Saturday 7 October 2017

વિવેકાનંદ કેન્દ્ર - 'અધ્યાત્મ પ્રેરિત સેવા સંગઠન'

  
માનનીય એકનાથજી રાનડે
ઈ.સ. 1962માં ચીન સાથેના યુદ્ધમાં પરાજય પછી નિરાશ રાષ્ટ્રને સંજીવની આપવાનું કાર્ય સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દિ વર્ષ 1963માં સ્વયં પ્રગટેલા આયોજનોમાં થયું. આ સમયે સ્વામીજીના લક્ષ્ય નિર્ધારણનું બોધિસ્થળ કન્યાકુમારીમાં ત્રણ સમુદ્રોના સંગમ પર, સાગર વચ્ચે સ્થિત શ્રીપાદ શિલા પર ભવ્ય સ્મારક બનાવવાના અનુષ્ઠાનનો આરંભ થયો.

   પરંતુ કેટલાક સ્થાનીય ખ્રિસ્તી સમુદાયે તેનો વિરોધ કર્યો. ધીમે-ધીમે આ વિરોધ મોટું રૂપ લેતો ગયો. અને સરકારે વચ્ચે પડી આ યોજના બંધ રખાવી દીધી. પરંતુ, વિરોધ જેમ વધતો ગયો તેમ-તેમ સ્મારક નિર્માણની યોજના પણ ભવ્ય બનતી ગઈ.

  તે દિવસોમાં એક કર્મષ્ઠ સમાજસેવી શ્રી એકનાથજી રાનડેએ સ્વામી વિવેકાનંદના ઓજસ્વી આહવાનનું સંકલન કરી ‘હિન્દુ રાષ્ટ્રને ઉદબોધન’ નામે પુસ્તક તૈયાર કર્યું હતું. સમિતિના સભ્યોએ શ્રી એકનાથજીનો સંપર્ક કર્યો. તેમણે સ્વામીજીના વિચારો પર આધારિત એક યોજના બનાવી તથા સમિતિને રાષ્ટ્રવ્યાપી બનાવી. સ્વામીજીના એ વિચારો આ પ્રમાણે હતા.

  “રાષ્ટ્રની આધ્યાત્મિક-લૌકિક કેળવણીનો આરંભ કરવાને માટે એક સંગઠન જોઈએ. સર્વપ્રથમ આપણને એક મંદિરની આવશ્યકતા છે, જેમાં એકમાત્ર ઉપાસ્ય ‘ૐ’ હોય, જે આપણા બધા ધર્મ-સંપ્રદાયોનું પ્રતિક છે. ત્યાં તે જ ધાર્મિક તત્વ સમજાવવામાં આવે જે સમસ્ત સંપ્રદાયોનું અધિષ્ઠાન છે.”

  “મંદિરની સાથે એક સંગઠનમાં એવા શિક્ષકો તૈયાર થાય જે ધર્મ-પ્રચાર અને લૌકિક કેળવણી આપવા માટે સર્વત્ર ભ્રમણ કરતા રહે. જેનાથી આ કાર્ય સમગ્ર દેશમાં વ્યાપે. પરીણામ સ્વરૂપ ઈશ્વરમાં અખુટ વિશ્વાસ ધરાવતા, ગરીબ-દલિતો પ્રત્યે સહાનુભૂતિ તેમજ સાહસથી યુક્ત, લાખો નર-નારીઓ સંપૂર્ણ દેશમાં મુક્તિનો, સેવાનો સામાજીક ઉત્થાન તેમજ સમતાનો સંદેશ ફેલાવે.”

