Wednesday 9 May 2018

વ્યવસ્થાપન
પ્રકરણ – ૪અગાઉ જણાવ્યા પ્રમાણે વિવેકાનંદ શિલા સ્મારકની રચના બાદની પ્રવૃત્તિ વિશે એકનાથજી સતત વિચારતા  હતા.
કેન્દ્ર સરકારના ગૃહ મન્ત્રાલયમાં પ્રધાન શ્રી વી.સી.શુક્લને સંબોધીને  ૩૦ એપ્રિલ, ૧૯૬૮ના રોજ લખાયેલ પત્રમાં એકનાથજીએ ‘સ્વામી વિવેકાનંદે કલ્પેલી અને દર્શાવેલી પ્રવૃત્તિઓ માટે સક્ષમ એકમ વિશે ઉલ્લેખ કર્યો છે. શ્રી વી. સી. શુકલ શિલા-સ્મારકનાં ઉત્સાહી ટેકેદાર હતા અને તેથી જ એકનાથજી તેમને રજે રજની માહિતી આપતા હતા. તે પત્ર નીચે પ્રમાણે છેઃ
"કમિટી દ્વારા ચાલતા શિલા-સ્મારક પ્રકલ્પનાં બન્ને કાર્યો, કન્યાકુમારી પર સ્મારકના બાંધકામ અને વિવિધ રાજ્યોમાં ઉઘરાવેલ ભંડોળ બાબતમાં થયેલ પ્રગતિ આપની જાણ માટે લખું છું.
આ સાથે બીડેલ ‘સંક્ષિપ્ત અહેવાલ’ આપને પ્રગતિની ઉપયોગી વિગતો પૂરી પાડશે.
આ સાથે વાહનમાં મોકલેલ કંડારેલ પથ્થરો અને શિલા માટે બાંધકામની બીજી સામગ્રી તેમજ સ્મારકના સ્થાને ચાલતા બાંધકામના કેટલાંક પ્રાસંગિક ફોટોગ્રાફ્સ પણ મોકલું છું. દરેક ફોટાની પાછળ તેનું વર્ણન આપેલું છે.
જ્યાંજ્યાં ફંડ એકઠું કરવાની ઝુંબેશ પ્રગતિ કરી રહી છે તેવા રાજ્યોમાંથી પ્રોત્સાહક અહેવાલો સાંપડી રહ્યા છે. આનું અનુકરણ કરીને બાકીના બીજાં રાજ્યોમાં ચાલતી ઝુંબેશ વિશે પણ ઉત્સાહજનક પ્રતિભાવ સાંપડે તેવી અપેક્ષા આપણે રાખીએ છીએ. આપણને એટલી શ્રદ્ધા છે કે આ સ્મારકના બાંધકામ માટેના આપણા ફંડ એકઠું કરવાના  રૂપિયા ૫૦ લાખ અને રૂપિયા ૧૫ લાખના મોટર લોંચના કાયમી નિભાવ ફંડના  લક્ષ્યાંક એમ બન્ને મળીને આપણે નક્કી કરેલા લક્ષ્યાંક રૂપિયા ૬૫ લાખને પાર કરી જઇશુ. આથી હવે શિલા સ્મારક ઉપરાંત સ્વામી વિવેકાનંદે કલ્પેલી અને સૂચવેલી  પ્રવૃત્તિઓને અમલમાં મૂકવા માટે સક્ષમ કેન્દ્ર ચાલું કરવા માટે સમય પાકી ગયો છે.
આથી કમિટીએ આ બાબતમાં વિચારવાનું શરુ કરી દીધું છે. થોડા સમયમાં આ પ્રકલ્પનો કાચો મુસદો તેના નાણાકીય ખર્ચનાં અંદાજ સાથે તૈયાર થશે, ત્યારબાદ તેને દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમના અભિપ્રાય અને માર્ગદર્શન અર્થે મોકલવામાં આવશે. હું આપને પણ તેની એક નકલ મોકલાવીશ.”
એક સારા વ્યવસ્થાપક તરીકે એકનાથજી દાતાઓને બાંધકામની પ્રગતિ વિશે માહિતગાર કરતા રહેતા હતા. આસામના મુખ્ય પ્રધાનને ૩૦ એપ્રિલ, ૧૯૬૮નાં રોજ શિલોંગ લખેલ પત્ર ઉદાહરણરૂપે આપેલ છે.
