Wednesday 9 May 2018


જીવન ઘડતર

- પ્રા.સ્મિતાબેન ઝાલા


ઈતિહાસના પાનામાં શૂન્યમાંથી સર્જન કરનાર અનેક સફળ વ્યક્તિના જીવનનું ચરિત્ર વાંચવા મળે. સામાન્ય કામ કરનાર વ્યક્તિ સફળ ઉદ્યોગપતિ - વેપારી તરીકે પ્રસિદ્ધિ  પામે. આજે આપણે આપણા પરિવારમાં પાંગરી રહેલ સ્વાવલંબી યુવાનની વાત કરવી છે.
કુટુંબની આર્થિક મુશ્કેલી જોઈ અને અનુભવી રહેલ પાંચમાં ધોરણમાં ભણતા 10 વર્ષના બાળકે માતા-પિતાને મદદરૂપ બનવા કામ કરવાનું, કમાવવાનું શરૂ કર્યું. રાજકોટમાં ચાંદી કામમાં પગના વીંછીયા અને પાયલ પર મીના કામ કરવાનું શરૂ કર્યુ. કામના પ્રારંભે અડધા દિવસના 600 અને આખા દિવસના 1200 માસિક પગારે કામની શરૂઆત કરી. માતા- પિતા પણ અન્ય મજૂરી કામ કરે પણ આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો ન હતો.
આ સમયગાળા દરમ્યાન ભગવતી પરા (રાજકોટ) વિસ્તારના કેટલાક મિત્રો રામકૃષ્ણ આશ્રમમાં ચાલતી વિવિધ પ્રવૃતિમાં ભાગ લેવા જતા તેની સાથે ચિરાગ પણ જોડાયો. રામકૃષ્ણ આશ્રમમાં યુવા વ્યક્તિત્વના વિકાસ માટે વર્ષ દરમ્યાન ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. તેમાંથી એક છે વિવેકાનંદ સર્વિસ કોર્પ જેમાં યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી.
ચિરાગને દર રવિવારે આશ્રમમાં નવી વાત, નવો વિચાર, નવું વાતાવરણ, નવા મિત્રોને મળવાનો મોકો મળ્યો. નવા બધા મિત્રો કંઈને કંઈ અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ તે 10 વર્ષની ઉંમરથી અભ્યાસ છોડી કામ કરતો હતો, આ બાળકે નાની ઉંમરમાં કંઈ કેટલીય મુશ્કેલીઓ અનુભવી અને ભોગવી હતી. ત્યારે નવો ઉત્સાહ, ઉમંગ અને દિશા- માર્ગદર્શન મળી રહે તેવા રામકૃષ્ણ આશ્રમના સ્વામીજી, કાર્યકર્તાઓનો સકારાત્મક સહયોગ અને તાલીમ મળવા લાગી. છોડને ઉછેરવા માટે પાણી, ખાતર, સારૂં વાતાવરણ મળે તો ઝડપથી વૃધ્ધિ થાય. તેમ ચિરાગને યોગ્ય માર્ગદર્શન મળતા પાંચ ધોરણથી અધૂરુ મુકેલ ભણતર ફરીથી શરૂ થયું. આશ્રમમાં ધોરણ 10 માટે નિ:શુલ્ક ક્લાસમાં અભ્યાસ શરૂ કર્યો. આખો દિવસ કામ કરીને સાંજે આશ્રમમાં અભ્યાસ વર્ગમાં આવે. આમ, ધોરણ 10 પાસ થવાની તેની લગની રંગ લાવી ત્રણ પ્રયત્ન ના અંતે સફળતા મળી.
વિવેકાનંદ સર્વિસ કોર્પ માંથી આર્મીમાં કે પોલીસમાં જોડાવાનો વિચાર આવ્યો તે માટેની મહેનત શરૂ કરી. પરીક્ષા પણ આપી પરંતુ ઓછા અભ્યાસને કારણે એ સ્વપ્ન અધૂરું રહ્યું. આ સમય દરમિયાન વિવેકાનંદ કેન્દ્રની યોગ શિબિરમાં પણ આશ્રમ દ્વારા જ જોડાયા. આજે વિવેકાનંદ કેન્દ્ર-શાખા રાજકોટ સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલા છે.
ધોરણ 10ની પરીક્ષાની તૈયારી માટે 1 મહિનો ચાંદી કામ છોડીને વ્યવસાયિક કાર્યમાં જોડાયા. પરીક્ષા પુરી થયા પછી આર્થિક ઉપાર્જન માટે રઝળપાટ શરૂ થયો. ઓછી આવકને વધારવા માટે શું કરવું તે વિશે પોતે જ મનોમંથન કર્યું. કામ બદલાવ્યું પરંતુ અંતે એમ વિચાર્યું કે જે કામ 10 વર્ષ સુધી કર્યું છે. તાલીમ મેળવી છે તે ચાંદી કામ ફરી કરવાનું નક્કી કર્યું, એક કુટુંબની મદદથી ચાંદી કામમાં ફરી પદાર્પણ કર્યું હવે પોતે જ કામ લેવાનું શરૂ કર્યું અને ઘરમાંથી બે ભાઈ અને માતા પણ તે કામમાં મદદ રૂપ બન્યા. આજે ચાંદીકામ ઘરે લાવે છે. ચિરાગના સફાઈદાર કામને કારણે તેને કામ પણ મળે છે. તેથી આવકમાં પણ વધારો થયો છે. તેમના માતાએ આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. તેઓ ચિરાગને કહેતા કે કોઈને કંઈ કામ તો કરવું જ પડશે, સતત મહેનત અને પ્રયત્નથી જ આગળ વધી શકાય.
ચિરાગનું કહેવાનું છે કે, રામકૃષ્ણ આશ્રમમાંથી મળેલ તાલીમ દ્વારા જ મજૂરીથી કંઈક અલગ એને આગળ વધવાનું સાહસ આવ્યું. જીવનની નવી દિશા નવા સોપાન માટે રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદ કેન્દ્રનો અનન્ય સહયોગ સાંપડ્યો છે. સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો તેમજ એકનાથજી રાનડેનો શિલા સ્મારક બનાવવાનો સંકલ્પ, તેઓની કાર્ય પદ્ધતિ તેમજ શિલા સ્મારકનું નિર્માણ જીવનની પ્રેરણા માટેના મહત્વના પાઠ બની રહ્યાં છે. ક્યારેક નિરાશા આવી તો પણ તેની અસર કામ પર પડવા દીધી નથી. સ્વામી વિવેકાનંદ પ્રેરણાનું મહત્વનું સ્ત્રોત બન્યાં છે. સતત સંઘર્ષ અને મજબુત મનોબળ માટેની ચેતનાનો સંચાર આશ્રમ અને કેન્દ્રના સંર્પકથી જ થયો છે.
સ્વામી વિવેકાનંદ જીવનના પાઠ આમ, ચિરાગ મોહનભાઈ- ઈન્દુબેન રોજાસરાની સાહસિકતા, શ્રમ અને અભ્યાસની ઈચ્છા પાછળનું મહત્વનું પ્રેરણા સ્ત્રોત- મહત્વનું તત્ત્વ સ્વામીજી રહ્યા છે.
પોતાનું જીવન અને સકારાત્મક ભાવનાની સંવેદના આ સમયનાં અદકેરું મહત્વ ધરાવે છે. કુટુંબની આર્થિક સ્થિતિના પરિવર્તન માટેનો શ્રમ અને સ્વાવલંબન આજના યુવાનો માટે મહત્વનું દ્રષ્ટાંત બની રહે તેમ છે.


No comments:

Post a Comment