  જ્યારે એકનાથજીને આ કાર્ય સોપાયું ત્યારે તેમની ઉંમર 50 વર્ષની થવા આવી હતી અને પડકારો પહાડ સમા, પરંતુ પ્રખર કર્મયોગી એકનાથજી પ્રચંડ કર્મ-તત્પરતા, કુનેહ અને પ્રેમ વડે બધા જ પડકારોને  ઓળંગી ગયા. વિરોધીઓને પણ પોતાના ધ્યેય માટે સહાયક બનાવી એકનાથજીએ સ્મારકનું કાર્ય પૂર્ણ કર્યું. એકનાથજીએ એ વાતની ખાસ કાળજી લીધી કે સ્મારક વાસ્તવમાં રાષ્ટ્રીય બનવું જોઈએ. જન-સામાન્ય પણ આ કાર્ય માટે પોતાનું યોગદાન આપે એ હેતુથી એક અને બે રૂપિયા વાળી કૂપન દ્વારા ધનરાશિ એકત્ર કરવાની યોજના બનાવી તથા દરેક રાજ્ય સરકારો પાસેથી પણ અનુદાન મેળવ્યું. 1.35 કરોડના ખર્ચે ઈજનેરી તેમજ વાસ્તુકલાની દ્રષ્ટિએ વિસ્મયકારક, અપ્રત્તિમ સૌદર્યયુક્ત તથા ભારતની ઉન્નત સંસ્કૃતિના પ્રતિક ‘શિલા સ્મારક’નું નિર્માણ થયું. સ્મારક ત્રણ ભાગમાં છે, પ્રથમ- દેવી કન્યાકુમારીના પદ્-ચિન્હો પર બનેલ ‘શ્રીપાદ મંડપમ્’, બીજુ ‘મંડપમ્’ જેમાં ‘ઉત્તિષ્ઠત! જાગ્રત!! ના આહવાન મુદ્રામાં સ્વામી વિવેકાનંદની વિશાળ કાસાંની પ્રતિમા સ્થાપિત છે. ત્રીજુ-‘ધ્યાન મંડપમ્’ જ્યા સ્વામીજીના વિચાર અનુરૂપ ‘ૐ’ નું પ્રતિક સ્થાપિત છે.

  તા. 2 સપ્ટેમ્બર 1970ના દિવસે આ ‘શિલા સ્મારક’ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી વી.વી.ગિરિ તથા શ્રીરામકૃષ્ણ મઠના અધ્યક્ષ શ્રીમત સ્વામી વીરેશ્વરાનંદજીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરાયું. ત્યારથી દર વર્ષે લાખો તીર્થયાત્રીઓ ‘શિલાસ્મારક’ ના દર્શને આવે છે.

    જીવંત સ્મારક

શું કોઈ એવો માર્ગ હોઈ શકે કે પોતાની વ્યક્તિગત આકાંક્ષાઓની પૂર્તિની સાથે જ રાષ્ટ્ર તેમજ સમાજ માટે પણ યોગદાન આપી શકાય? પોતાના જીવનમાં સાર્થકતાની અનુભૂતિનું માધ્યમ જ સમાજ પ્રત્યેનું યોગદાન બની જાય? સ્વામી વિવેકાનંદનું સૂત્ર “ Be And Make” સ્વયં પવિત્ર, ચારિત્ર્યવાન, તેજસ્વી બનો તથા બીજાને પણ તેવા બનાવો. આ અનોખા વચનને સાકાર કરવાના હેતુથી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી રૂપે સ્વામીજીના એક જીવંત સ્મારકનો પ્રારંભ થયો.

  વિવેકાનંદ કેન્દ્ર એક વૈચારિક આંદોલન છે. જે વ્યક્તિને પોતાના સંપૂર્ણ વિકાસની સાથે જ સમાજ તેમજ રાષ્ટ્ર સાથે જોડીને યોગદાન આપવાનો અવસર પ્રદાન કરે છે.

  સ્વામી વિવેકાનંદ કહેતા કે આપણાં બધામાં ઈશ્ર્વરને જગાડવાની પ્રચંડ શક્તિ ઊભી થશે. આપણામાં આત્મવિશ્ર્વાસ આવશે. સ્વામીજીએ આપણી ભીતર રહેલા ઈશ્વરને જાગ્રત કરવાનો માર્ગ પણ બતાવ્યો. “માનવ સેવા એ જ માધવ સેવા”, આ ઉદેશ્યને સાકાર કરવાના હેતુથી માનનીય એકનાથજીએ શિલા સ્મારકના બીજા ચરણના રૂપમાં ‘વિવેકાનંદ કેન્દ્ર’ ની સ્થાપના કરી. આ એક અધ્યાત્મ પ્રેરિત સેવા સંગઠનના રૂપમાં પ્રત્યેક ભારતવાસીમાં પ્રેરણા જગાડવાનું વૈચારિક આંદોલન એટલે સ્વામી વિવેકાનંદના વિચારોનું જીવંત સ્મારક......

