Wednesday, 9 May 2018
સ્વામી વિવેકાનંદ ભારત પુનરાગમન
કલકત્તાનો છોકરો - 2
- મા. નિવેદિતાદીદી
"આ પવિત્ર ભૂમિના પર્વતશિખરો પર, તેની ગુફાઓના ઊંડાણમાં અને તેના પ્રચંડ વેગવાન જળસ્ત્રોતોના તટ પર જ સૌથી અદભુત વિચારોનો જન્મ થયો છે, જેના એક નાનકડા અંશની પણ વિદેશીઓએ આટલી પ્રશંસા કરી છે, અને જેને સર્વશ્રેષ્ઠ વિચારકોએ પણ અતુલનીય ગણાવ્યા છે. આ જ એ ભૂમિ છે, જ્યાં મારું જીવન વ્યતિત કરવાનું સ્વપ્ન હું બાણપણથી જોતો હતો, અને જેમ આપ સૌ જાણો છો, મે વારંવાર અહીં રહેવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેના માટેનો યોગ્ય સમય નહોતો તથા મારે મારું કાર્ય પૂર્ણ કરવાનું હતું. જેથી આ પવિત્ર સ્થાનથી મારે દૂર રહેવું પડ્યું, તેમ છતાં પણ, મને આશા છે કે મારા જીવનના અંતિમ દિવસો હું આ મહાન પર્વતના ખોળામાં વિતાવિશ કે જ્યાં ઋષિઓનો નિવાસ હતો, જ્યાં દર્શન શાસ્ત્રોનો જન્મ થયો હતો, મારા મિત્રો, મેં જે વિચાર્યું હતું, કે અહીં મને એ મૌન, એ અજ્ઞાતવાસ મળે, પરંતુ કદાચ એ શક્ય નહીં બને. તો પણ, હું હ્રદયથી પ્રાર્થના કરું છું અને લગભગ મારો એ વિશ્વાસ છે કે મારા અંતિમ દિવસો આ જ સ્થળે વિતશે."
પરંતુ અલ્મોડા, એ સ્થાન જેને સ્વામી વિવેકાનંદ પોતાનું અંતિમ ગંતવ્ય માનતા હતા-માં પણ ફરીથી તેમણે પોતાના સંદેશને જ કેન્દ્રમાં રાખ્યો કે આ ધરતીએ અને આપણા સનાતન ધર્મએ જ વિશ્વનું માર્ગદર્શન કરવાનું છે, તેઓ આગળ કહે છે-“ પવિત્ર ભૂમિના નિવાસીઓ, મારા દ્વારા પશ્ચિમ જગતમાં જે થોડું પણ કાર્ય થયું છે, તેના માટે આપના તરફથી મળેલ પ્રશંસા માટે મારા પ્રણામ. પરંતુ સાથોસાથ મારું મન એ વિશે વાત કરવા નથી ઈચ્છતું, ન પૂર્વની કે ન પશ્ચિમની. જેમ-જેમ આ પર્વતરાજના એક-એક શિખર મારી નજર સામે આવવા લાગ્યાં, તો મને અનુભવ થયો કે આટલા વર્ષોથી કાર્ય પ્રત્યેનો જે ઝુકાવ હતો, મારા મનમાં જે ઉથલ-પાથલ ચાલતી હતી, એ શાંત થઈ ગઈ અને જે કામ થઈ ગયું છે અથવા તો બાકી છે, તેના વિશે વાત કરવાના બદલે મારું મન એ દિવ્ય વિષય તરફ વળ્યું જે હિમાલય આપણને સદૈવ શીખવે છે, એ એક જ વિષય જે આ સમસ્ત પરિવેશમાં ગુંજી રહ્યો છે. એ વિષય જેનો સ્વર હું આ નદીઓના પ્રવાહમાં અત્યારે પણ સાંભળી શકું છું- મોક્ષ! આ સંપૂર્ણ જીવન ભયથી ભરેલું છે, માત્ર મોક્ષ જ આપણને નિર્ભય બનાવે છે. હા, આ જ તો મોક્ષ ભૂમિ છે.