પત્ર નીચે મુજબ છેઃ
“વિવેકાનંદ શિલા સ્મારક માટે અગાઉના રૂપિયા ૭૫,૦૦૦/- ઉપરાંત હાલના રૂપિયા ૨૫,૦૦૦/- ના દાનને માટે અમો આસામની સરકારનાં ઋણી છીએ.
આસામ સરકાર તરફથી મળેલી કુલ રૂપિયા એક લાખની ઉદાર સખાવતથી અમે અત્યંત પ્રોત્સાહિત થયા છીએ. અમે હાથમાં લીધેલ મહાન કાર્યમાં અમને ઘણી પ્રેરણા મળી છે. મદ્રાસની અમારી મુખ્ય કચેરીએ આ સખાવતની સત્તાવાર પહોંચ પાઠવેલ છે.
આ સાથે કન્યાકુમારી ખાતે થયેલ બાંધકામ અને જુદાંજુદાં રાજ્યોમાંથી એકત્રિત થયેલ ભંડોળમાં થયેલ પ્રગતિનો સંક્ષિપ્ત અહેવાલ મોકલાવી રહ્યો છું.
સાથે સાથે શિલા-સ્મારકના સ્થળે મોકલવામાં આવી રહેલ કંડારેલ પથ્થરો, બાંધકામને લગતી અન્ય વસ્તુઓના ફોટોગ્રાફ્સ પણ મોકલાવું છું.”
અહીં છેલ્લાં ફકરામાં આપણને નાની નાની બાબતોમાં પણ એકનાથજીની ચીવટની પ્રતિતી થાય છે.
શ્રી રામભાઉ મ્હાલગી પ્રબોધીનીએ વ્યવસ્થાપન વિજ્ઞાન પર ‘સંગઠન શાસ્ત્ર’ નામનું પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં વિવિધ નિષ્ણાતો દ્વારા વ્યવસ્થાપનની અલગ અલગ પદ્ધતિઓ વર્ણવામાં આવેલ છે.
શ્રી શિવરાજ તેલંગે પરમપૂજ્ય શ્રી ગોલવલકર ગુરુજીની વ્યવસ્થાપન પધ્ધતિ પર લખ્યું છે. શ્રી તેલંગે કહ્યું છે કે ‘સંસ્થા માટે વ્યવસ્થાપન’ એ ગુરુજીની વિચારધારા હતી. એકનાથજીની વ્યવસ્થાપન પધ્ધતિ પર આ વિચારધારાની વ્યાપક અસર પડેલી હોય તે સ્વાભાવિક છે. એકનાથજીએ એ જ વિચારધારાને અપનાવેલ છે.
 મેનેજમેન્ટ પર પશ્ચિમના દેશોમાં અલગ અલગ પદ્ધતિઓ અનુસરવામાં આવે છે. પીટર ડ્રકરે ‘મેનેજમેન્ટ ચેલેન્જીસ ઓફ ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી’ નામના પુસ્તકમાં ટૂંકો ઉલ્લેખ કર્યો છે. તેણે ફ્રાન્સના હેન્રી ફેયોલ, ત્યારબાદ અમેરિકાના જ્હોન જે રોકફેલર સિનીયર, જે.પી. મોર્ગન અને અંતમાં એન્ડ્ર્યુ કાર્નેગીનો દાખલો આપ્યો છે. તેઓ સંસ્થા અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ હતાં. પણ આ મોટે ભાગે ઉત્પાદન એકમો હતા.
વિવિધ એકમો માટે વિવિધ પ્રકારની સંચાલન પધ્ધતિ, અને અગત્યતા રહેલી હોય છે. ઉત્પાદન સંસ્થાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓની જરૂરિયાત વિવિધ પ્રકારની હોય છે.
સ્વૈચ્છીક સંસ્થાઓ માટે સંચાલન પધ્ધતિ અત્યંત આવશ્યક છે. મિ. સ્ટીફન પી. ઓસ્બોર્ને ‘ સંસ્થાકીય શ્રેષ્ઠ અભિગમ’  વિશે જણાવ્યું છે. તેમાં સ્વૈચ્છીક સંસ્થાની કામગીરીની સફળતાનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.
