક્તિત્વને આકાર ન આપી શકે. સ્વાવલંબનની કેડી કંડારી ન શકાય. તેના માટે જરૂરી છે સતત પ્રયત્ન. જેને કાર્યની સાધના કે જીવનની આરાધના કહી શકાય. સતત તાપમાં તપીને જ લોખંડ કોઈ ચોક્કસ ઉપયોગી વસ્તુના આકારમાં પરિવર્તિત થાય છે. તાપ તપીને જ બીજ વૃક્ષ બને છે. અનાજનો એક દાણો બીજ બનીને હજારો દાણામાં ફેરવાયને લોકોની ઉદર પૂર્તિ કરે છે. તે જ રીતે વ્યક્તિનું સ્વાવલંબન –આત્મનિર્ભરતા, ઘર-પરિવાર, ગામ, સમાજને ઉર્જાવાન બનાવે છે. વ્યક્તિનું કાર્ય સમાજને ઉદ્યમી બનાવે છે. વ્યક્તિનું પારિવારીક- સામાજિક જીવન, આર્થિક વ્યવહાર, રાજકીય વલણ નૈતિક મૂલ્યો પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બનાવે છે.
કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે દેશની પ્રજા-પ્રત્યેક વ્યક્તિ આત્મ નિર્ભર હોય સ્વાવલંબી હોય, ગાંધીજી કોઈ પણ કામને નાનું ન ગણતા. દરેક કામને પોતાનું સમજીને કરવામાં આવે તો વ્યક્તિ, કુટુંબ, સમાજ કે દેશની પ્રગતિ કોઈ રોકી ન શકે. દેશના દરેક નાગરિકની કાર્યતત્પરતા- સ્વાવલંબન જ દેશની રાજકીય મૂડી છે.
એકલવ્ય સ્વપ્રયત્ને ધનુર્વિદ્યા શીખી પારંગત બન્યા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નિર્ધન વ્યક્તિમાંથી મહાન શિક્ષણ શાસ્ત્રી બન્યા. લાલ બહાદુર શાસ્ત્રી નિર્ધનતાની નદી પાર કરી ભારતના પ્રધાનમંત્રી બન્યાં.
જે સમયમાં સ્નાતક થવુ એક વિરલ વાત હતી ત્યારે યુવક નરેન્દ્રનાથે બી. એ. ની ડિગ્રી મેળવેલી. કાયદાનો અભ્યાસ કરતી વખતે પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ભટકવું પડ્યું હતું. અનેક ગ્રંથોના અધ્યયન પછી ઈશ્વરના અસ્તિત્વ વિશે સંશયશીલ બનેલ નરેન્દ્રનાથને શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરૂ મળતા. આઘ્યાત્મિક સાધનામાં રત થઇને ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરી. જે દેશ-દુનિયાના યુવાનો અને લોકો માટે રોલ મોડેલ છે.
સ્વાવલંબન માનવીને વાસ્તવવાદી અને આશાવાદી બનાવે છે. ભાગ્યને સહારે બેસવાને બદલે પુરુષાર્થથી પોતાની ક્ષમતાઓને વિકસાવે છે. કહેવત છે કે, સુતેલા સિંહના મોઢામાં મૃગલા આવીને પડતા નથી.
उघमेन हि सिध्धन्ति कार्याणि न मनोरथे : |
नहि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति मृगा :||
મનમાં નિશ્ર્ચય કરવાથી કાર્યસિધ્ધિ પ્રાપ્ત થતી નથી. કાર્ય કરીને – પરિશ્રમ કરીને જ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. વિશ્વમાં જેટલી મહાન વિભૂતીઓ વિશે આપણે જાણીએ છીએ. તે બધા સ્વાવલંબી હતા જે બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. તેઓ તેમના કાર્ય, કાર્ય પધ્ધતિ અને વિચારોથી આજે પણ લોકોમાં જીવી રહ્યા છે.
No comments:
Post a Comment