સમય મને આજ્ઞા નહીં આપે, ને આ અવસર પણ. યોગ્ય નથી કે વિષય પર સારી રીતે વાત કરી શકું. એટલા માટે મારે કહેવા સાથે વાત પૂરી કરવી પડશે કે હિમાલય મોક્ષનું પ્રતીક છે, અને આપણે માનવતાને જે મહાન શિક્ષણ આપી શકીએ છીએ, તે મોક્ષનું શિક્ષણ જ છે. જેમ આપણાં પૂર્વજો જીવનના ઉતરાર્ધમાં હિમાલય તરફ આકર્ષિત થતા હતા એજ રીતે પૃથ્વીના બધા ભાગોમાંથી મહાન આત્માઓ આ પર્વતરાજ તરફ આકર્ષિત થશે, પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિભિન્ન સમુદાયો વચ્ચે થઈ રહેલા સંઘર્ષો ને મતભેદો ભૂલાવી દેવામાં આવશે, જ્યારે મારા સંપ્રદાય અને તમારા સંપ્રદાય વચ્ચેના વિવાદને સંપૂર્ણપણે મિટાવી દેવામાં આવશે, જ્યારે માનવતા એ સમજી લેશે કે પરમ ધર્મ માત્ર એક જ છે, અને એ છે પ્રત્યેક જીવમાં ઈશ્વરનો નિવાસ અને બાકીનું સઘળું માત્ર માયા. આવા ઉત્સાહી જીવો અહીં આવશે, જેઓ જાણતા હશે કે આ માત્ર નશ્વરતાથી ભરેલું નશ્વર વિશ્વ છે જેઓ જાણતા હશે કે ઇશ્વરની આરાધના સિવાય બાકીનું બધું નિરર્થક છે.
મિત્રો, એ તમારૂ દયાળુંપણું છે કે તમે હિમાલયમાં એક કેન્દ્રની સ્થાપનાના મારા વિચારનો ઉલ્લેખ કર્યો છે, અને શક્ય રીતે મેં એ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે આવું શા માટે થવું જોઈએ, અને સૌથી વિશેષ તો એ વાત કે શા માટે હું વિશ્વ ધર્મનું શિક્ષણ આપનારા મહાન કેન્દ્રમાંના એક તરીકે આ સ્થાનની પસંદગી કરવા ઈચ્છું છું. આપણી જાતિની સર્વશ્રેષ્ઠ સ્મૃતિઓ આ પર્વતો સાથે જોડાયેલી છે. જો આ હિમાલયને ધાર્મિક ભારતના ઈતિહાસમાંથી હટાવી લેવામાં આવે, તો કદાચ તેમાં કંઈ જ બાકી રહેશે નહીં. માટે એક કેન્દ્ર અહીં હોવું જોઈએ. પરંતુ માત્ર પ્રવૃત્તિ માટે નહીં, પરંતુ તેના કરતા પણ આગળ, શાંતિ માટે, ધ્યાન માટે, મૌન માટે, અને મને આશા છે કે એક દિવસ તે જરૂર બનશે. હું એ પણ આશા રાખું છું કે આપ સૌને ફરીથી મળીશ અને ત્યારે ઘણી વાતો કરી શકીશ. આજ માટે હું ફરી એક વાર આપ સૌની કૃપા માટે આભાર માનું છું, અને હું તેને માત્ર એક વ્યક્તિ પ્રત્યે નહીં પરંતુ પોતાના ધર્મના એક પ્રતિનિધિ પ્રત્યે દર્શાવેલા કૃપાના રૂપમાં જોઉં છું. એ સદૈવ આપણા હ્રદયોમાં રહે, આપણે સૌ આટલા જ પવિત્ર બની રહીએ, જેટલા આપણે આ ક્ષણે છીએ. તથા આધ્યાત્મિકતા પ્રત્યે આપણા મનમાં એવો જ ઉત્સાહ રહે જેવા અત્યારે છે."