એકનાથજીએ મેનેજીંગ કમિટિની મીટિંગમાં કહ્યું હતું – “કન્યાકુમારીના કિનારા પરથી હવે શરૂ કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે આપણે હવે વિચારવું જોઇએ.” બસ, ત્યારથી જ બીજા તબક્કાનું વર્ષ ૧૯૬૭થી વ્યવસ્થાપન શરૂ થયેલ હતું. ત્યારબાદ ૧૯૬૮ની મીટિંગમાં કાર્યકરોની બિન – સંન્યાસી વર્ગીકરણની ચર્ચા થઇ.એકનાથજીએ તેમના પુસ્તક ‘સેવા એ જ સાધના’ મા ‘બિન-સન્યાસી’ વર્ગ વિશે વિગત આપી છે. આ આખી વિચારધારા અહીં રજૂ કરવામાં આવી છે. તેના મુખ્ય મુદ્દાઓમાં (અ) સ્વામી વિવેકાનંદના સૂચન પ્રમાણે મનુષ્યમાં રહેલી દિવ્યતાને કર્મ, ભક્તિ, માનસિક સંયમ અથવા તત્વજ્ઞાન વડે બહાર લાવી શકાય. (બ) સંન્યાસીના ભગવાં વસ્ત્ર તે વ્યક્તિ અને સમાજ વચ્ચે અંતરાય ઊભો કરે છે. તેથી જ બિન-સંન્યાસી વર્ગ તૈયાર થવો જોઇએ.(ક) સંસ્થામાં જીવનવ્રતીને પોતાના નિભાવની કોઇ ચિંતા કરવાની રહેતી નથી. તે સંસ્થાની સંપૂર્ણ જવાબદારી છે.
આ પ્રકારની સંસ્થા રચના માટે ગહન સંસ્થાકીય પ્રાવિણ્ય આવશ્યક છે. આ કુશળતા એકનાથજીમાં હતી. તેઓ કેવી રીતે આગળ વધ્યા તે જોઇએ.
વિવેકાનંદ કેન્દ્રની શરૂઆત અને પ્રગતિ પરિશિષ્ટ -ઈમાં આપેલ છે. મુખ્ય મુદ્દાઓ અહીં દર્શાવેલ છેઃ
(અ) વિવેકાનંદ શિલા-સ્મારકની અનાવરણ વિધિ રાષ્ટ્રપતિ દ્વારા ૨ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ થઇ. તેના એક વર્ષનાં ગાળામાં એટલે કે ૨૫ મે, ૧૯૭૧ના રોજ સેવા-સંસ્થાનું નામ ‘વિવેકાનંદ કેન્દ્ર’ રાખવામાં આવ્યું. કેન્દ્રની સ્થાપના ૭ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ થઇ. ૩ સપ્ટેમ્બર, ૧૯૭૨ના રોજ તેના જનરલ સેક્રેટરી તરીકે એકનાથજીની વરણી થઇ.
(બ) ૨ ફેબ્રુઆરી ૧૯૭૪નાં રોજ જીવનવ્રતીઓના પહેલાં જૂથની તાલીમ શરૂ થઇ.
(ક) જાન્યુઆરી ૧૯૭૭થી અરુણાચલ પ્રદેશમાં કુલ સાત શાળાઓ શરૂ થઇ.
૧૯૬૭માં પહેલીવાર મેનેજીંગ કમિટીમાં વિવેકાનંદ કેન્દ્રનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારથી ૧૯૮૨માં એકનાથજીના અવસાન સુધી તેઓ વિવેકાનંદ કેન્દ્રના સંસ્થાપન અને સંચાલનના કાર્યમાં સંપૂર્ણ સમર્પિત રહ્યા હતા. ૧૯૭૨ થી ૧૯૮૨ એમ દશ વર્ષ સુધી પરિશિષ્ટ–ઈ માં દર્શાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ખૂબ જોશભેર ચાલતી હતી.
‘સેવા એ જ સાધના’માં જણાવ્યા પ્રમાણે એકનાથજીએ એક વ્યાખ્યાન દરમ્યાન કહ્યું હતું- “સંસ્થા એ એક મૂળભૂત છોડ છે જેનો વિકાસ તેને મળેલ પોષણને અનુરૂપ થાય છે. જેના કેન્દ્રસ્થાને એક ઉચ્ચ વિચારની પ્રક્રિયા ગુંથાયેલી હોય છે. ઉમદા અને કલ્યાણકારી વિચાર હંમેશાં સંસ્થાના કેન્દ્ર સ્થાને હોય છે. દુષ્ટ વિચારોની આસપાસ કોઇ સંસ્થા હોતી નથી. ઉમદા અને કલ્યાણકારી વિચારો લોકોના મન પર અસર કરે છે અને તેને નક્કર સ્વરૂપ આપવાનો ખૂબ પ્રયત્ન કરે છે. સરખા વિચારવાળાઓ એકઠા થાય છે અને સાથે મળીને ધ્યેયને પરિપૂર્ણ કરે છે. જેમ સહભાગીઓ વધારે તેમ ધ્યેય પ્રાપ્તિની તક ઉમદા રહે છે. જેમ ઉચ્ચ વિચારસરણી અને બુદ્ધિશાળી લોકો વધારે તેમ ધ્યેયની ગુણવત્તા વધારે. સંસ્થાને હંમેશા એવી વ્યક્તિઓની જરૂર રહે છે કે જેઓ તેમના અંગત જીવનના બધા જ રસ છોડીને માત્ર સંસ્થાને જ સમર્પિત રહે.