કાર્યના બે લક્ષ્ય :

  આપણે ભારતવાસીઓ સ્વાભાવ થી જ ધાર્મિક છીએ. પરંતુ આપણી ધાર્મિકતા માત્ર બહારની ઉપાસના, પૂજામાં જ રહી ગઈ છે. માનનીય એકનાથજીએ કેન્દ્રની સામે બે લક્ષ્ય મુક્યા.....

(1)    મનુષ્ય નિર્માણ :
પ્રત્યેક વ્યક્તિની અંદર સુતેલી આત્મશક્તિને જાગૃત કરીને ભારમાતાના સપૂતો, ભાઈ-બહેનોને પોતાના જીવનને સાર્થક બનાવવા માટે પ્રેરિત કરવા. જેમ દેવી કન્યાકુમારી તેમજ સ્વામીજીએ પોતાના જીવન ધ્યેયને ઓળખ્યું તે જ રીતે આપણે સૌ પણ ઓળખીએ અને તેમની જેમ કાર્ય કરીએ.

(2)    રાષ્ટ્ર પુન:ઉત્થાન :
   આ રીતે જાગૃત શક્તિને રાષ્ટ્રના પુન:ઉત્થાનના કાર્યમાં લગાડવી, ભારતમાતા ફરી વિશ્વગુરૂ બને એ માટે સમૃદ્ધ, સમર્થ અને સશક્ત ભારતના નિર્માણ હેતુ કાર્ય કરવુ.

સંગઠનના ચાર સૂત્ર :

  માનનીય એકનાથજી માનતા હતા કે આપણે ભારતીયો મુળત: સંગઠિત જીવન જીવવાવાળા છીએ. પરંતુ, છેલ્લા હજારેક વર્ષના આક્રમણ અને સંઘર્ષ તથા વિદેશી શિક્ષણ પદ્ધતિના કારણે આવેલી માનસિક ગુલામીના પરિણામે સંગઠનની ભાવના ભુલી બાહ્ય ભેદભાવમાં ગુંચવાઈ ગયા છીએ. જાતી, પ્રાંત, ભાષાના ભાગલાઓના લીધે અખંડ ભારતની ઉપાસના કરવાનું ભુલી ગયા છીએ. તેમણે સંગઠન માટે ચાર સુત્રો આપ્યા છે.

(1)    લોક-સંપર્ક :
    સકારાત્મક વિચારોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા.

(2)    લોક-સંગ્રહ :
      પછી તેનાથી પ્રેરિત કેટલાક લોકોને પસંદ કરી, તેમને ભેગા કરી સંગઠનના કાર્યમાં જોડવા.

(3)    લોક-સંસ્કાર :
    આવી રીતે જોડાયેલા કાર્યકર્તાઓને સંસ્કાર-પ્રશિક્ષણ આપવું, તેમના આચરણ, વ્યવહાર અને ચરિત્ર દ્રારા લોક સ્વીકૃતિ મળે એ હેતુ તૈયાર કરવા. જવાબદારીની સમજ સાથે લોક-સંપર્ક અને લોક-સંગ્રહના કાર્ય માટે તેમને તૈયાર કરવા.

(4)    લોક-વ્યવસ્થા :
    પ્રશિક્ષિત કાર્યકર્તાઓને જવાબદારી આપી આ કાર્યને દેશના ખૂણેખૂણે ફેલાવવાની વ્યવસ્થા ગોઠવવી. કાર્યકર્તા પોતાના જેવા બીજા કાર્યકર્તાઓને જોડતા જાય.