સ્વામી વિવેકાનંદના ભાષણો ને સંદેશનું આ પ્રકરણ પ્રેરણારૂપ છે કે કેવી રીતે એક વ્યક્તિએ ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ પોતાના ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરી રાખવું જોઈએ. અહિ આપણને એ શીખ પણ મળે છે કે લોકોને પોતાના નિશ્ર્ચિંત માર્ગ પર પ્રેરિત કરવા માટે તેની સાથે કેવા પ્રકારે સંવાદ સાધવો જોઈએ, આત્મવિલોપનની શીખ પણ આપે છે, જ્યાં પોતાનો ઉલ્લેખ ‘કલકત્તાના અલ્હડ છોકરા’ તરીકે થાય છે, અને તે એ વાતની શીખ પણ આપે છે કે પોતાનું ઉત્તરદાયિત્વ પૂર્ણ કરતી વેળાએ પણ વ્યક્તિએ તે ભૂલવું જોઈએ નહીં કે તે સર્વવ્યાપી છે.
રાષ્ટ્ર-ધર્મ
- ભગિની નિવેદિતા
ભારતવર્ષ પોતાની સંસ્કૃતિનું નવવિકાસ કરી રહ્યું છે. “જૂના પાયા પર નવું નિર્માણ” કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય ક્ષિતિજ પર નવિન આદર્શ, નવવિચાર અને કાર્યપદ્ધતિનો ઉદય થઈ રહ્યો છે. વિવિધતમ રીતિઓથી નવનવીન કાર્યક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે ભારત કટિબદ્ધ થઈ રહ્યું છે. આ પ્રકારના નવનિર્માણના યુગમાં નૈતિક સ્થિરતાનો ભંગ થવાની સંભાવના રહે છે. નૈતિક-શક્તિની પરમસત્તાને પ્રસ્થાપિત કરવી એ આ સંસ્કૃતિનો હંમેશા ઉદ્દેશ્ય અને પ્રયાસ રહ્યો છે. અને જ્યારે પ્રચંડ સંક્રમણનો, ક્રાંતિનો અવસર આવે, મોટી-મોટી ઘટનાઓ બને ઉથલ-પાથલ થાય, સમગ્ર સમાજ નીચેથી ઉપર સુધી આંદોલિત થઇ જાય છે, ત્યારે બધા જૂના બંધનો, જૂની સંસ્થાઓ, જૂના આચાર-વિચાર અને રૂઢિઓને તોડી મરોડીને ફેંકી દેવાની પ્રવૃત્તિ બળ પકડે છે, કારણ કે આ વાતાવરણના ફળ-સ્વરૂપ નૈતિકતા પ્રબળ બને છે, સમાજના બધા ભગ્નાવશેષ સપાટી પર તરવા લાગે છે. જૂના ઉપકરણો ત્યાગીને નવા લાવવાના પ્રયાસો થતા હોય છે. જે પ્રકારે પ્રાચીન સમયમાં અત્યાચારી રાજાના શરીરનું મંથન કરીને એમની ભુજાઓમાંથી પૃથુને પ્રકટ કરેલા, જેનાથી પ્રજાને વત્સ બનાવી પ્રજાનું દોહન કરેલ અર્થાત્ અભૂતપૂર્વ પ્રગતિ કરેલી. પશ્ચિમનો ‘સંસ્કૃતિ’ શબ્દ આપણે અહિંયા ‘ધર્મ’ નો પર્યાયવાચી છે. જ્યારે ઉદાત્ત ચારિત્ર્ય, નિષ્કંલક નૈતિકતાને જ રાષ્ટ્રના સામાજિક અથવા રાજનૈતિક કાર્યોની ચાવી સમજવામાં આવે, નાસ્તિક, અશ્રદ્ધાળું તથા દંભી મનુષ્યનું સાચું મૂલ્ય સંગણિત કરીને એમને સમાજ દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેકી દે અને સમાજની ઈચ્છા શક્તિ નિરંતર અસત્યનો ત્યાગ કરીને સત્ય-ભગવાનની ઉપાસના, ‘સત્યં શિવમ સુન્દરમ્’ ની આરાધના માટે પ્રવૃત્ત થાય ત્યારે રાષ્ટ્રએ પોતાના અતિતના ભૂતકાળની મહિમાને પ્રસ્થાપિત કરી એવું માનવામાં આવશે.