દરેક સંસ્થામાં સભ્યો હોય છે અને તે જુદાજુદા વર્ગના હોય છે. તેમાં સામાન્ય સભ્યો, સહકાર્યકરો, આજીવન સભ્યો, સક્રિય સભ્યો, પૂર્ણકાલિન સભ્યો, ઓફિસના કર્મચારીઓ અને કેટલાક સંસ્થાની જરૂરિયાત પ્રમાણેના હંગામી સભ્યો. આ બધાં જ વર્ગના સભ્યોને એક છત્ર નીચે એકઠાં કરવા તે પણ એક કળા છે. માત્ર સભ્યોની સંખ્યા દ્વારા જ સંસ્થાની પ્રગતિ થતી નથી. વ્યક્તિગત રીતે પણ તેઓ સક્ષમ હોવાં જોઇએ. જેમકે શારીરિક રીતે સક્ષમ, માનસિક રીતે  બુદ્ધિશાળી અને આર્થિક રીતે પણ સધ્ધર હોવા જોઇએ. સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં કહ્યું છે કે તેઓએ તેમનું તન (શરીર), મન (બુદ્ધિ) અને ધન (મિલ્કત) આ સિદ્ધાંતના પ્રચાર માટે ન્યોચ્છાવર કરવા જોઇએ. તેઓ ઉમદા વિચારોને નક્કર સ્વરૂપ આપવાનાં આ મહાન કાર્ય માટે શારીરિક દ્રષ્ટિએ પરિશ્રમ અને યાતના, માનસિક દ્રષ્ટિએ સહનશીલ અને આર્થિક દ્રષ્ટિએ સંપત્તિનું દાન કરવા માટે તત્પર રહેવા જોઇએ.”
તેઓ આગળ કહે છે, “ લોકોનું આ સંગઠન; ‘લોક્સંગ્રહ’, ‘લોક સંસ્કાર’ અને ‘લોક વ્યવસ્થા’નું કૌશલ્ય છે.” દરેકે દરેક કાર્યકર વ્યવસ્થાપનનો નિષ્ણાત હોવો જોઇએ. આ ત્રણેયની સાથે ‘લોક સંપર્ક’ ભળતાં એ કળા ચતુશ્રી બને છે.
વિવેકાનંદ રોક મેમોરિયલ સમિતિની પ્રવૃત્તિ કે જેની શરૂઆત ૭ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થઇ હતી તેનો બીજો તબક્કો આપણે જોયો છે. બીજા તબક્કાના પ્રારંભની પ્રેસ યાદી અપાઇ છે અને તેમાં જેનું મુખ્ય કેન્દ્ર કન્યાકુમારીમાં રહે તેવા ‘વિવેકાનંદ કેન્દ્ર’ નામના સેવા મિશનનો પાદુર્ભાવ થાય  છે તેની જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રેસ યાદીમાં આગળ કહ્યું છેઃ ‘ સમિતિના પૂર્ણ આયોજનનો પ્રથમ તબક્કો સંપૂર્ણ રીતે પૂરો થયો નથી, તે વાત સાચી. પ્રથમ તબક્કાના બધાં કાર્યો માટે ફરીથી નક્કી કરેલા રૂપિયા એક કરોડ અને પાંત્રીસ લાખના ખર્ચ સામે કમિટી આશરે રૂપિયા એક કરોડ અને સોળ લાખ એકઠાં કરી શકી છે, આને પરિણામે આ કાર્યને પૂરૂં કરવામાં થોડીક બાબતો કરવાની બાકી રહે છે. પરંતુ હજુ પણ કમિટિને કેન્દ્ર સરકાર, જૂજ રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ પાસેથી જરૂરી ભંડોળ મેળવીને બાકીની યોજનાનો  અમલ કરવાનો છે, સાથે સાથે બીજા તબક્કાનું કામ જે ઘણું મહત્વનું અને સૂચક છે તે પણ કમિટીએ શરૂ કરવાનું નક્કી કરેલ છે.