કાર્યનો આધાર : કાર્યકર્તા

  આ ચાર સૂત્રો પર આધારિત કાર્યપ્રણાલીના માધ્યમથી કેન્દ્રનું કાર્ય 29 રાજ્યોમાં 800થી પણ વધુ શાખા તથા પ્રકલ્પોના માધ્યમથી ચાલી રહ્યું છે. અસંખ્ય કાર્યકર્તાઓ પોતાની સામાજીક-પારિવારિક જવાબદારીઓ સંભાળતા રહીને પણ કેન્દ્ર-કાર્ય માટે સમય ફાળવે છે. આવા સ્થાનિક કાર્યકર્તાઓ જ કાર્યના મુખ્ય પ્રસારક છે. કેટલાકના મનમાં એવી પ્રેરણા જાગે છે કે પોતાના જીવનના કેટલાક વર્ષ સંપૂર્ણપણે આ પૂજામાં અર્પણ કરે, આવા 2 થી 5 વર્ષ માટે કેન્દ્ર કાર્ય કરવા માટે જોડાતા કાર્યકર્તાને સેવાવ્રતી કહે છે.

તો કેટલાકને એવું લાગે છે કે મારો જન્મ આ કાર્ય માટે જ થયો છે, અને તે પોતાનું સમગ્ર જીવન આ કાર્ય માટે સમર્પિત કરવાનું વ્રત લે છે. બે વર્ષના સઘન પ્રશિક્ષણ દરમિયાન તેમને શિક્ષાર્થી કહેવામાં આવે છે. 30 વર્ષથી નાની ઉંમરના સ્નાતક, અવિવાહિત સ્ત્રી-પુરૂષો શિક્ષાર્થી તરીકે જોડાય છે. 2 વર્ષના વ્યાવહારિક અને વૈચારિક પ્રશિક્ષણ બાદ તેઓ સંપુર્ણ શુચિતાનું પાલન કરી, અપરિગ્રહ સાથે આવશ્યકતાઓ ઓછી કરતા અને આજ્ઞાપાલનની પ્રતિજ્ઞા લઈને જીવનવ્રતી બને છે. આ જીવનવ્રતીઓ સમાજમાં પ્રેરણા જગાડવાનું કામ કરે છે. આ ઉપરાંત સેવા નિવૃત્તી પછી પણ ઊર્જાવાન, અનુભવી કાર્યકર્તાઓ પણ પૂર્ણ સમય માટે કેન્દ્ર સાથે જોડાઈ શકે છે, વાનપ્રસ્થી તરીકે.

    પોતાના જીવનને રાષ્ટ્રકાર્ય માટે સમર્પિત કરતા સેવાવ્રતીઓ, જીવનવ્રતીઓ કે વાનપ્રસ્થી કાર્યકર્તાઓના સાદગીપૂર્ણ જીવનનિર્વાહની વ્યવસ્થા વિવેકાનંદ કેન્દ્ર કરે છે. આ માટે ‘પરિપોષક યોજના’ અંતર્ગત લાખો કાર્યકર્તાઓ તથા શુભચિંતકો અનુદાન આપે છે. સમાજના આ અનુદાનની મદદથી જ આ પૂર્ણકાલિન કાર્યકર્તાઓના જીવન-નિર્વાહના ખર્ચની વ્યવસ્થા થઈ રહે છે.

કાર્ય પદ્ધતિ :

   પ્રત્યેક વ્યક્તિને સજાગ કરવી, તેને સ્વયં પવિત્ર, ચારિત્ર્ય સંપન્ન બનવા માટે પ્રેરણા આપવી. આ હેતુ માટે કેન્દ્રએ એક પરિપૂર્ણ કાર્યપદ્ધતિ વિકસાવી છે. સહજ, સુલભ એવી બધી જ વયના ભાઈ-બહેનોને સામેલ કરનારી કાર્યપદ્ધતિના મુખ્ય અંગો આ પ્રમાણે છે.

(1)    યોગ વર્ગ :

       યોગને વ્યક્તિના સર્વાંગીય વિકાસ માટે એક જીવન પદ્ધતિ સ્વરૂપે હંમેશા સ્વીકારવામાં આવેલ છે. આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, ગીત, ભજન તેમજ બૌધ્ધિક પરિચર્ચા દ્વારા વ્યક્તિને સ્વયં, સમાજ તેમજ રાષ્ટ્ર સાથે સાંકળવાનું કાર્ય યોગ વર્ગ દ્રારા થાય છે. આ દૈનિક કાર્યક્રમ છે.