કોઈપણ રાષ્ટ્ર એવી બડાઈ ન મારી શકે કે તેણે ઉપયુક્ત બધા જ લક્ષણોને પૂર્ણત: પ્રગટ કરી લીધા છે. આ તો એવી સ્પર્ધા છે જેમાં યશ માત્ર સાપેક્ષપણે જ માપી શકાય છે. તોપણ નિર્વિવાદ તથ્ય છે જે સામાજિક તેમજ રાષ્ટ્રીય ગતિવિધિયોનું મૂલ્યાંકન જો કોઈ નિરપેક્ષ માનક બને તો તે નૈતિકતાનું માપ બની શકે છે. કોઈપણ રાષ્ટ્રની શ્રેષ્ઠતાનું અનુમાન સંપત્તિ, ધન-વૈભવ, ઉદ્યોગ તથા મોટા-મોટા પ્રકલ્પોના આધારે નહિં, પરંતુ રાષ્ટ્રના નૈતિક સ્તરના આધાર પર જ થઈ શકે છે.
અહી જે નૈતિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ માત્ર સામાજિક પ્રથાની નૈતિકતા નથી. કોઈ જીર્ણશીર્ણ નિયમ કે રૂઢિને ટકાવી રાખવી એ કોઈ પ્રશંસાની વાત નથી. તે આપણી દૂર્બળતા પણ હોય શકે છે. સાચી નૈતિકતા ઈચ્છા-શક્તિ, પાવિત્ર્ય, ચરિત્ર, ત્યાગની અગ્નિ છે. કોઈ રાષ્ટ્રની કમાણીનું મૂલ્યાંકન આ સદગુણ ચતુષ્ય્યથી નિર્ધારિત થાય છે, ન કે માત્ર એમની બાહ્ય ચમક-દમક અને દંભથી. તો પણ અમુક વાતો તો સ્પષ્ટ છે, જે દેશોમાં લાંબા સમય સુધી ત્યાગના દર્શનનો, સંન્યાસ ધર્મનો ઉપદેશ કર્યો હોય, નિર્ધન-નિરાધારોને, નિરહંકારિતાને ભાઈચારાના, સાર્વજનિક સંપત્તિના તત્વજ્ઞાનનું પ્રતિપાદન કર્યું હોય, તે દેશ જ એકાએક બીજાના રાજનૈતિક વ્યાવસાયિક અથવા આર્થિક અથવા ત્રણેય પ્રકારે એક સાથે શોષણ કરતા દેખાય ત્યારે, આચાર અને વિચારના આ વિષવાદની આલોચના કરી નિર્ણય પ્રકટ કરવો ઉચિત અને અનિવાર્ય બની જાય છે.
જીવનમાં જ્યારે મોહ અને પ્રલોભનની ક્ષણ આવે છે ત્યારે આ રિપુગણોના આક્રમણોથી બચવા માટે તર્ક સંગત તથા સત્ય સિદ્ધાંત કે નીતિતત્વ માત્ર પર્યાપ્ત શસ્ત્ર નથી. તત્વની સત્યાસત્યતા ઉપરાંત, વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે મનુષ્યની પ્રકૃતિ એ તત્વથી કેટલી સંયુક્ત થઈ છે, તત્વ તેમના જીવનમાં કેટલું ઉતર્યું છે, એ તત્વ પ્રત્યે મનુષ્યનો આંતરિક અનુરાગ કેટલો છે, તેણે કેટલું આત્મસાત કર્યું છે. ધર્મ જો રાષ્ટ્રના રોમ-રોમમાં ભર્યો ન હોય, લોહીમાં એકરસ ન થયો હોય તો સમય આવ્યે સ્વહિત માટે તે ધર્મને છોડી શકે છે. આ જ ધર્મનો પરાજય છે. ઈતિહાસની પ્રગતિને અવરોધતું દુર્ભાગ્યપૂર્ણ અવરોધક છે.