આ સેવા સંસ્થાનો મુખ્ય મુદ્રાલેખ માનવ-સેવા હશે. સ્વાભાવિક રીતે માનવ સેવાની અતૂટ ઝંખના ધરાવતી કોઇ પણ વ્યક્તિ નાત- જાત, ધર્મનાં ભેદભાવ વગર સભ્ય બની શકે છે.
કેન્દ્ર આખા દેશમાં અને વિદેશમાં પણ એકમો ખોલવા માટે પ્રયત્નશીલ રહેશે. તેમની પ્રવૃત્તિઓ બે વાક્યો પૂરતી મર્યાદિત રહેશેઃ (૧) સેવા માટે સભ્યોને આવશ્યક તાલીમ આપી સક્ષમ બનાવવા. (૨) તાલીમ પામેલા સભ્યોને જનસેવા માટે કાર્યરત કરવાં.
કેન્દ્રનો એક મુખ્ય ઉદ્દેશ યુવાનોને ખાસ સઘન તાલીમ આપી બિન-સંન્યાસી પ્રકારના આજીવન સેવાવ્રતીઓ તૈયાર કરવા.
આવી રીતે તૈયાર થયેલા જીવનવ્રતીઓના જૂથોને જરૂરતમંદ વિસ્તારોમાં લોકોના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે મોકલવામાં આવશે. આ યુવાન કાર્યકરો જ્યારે વિવાહિત જીવન સ્વીકારશે ત્યારે તેમને ભરણ-પોષણની ચિંતા કરવાની રહેશે નહિ જેથી તેઓ તેમનો સંપૂર્ણ સમય અને શક્તિ કેન્દ્ર તરફથી સોંપવામા આવેલ કાર્યને અર્પણ કરી શકે.
૧૯૭૩ના મધ્યમાં જીવનવ્રતીઓના પહેલા જૂથની નામાવલિ તૈયાર થશે. તેમને તેમના કાર્યક્ષેત્રમાં મોકલતા પહેલાં છ માસ માટે પ્રારંભિક અને ઘનિષ્ઠ તાલીમ લેવાની રહેશે. ત્યારબાદ અવારનવાર યોગ્ય સમયાંતરે ટૂંકી તાલીમ આપવામાં આવશે.
કન્યાકુમારી શહેરની શરૂઆતમાં વિવેકાનંદપૂરમ્ નામનો ૭૫ એકર જમીનનો પ્લોટ આવેલો છે. તેના પર વિવેકાનંદ કેન્દ્રની નિવાસી તાલીમ શાળા અને મુખ્ય કચેરીનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. અન્ય તાલીમ સાથે યોગાસન અને ધ્યાનની પણ તાલીમ આપવામાં આવશે. કેમ્પસમાં ટૂંક સમયમાં જ એક સંશોધનાત્મક ગ્રંથાલય શરૂ કરવામાં આવશે. સાથે સાથે કાર્યકરોને વ્યાપક તાલીમ માટે સગવડતાઓ ઊભી કરવામાં આવશે.
પ્રાથમિક ગણતરી પ્રમાણે કેન્દ્રને પગભર કરવા માટે શરૂઆતનો અંદાજિત ખર્ચ રૂપિયા ત્રણેક કરોડની આસપાસ થવા સંભવ છે.
સમુદ્ર મધ્યે ખડક પર ભવ્ય વિવેકાનંદ શિલા-સ્મારકની રચના દરમ્યાન અમને જે જાહેર જનતાનો જે ઉત્સાહભર્યો સહકાર સાંપડ્યો છે તેવા જ સહકારની અપેક્ષા અમે હજુ પણ રાખીએ છીએ. અમને ખાતરી છે કે પ્રજાનો સહકારથી ભંડોળ તો એકઠું થશે જ, પણ એથી પણ વધુ મહત્વનું તો વિવેકાનંદ કેન્દ્રનાં આહ્વાહન પર શિક્ષિત અને બુદ્ધિશાળી યુવક અને યુવતીઓ માનવ સેવાનાં આ યજ્ઞમાં જોડાવવા આગળ આવશે.
(ક્રમશઃ)
- અનુવાદ : અનિલભાઈ આચાર્ય


No comments:

Post a Comment