(2)    સ્વાધ્યાય વર્ગ :

‘મનુષ્ય નિર્માણથી રાષ્ટ્ર પુન:ઉત્થાન’ એ બન્ને માટે વિચારોમાં સકારાત્મક પરિવર્તન જરૂરી છે. સ્વાધ્યાય વર્ગમાં સાપ્તાહિક સામુહિક રીતે કોઈપણ સારા પુસ્તકનું અધ્યયન કરવામાં આવે છે. સમસામયિક પ્રશ્નો પર પરિચર્ચા પણ કરવામાં આવે છે. અનેક સ્થળો પર જેમકે વિદ્યાલયો, મહાવિદ્યાલયો, મંદિર, સામુહિક ભવનમાં સ્વાધ્યાય વર્ગનું સંચાલન કરવામાં આવે છે.

(3)    સંસ્કાર વર્ગ :

6 થી 15 વર્ષ દરમિયાન મનુષ્યના આદર્શ જીવનનું સંસ્કાર સિંચન થાય તો સમાજનું કલ્યાણ થઈ શકે. શું આપણા બાળકો પણ ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, અભિમન્યુની માફક સાહસિક, વીર, શ્રદ્ધાસંપન્ન તેમજ દેશભક્ત ન બની શકે? હા, જો આપણા બાળકો નિયમિત સાપ્તાહિક સંસ્કાર વર્ગમાં જાય તો એ શક્ય છે. ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવા માટે આનાથી વધારે સારો અવસર બીજો ક્યો હોય શકે! અને તે પણ ખેલ-ખેલમાં. સંસ્કાર વર્ગમાં જનારા બાળકોના શરીર મજબૂત હોય છે. રમતો તેમજ સૂર્ય નમસ્કારથી મન પણ તેજસ્વી બને છે. એકાગ્રતા તથા સ્મરણશક્તિ વધે છે. અને ભણતર સરળ બને છે. ગીતો, ભજનો, સ્તોત્ર તેમજ ગીતા પઠનથી ભાવોનું સિંચન થાય છે. વાર્તા અને નાના સંકલ્પોથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે.

(4)    કેન્દ્ર વર્ગ :

સાપ્તાહિક ચાલતા કેન્દ્ર વર્ગમાં પુરો પરિવાર એક સાથે જોડાઈ શકે છે. પ્રાર્થના, ગીત, રમત, પરિચર્ચા જેવા બિંદુઓ દરેક આયુવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે. સંસ્કાર-વર્ગ, યોગ-વર્ગ તેમજ સ્વાધ્યાય-વર્ગ અલગ-અલગ આયુવર્ગના લોકો મોટા ભાગે જોડાતા હોય છે. કેન્દ્ર-વર્ગમાં આ બધા જ લોકો એક સાથે બેસે, સહચિંતન કરે અને પારિવારિક ભાવના કેળવાય છે.
ઉત્સવો :
વર્ષ દરમિયાન કેન્દ્રની વિવિઘ શાખાઓમાં કેટલા ઉત્સવોની ઉજવણીનું આયોજન પણ કરવામાં આવે છે. જેમકે,
  •     વિવેકાનંદ જયંતિ- રાષ્ટ્રીય યુવા દિવસ- 12 જાન્યુઆરી,    
  •     એકનાથજી રાનડે બાલ મહોત્સવ,   
  •     ગુરૂ પૂર્ણિમા,
  •     પ્રકાશન સપ્તાહ(15 થી 22 ઓગસ્ટ),    
  •     વિશ્વબંધુત્વદિવસ(11 સપ્ટેબર),    
  •     સાધના દિવસ(19 નવેમ્બર) માન.એકનાથજી જયંતિ,    
  •     ગીતા જયંતિ,    
  •     સમર્થ ભારતપર્વ (25 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી).
    આ ઉપરાંત પ્રતિવર્ષ વિદ્યાલયો, મહાવિદ્યાલયોમાં “ઊઠો! જાગો!” યુવા પ્રતિયોગિતાઓ તથા “સાંસ્કૃતિક સ્વાધ્યાય કસોટી”નું પણ આયોજન થાય છે.