આ અવસર પર વિવિધ ધર્મોની પ્રજ્ઞા અથવા બુદ્ધિની પરિસીમાનો પ્રશ્ન ઊભો થાય છે. સ્પષ્ટત: ધર્મમત તથા નીતિશાસ્ત્રની તે આચાર સંહિતા, જેને આપણી સમગ્ર પ્રજ્ઞા આનાકાની કર્યા વગર સ્વીકારે, આપણી બુદ્ધિને જે ઠીક લાગે, તે જ આચાર-ધર્મ આપણને નિયંત્રણ, સંયમમાં રાખીને આપણને મોહ અને પ્રલોભનથી બચાવી શકે છે. આનાથી વિરુદ્ધ જે ધર્મ આચાર-સંહિતા આપણને દાદીમાની કથાઓની સમાન અવિશ્વનીય અને અલૌકિક લાગે તે આપણા આચાર-વિચારોનું નિયમન ક્યારેય કરી શકશે નહિ. ઈસાઈ ધર્મમત આ બૈદ્ધિક વ્યાખ્યા પર ટકી ન શક્યું, આમા જ ઓગણીસમી સદીમાં તેના હ્રાસનું રહસ્ય છે. વિજ્ઞાને વિવિધ પ્રકારના યાંત્રિક સંશોધનો દ્વારા ઈસાઈ રાષ્ટ્રોની સામે એક અભિનવ સંસારનું નિર્માણ તો કરી દીધું, પરંતુ તે જ વિજ્ઞાનની શિક્ષાએ જે બુદ્ધિ પ્રાભાષ્ય ઉત્પન્ન કર્યું જેના કારણે ઈસાઈ-ધર્મ-મત, જે થોડા સમય પહેલા વિશ્વ માટે એક માર્ગદર્શક તથા ઉન્નતકારી બળ હતું. હવે એક અવૈજ્ઞાનિક, ભ્રામક ધારણાઓનો ઢગ માત્ર બનીને તિરસ્કૃત થઈ ગયુ છે. પરિણામ સ્વરૂપ ભૂતકાળમાં ઈસાઈ સમાજને ઈસાઈ ધર્મગ્રંથ, ઉપાસના વગેરેના માધ્યમથી જે આચારના સંસ્કાર મળ્યા હતા, તેનાથી આધુનિક ઈસાઈ વંચિત થઈ ગયા. આ પ્રકારે ઈસાઈ ધર્મથી ચ્યુત ઈસાઈનું સમસ્ત સંસારને લૂંટવાવાળો સશસ્ત્ર ડાકુ બનાવવાનું સ્વાભાવિક જ છે.
ઈસાઈ ધર્મ-મત વિજ્ઞાનને સમાવિષ્ટ ન કરી પચાવી ન શક્યું. શું હિન્દુધર્મ અર્વાચિન સત્યતાને આત્મસાત્ કરવાની ક્ષમતા રાખે છે ? આપણે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે હા.. ક્ષમતા રાખે છે. કારણ - હિન્દુધર્મની વિવિધ પ્રથાઓ રૂઢિઓ અને આચારોની પાછળ વેદાન્તના સાર્વભૌમ દર્શનનો હિમાલય ઊભો છે. આ દર્શન માટે ધાર્મિક સંસ્કાર અથવા અનુષ્ઠાન, સામાજિક તંત્ર, વૈજ્ઞાનિક શોધ-ખોળ અથવા કોઈપણ નવ-વિચાર સમાનરૂપથી પ્રયોગાર્થ ગ્રાહ્ય હશે અને આ વેદાન્તમાં પણ શંકરાચાર્યનું અદ્વૈત દર્શન, હિમાલયના અનેક શિખરોમાંથી ઉપર ઊઠીને ચમકતું ગૌરી-શંકર સમાન સંસારમાં સર્વોચ્ય છે.