શિબિરો અને સત્રો

યોગ પ્રશિક્ષણ શિબિર :   

         - કેન્દ્રના મુખ્યાલય કન્યાકુમારી ખાતે મે અને ડિસેમ્બર માસમાં થાય છે.   
         - નાગદંડી આશ્રમ, જમ્મુ કશ્મીર ખાતે ઓગસ્ટમાં યોજાય છે.   
            (18 થી 55 વર્ષની ઉંમરના દરેક સ્ત્રી-પુરૂષો માટે)

અધ્યાત્મક સાધના શિબિર :   

        - 45 થી 70 વર્ષની ઉંમરના સ્ત્રી-પુરૂષો માટે કન્યાકુમારી ખાતે ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં યોજાય છે.

વ્યક્તિત્વ વિકાસ શિબિર :   

        - 12 થી 18 વર્ષના કુમાર-કુમારીઓ માટે

યુવા પ્રેરણા શિબિર :   

        - 18 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે

સંસ્કાર વર્ગ શિબિર :    

        - 8 થી 12 વર્ષના બાળકો માટે

યોગ સત્ર :   

        - 7 થી 10 કે 15 દિવસ માટે દરરોજ દોઢ કલાક

પ્રાણાયામ સત્ર :    

        - 5 થી 7 દિવસ માટે દરરોજ 1 થી 1.5 કલાક


કાર્ય શાળાઓ :

(1) સમર્થ શિક્ષક- સમર્થ ભારત :

        શિક્ષકોના ઉન્મુખીકરણ માટેની કાર્ય શાખા. જેમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, રમતો, બૌદ્ધિક, ગીત વગેરે દ્રારા શિક્ષકોમાં ગૌરવ અને રાષ્ટ્રનિર્માણનો ભાવ જાગરણ થાય છે. બે દિવસ નિવાસીય કાર્યશાળા હોય છે.

(2) પરિક્ષા આપીએ હસતાં-હસતાં :

    ધોરણ  10, 12 કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટેની આ કાર્યશાળામાં તણાવરહિત બની, આનંદ પૂર્વક પરીક્ષા કેવી રીતે આપવી તેની સમજ કેળવાય છે. ઉપરાંત, નિંદ્રા વ્યવસ્થાપન, સમય વ્યવસ્થાપન, યાદશક્તિ વધારવાની વિવિધ પદ્ધતિઓ, વિષય નોંધ તૈયાર કરવાથી વૈજ્ઞાનિક પદ્ધતિ, એકાગ્રતા તેમજ સ્મરણ શક્તિ વધારવાની વિવિધ તકનિક સમજાવાય છે.

(3)    તેજસ :

ખાસ કરીને ધો. 8માં ભણતા બાળકો માટે આ કાર્યશાળા તૈયાર કરવામાં આવી છે. માનસિક ફેરફારો વાળી આ ઉંમરના બાળકોને જીવનના ધ્યેય તરફ કેવી રીતે વાળવા તે સંદર્ભમાં આ કાર્યશાળામાં માર્ગદર્શન મળે છે. સૂર્યની જેમ જીવનમાં તેજસ્વીતા લાવી સફળ અને સાર્થક જીવન તરફ કેમ આગળ વઘવું તે અંગે બાળકોને માર્ગદર્શન અહિંથી મળી રહે છે.

(4)    સ્વાનંદ :-

  વર્તમાન સમયની ભાગદોડ ભરી અને ગળાકાપ સ્પર્ધાના વાતાવરણથી ભરપુર કોર્પોરેટ જગતનાં લોકો માનસિક તણાવનો ભોગ બને છે. આવા લોકોએ પોતાના કામનો આનંદ કેમ લેવો, તણાવને દૂર રાખી કાર્ય અને પારિવારીક જીવનમાં આનંદનો અનુભવ મેળવવા માટે ‘સ્વાનંદ’ કાર્ય શાળા તૈયાર કરવામાં આવી છે.

(5)    સહયોગ :

દંપતિઓ માટેની આ કાર્યશાળા સહજીવનમાં એકબીજાને સહયોગ આપી. પોતાની પારિવારિક અને સામાજીક જવાબદારી યોગ્ય રીતે નિભાવી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં પરિવારની શું ભૂમિકા હોઈ શકે તે વિષય પર છે.


 Subscribe Online     or      Get Online eMagazine