હવે આપણે એક શ્રેષ્ઠ લૌકિક જીવન પ્રકટ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં હિન્દુધર્મના એક નવ-વિકસિત રૂપને લઈને હિન્દુરાષ્ટ્ર ઊભું થશે. સનાતની અને આર્ય સમાજ કર્મકાંડોની પાછળ પડવાની અપેક્ષાએ આપણે સાંઘીક, સામુદાયિક જીવનના પાઠ ગ્રહણ કરીએ. વિવિધ પૂજા-વિધિઓ અને સંગઠનની ઉપાસના માટે કટિબધ્ધ થઈએ. “નવીન પર્વ કે લિયે, નવીન પ્રાણ ચાહિએ” નવયુગ માટે નવા જીવનવ્રત આધાર હલી જશે? ક્યારેય નહીં! શું આ નવીન વ્રત, નવી દીક્ષા ! શું આ નવીન વ્રતો તથા નવીન આદર્શોના કારણે હિન્દુધર્મનો આધાર હલી જશે? ક્યારેય નહીં! સહસ્ત્રો વર્ષો પૂર્વે ઋષિયોએ ઘોષણા કરી હતી કે “एकं सत विप्रा बहुधा वदन्ति” અર્થાત્ મૂળ સત્ તત્વ એક જ છે, પ્રબુદ્ધ લોકો તેને વિવિધ નામોથી સંબોધિત કરે છે.
સાંજે કોઈ મંદિરમાં જઈને ડંકા વગાડવાની જગ્યાએ જો આપણે કોઈ મેદાનમાં એકત્રિત થઈને ભારતમાતાની પ્રાર્થના અનેે રાષ્ટ્ર-ચિંતન કરીએ તો શું આપત્તિ છે. યજ્ઞકુંડ અને હોમ-હવનશાળાની જગ્યાએ વિશ્વવિદ્યાલય, પ્રયોગશાળા અને કારખાનાઓ બનાવીયે, ભૂદેવો-બ્રાહ્મણોના સેવક બનવાની જગ્યાએ ભારતમાતાના કાર્યકર્તા કહેવાઈએ. મંદિર અથવા પૂજાગૃહોમાં કલાકો સુધી નાક પકડીને અને માળા જપતા બેસી રહેવાની જગ્યાએ સમાજના અભાવગ્રસ્ત લોકોની પાસે જઈને એમને ભોજન, શિક્ષા, ચિકિત્સા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવીએ. ‘सर्व खल्विदं ब्रह्म’ જો સત્ય હોય તો બધા માર્ગ એક જ પરમાત્માની તરફ લઈ જશે. आकाशात्पतिंत तोयं यथा गच्छति सागरम् | सर्वदेव नमस्कारं केशवं प्रतिगच्छति | જે પ્રકારે આકાશથી પડતું જળ અન્તત: સમુદ્રમાં જ જાય છે. એવી જ રીતે કોઈપણ દેવતાને સમર્પિત પ્રણામ, પરમાત્માને જ પહોચેં છે. ધ્યેય માટે જીવનભર સંઘર્ષ કરવો નિત્ય પ્રાર્થનાની સમાન જ શ્રેષ્ઠ ઉપાસના છે. શ્રમના કારણે નિકળતા પરસેવાના બિંદુ ગંગાજળની સમાન જ પવિત્ર અને પૂજ્ય છે. ઉપવાસ-વ્રતની જગ્યાએ અખંડ સ્વાધ્યાય વ્રત વધારે મૂલ્યવાન છે. પરસ્પર સેવા, સહકાર્ય, બંધુત્વભાવ જ સર્વશ્રેષ્ઠ પૂજા છે. કાર્યમાં તલ્લીનતા, એકાગ્રતા જ સાધન છે અને પરમાત્મત્વ અદ્વૈત જ સાધ્ય છે.
રાષ્ટ્રની વિપત્તિઓના આ પ્રહરમાં કાર્ય કરવા માટે પ્રસ્તુત આપણા કાર્યકર્તાઓને જોઈએ કે આપણું સેવાનું અસ્ત્ર સદા સિદ્ધ રાખીએ, સેવાકાર્ય, પરિશ્રમ કરતાં સમયે શરીર, મન, બુદ્ધિનું સામજસ્ય થાય, સ્નાયુઓ અને પેશિયો મજબૂત બને છે. આપણી સમગ્ર શક્તિઓને કાર્ય પર કેન્દ્રિત કરીએ. સ્વયં સ્વીકૃત કાર્યનું જ રાત-દિવસ ચિંતન કરીએ નિષ્કલંક ચરિત્ર જ આપણું માર્ગદર્શક હોય અને નિર્દોષ સેવા જ આપણું લક્ષ્ય, આપણું સ્વપ્ન આ પ્રકારે જો આપણે સેવા કરીએ તો ચોક્કસપણે જ એક દિવસ આપણા અન્ત:કરણમાં જ્ઞાન-પ્રભાનો ઉદય થશે અને ભારતમાતાના સત્પુત્રોની માળામાં આ નવયુગ કર્મવીર કાર્યકર્તા, ગૃહસ્થ, સન્યાસીઓ અને સમાજ સેવાના વીર-વ્રતિઓના રૂપમાં અનેક મોતીઓ પરોવતા જશે.
- સૌજન્ય : પથ ઔર પાથેય
જીવન ઘડતર
- પ્રા.સ્મિતાબેન ઝાલા
ઈતિહાસના પાનામાં શૂન્યમાંથી સર્જન કરનાર અનેક સફળ વ્યક્તિના જીવનનું ચરિત્ર વાંચવા મળે. સામાન્ય કામ કરનાર વ્યક્તિ સફળ ઉદ્યોગપતિ - વેપારી તરીકે પ્રસિદ્ધિ પામે. આજે આપણે આપણા પરિવારમાં પાંગરી રહેલ સ્વાવલંબી યુવાનની વાત કરવી છે.
કુટુંબની આર્થિક મુશ્કેલી જોઈ અને અનુભવી રહેલ પાંચમાં ધોરણમાં ભણતા 10 વર્ષના બાળકે માતા-પિતાને મદદરૂપ બનવા કામ કરવાનું, કમાવવાનું શરૂ કર્યું. રાજકોટમાં ચાંદી કામમાં પગના વીંછીયા અને પાયલ પર મીના કામ કરવાનું શરૂ કર્યુ. કામના પ્રારંભે અડધા દિવસના 600 અને આખા દિવસના 1200 માસિક પગારે કામની શરૂઆત કરી. માતા- પિતા પણ અન્ય મજૂરી કામ કરે પણ આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો ન હતો.
આ સમયગાળા દરમ્યાન ભગવતી પરા (રાજકોટ) વિસ્તારના કેટલાક મિત્રો રામકૃષ્ણ આશ્રમમાં ચાલતી વિવિધ પ્રવૃતિમાં ભાગ લેવા જતા તેની સાથે ચિરાગ પણ જોડાયો. રામકૃષ્ણ આશ્રમમાં યુવા વ્યક્તિત્વના વિકાસ માટે વર્ષ દરમ્યાન ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. તેમાંથી એક છે વિવેકાનંદ સર્વિસ કોર્પ જેમાં યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી.
ચિરાગને દર રવિવારે આશ્રમમાં નવી વાત, નવો વિચાર, નવું વાતાવરણ, નવા મિત્રોને મળવાનો મોકો મળ્યો. નવા બધા મિત્રો કંઈને કંઈ અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ તે 10 વર્ષની ઉંમરથી અભ્યાસ છોડી કામ કરતો હતો, આ બાળકે નાની ઉંમરમાં કંઈ કેટલીય મુશ્કેલીઓ અનુભવી અને ભોગવી હતી. ત્યારે નવો ઉત્સાહ, ઉમંગ અને દિશા- માર્ગદર્શન મળી રહે તેવા રામકૃષ્ણ આશ્રમના સ્વામીજી, કાર્યકર્તાઓનો સકારાત્મક સહયોગ અને તાલીમ મળવા લાગી. છોડને ઉછેરવા માટે પાણી, ખાતર, સારૂં વાતાવરણ મળે તો ઝડપથી વૃધ્ધિ થાય. તેમ ચિરાગને યોગ્ય માર્ગદર્શન મળતા પાંચ ધોરણથી અધૂરુ મુકેલ ભણતર ફરીથી શરૂ થયું. આશ્રમમાં ધોરણ 10 માટે નિ:શુલ્ક ક્લાસમાં અભ્યાસ શરૂ કર્યો. આખો દિવસ કામ કરીને સાંજે આશ્રમમાં અભ્યાસ વર્ગમાં આવે. આમ, ધોરણ 10 પાસ થવાની તેની લગની રંગ લાવી ત્રણ પ્રયત્ન ના અંતે સફળતા મળી.
વિવેકાનંદ સર્વિસ કોર્પ માંથી આર્મીમાં કે પોલીસમાં જોડાવાનો વિચાર આવ્યો તે માટેની મહેનત શરૂ કરી. પરીક્ષા પણ આપી પરંતુ ઓછા અભ્યાસને કારણે એ સ્વપ્ન અધૂરું રહ્યું. આ સમય દરમિયાન વિવેકાનંદ કેન્દ્રની યોગ શિબિરમાં પણ આશ્રમ દ્વારા જ જોડાયા. આજે વિવેકાનંદ કેન્દ્ર-શાખા રાજકોટ સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલા છે.
ધોરણ 10ની પરીક્ષાની તૈયારી માટે 1 મહિનો ચાંદી કામ છોડીને વ્યવસાયિક કાર્યમાં જોડાયા. પરીક્ષા પુરી થયા પછી આર્થિક ઉપાર્જન માટે રઝળપાટ શરૂ થયો. ઓછી આવકને વધારવા માટે શું કરવું તે વિશે પોતે જ મનોમંથન કર્યું. કામ બદલાવ્યું પરંતુ અંતે એમ વિચાર્યું કે જે કામ 10 વર્ષ સુધી કર્યું છે. તાલીમ મેળવી છે તે ચાંદી કામ ફરી કરવાનું નક્કી કર્યું, એક કુટુંબની મદદથી ચાંદી કામમાં ફરી પદાર્પણ કર્યું હવે પોતે જ કામ લેવાનું શરૂ કર્યું અને ઘરમાંથી બે ભાઈ અને માતા પણ તે કામમાં મદદ રૂપ બન્યા. આજે ચાંદીકામ ઘરે લાવે છે. ચિરાગના સફાઈદાર કામને કારણે તેને કામ પણ મળે છે. તેથી આવકમાં પણ વધારો થયો છે. તેમના માતાએ આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. તેઓ ચિરાગને કહેતા કે કોઈને કંઈ કામ તો કરવું જ પડશે, સતત મહેનત અને પ્રયત્નથી જ આગળ વધી શકાય.
ચિરાગનું કહેવાનું છે કે, રામકૃષ્ણ આશ્રમમાંથી મળેલ તાલીમ દ્વારા જ મજૂરીથી કંઈક અલગ એને આગળ વધવાનું સાહસ આવ્યું. જીવનની નવી દિશા નવા સોપાન માટે રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદ કેન્દ્રનો અનન્ય સહયોગ સાંપડ્યો છે. સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો તેમજ એકનાથજી રાનડેનો શિલા સ્મારક બનાવવાનો સંકલ્પ, તેઓની કાર્ય પદ્ધતિ તેમજ શિલા સ્મારકનું નિર્માણ જીવનની પ્રેરણા માટેના મહત્વના પાઠ બની રહ્યાં છે. ક્યારેક નિરાશા આવી તો પણ તેની અસર કામ પર પડવા દીધી નથી. સ્વામી વિવેકાનંદ પ્રેરણાનું મહત્વનું સ્ત્રોત બન્યાં છે. સતત સંઘર્ષ અને મજબુત મનોબળ માટેની ચેતનાનો સંચાર આશ્રમ અને કેન્દ્રના સંર્પકથી જ થયો છે.
સ્વામી વિવેકાનંદ જીવનના પાઠ આમ, ચિરાગ મોહનભાઈ- ઈન્દુબેન રોજાસરાની સાહસિકતા, શ્રમ અને અભ્યાસની ઈચ્છા પાછળનું મહત્વનું પ્રેરણા સ્ત્રોત- મહત્વનું તત્ત્વ સ્વામીજી રહ્યા છે.
પોતાનું જીવન અને સકારાત્મક ભાવનાની સંવેદના આ સમયનાં અદકેરું મહત્વ ધરાવે છે. કુટુંબની આર્થિક સ્થિતિના પરિવર્તન માટેનો શ્રમ અને સ્વાવલંબન આજના યુવાનો માટે મહત્વનું દ્રષ્ટાંત બની રહે તેમ છે.
Subscribe to:
Posts (Atom)