Wednesday, 9 May 2018

પોતાના પગ ઉપર ઉભા રહેવાનો આનંદ અનોખો છે.


- શૈલેષ સગપરિયા


બેંગ્લોરમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં દેશભરના સીઇઓ માટે “ Education System in India” વિષય પરનો સેમિનાર હતો. એક સામાન્ય કપડાં પહેરેલો કોલેજીયન યુવાન આ સેમિનારમાં ભાગ લેવા માટે આવ્યો. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે એમને અટકાવ્યો અને કહ્યું, “ બેટા, આ સેમિનાર સીઇઓ માટેનો છે, કોલેજના વિદ્યાર્થીઓ માટેનો નહીં.” યુવાને બીજી દલીલ કરવાને બદલે ખીસામાંથી મોબાઇલ કાઢીને કોઇને કોલ કર્યો અને થોડી જ ક્ષણોમાં સેમિનારના આયોજકો ખુદ દરવાજા પર આ યુવાનને સત્કારવા માટે દોડી આવ્યા. આ છોકરાને આદર સાથે સેમિનાર હોલમાં લઇ જતા હતા ત્યારે સીક્યુરિટી ગાર્ડને આશ્વર્ય થયું. આયોજકોએ આ છોકરાનો પરિચય કરાવતા કહ્યુ, “ તમે જેને અંદર આવતા અટકાવતા હતા એ આજના સેમિનારના વક્તા છે અને દેશભરની કંપનીના સીઇઓ એમને સાંભળવા માટે આવ્યા છે.”
આ યુવાનનું નામ છે ‘સુહાસ ગોપીનાથ’ અને એ દુનિયાનો સૌથી નાની ઉંમરનો સીઇઓ છે. મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલો બેંગ્લોરનો જ રહેવાસી છે. શાળાના અભ્યાસ દરમ્યાન જ એને કમ્પ્યુટરનો ચસકો લાગ્યો. સામાન્ય આર્થિક સ્થિતિને કારણે ઘરમાં કમ્પ્યુટર લેવું શક્ય નહોતું એટલે એ એક સાયબરકાફેમાં જઇને બેસતો. પહેલા જ દિવસે ઇન્ટરનેટના ઉપયોગથી પોતાનું ઇમેઇલ બનાવવાનું શીખ્યું અને બીજા દિવસે શાળાએ આવીને બ્લેકબોર્ડમાં પોતાના ઇમેઇલ આઇડીની સાથે સાથે પાસવર્ડ પણ લખી નાખ્યો. કોઇ મિત્રએ કહ્યુંંંંં કે તે પાસવર્ડ લખી નાખ્યો તો હવે કોઇપણ તારું ઇમેઇલ ચેક કરી શકે. આ વાત સાંભળીને એ ભોંઠો પડી ગયો અને કેવો મોટો મૂરખ છે એ એને ખબર પડી. પછી ધીમે ધીમે કમ્પ્યુટર પરની બુક્સ વાંચીને બધુ શીખતો ગયો. ઘરેથી જેટલા પોકેટમની મળે તે બધા જ સાઇબર કાફેમાં જ વાપરતો એણે તો હજુ વધુ સમય સાયબરકાફેમાં વિતાવવાની ઇચ્છા હતી પણ એ માટેના પૈસા નહોતા. એણે એક રસ્તો શોધી કાઢયો એ જે સાઇબર કાફેમાં જતો એ બપોરે 1 થી 4 બંધ રહેતું, સુહાસે કાફેના માલિકને મળીને આ 3 કલાક પોતે કોઇપણ જાતના પગાર વગર આ સાઇબરકાફેનું ધ્યાન રાખશે અને બદલામાં એને મફતમાં એ સમય દરમ્યાન ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો એવી દરખાસ્ત મુકી જે માલીક દ્વારા સ્વીકારી લેવામાં આવી.
સુહાસ આ 3 કલાક દરમ્યાન કંઇકને કંઇક નવીન શીખતો રહેતો અને 14 વર્ષની ઉંમરે એણે www.coolhindustan.com નામની વેબસાઇટ બનાવી. માત્ર ત્રણ વર્ષ બાદ એટલે કે 17 વર્ષની ઉંમરે સુહાસ એમણે સ્થાપેલી ‘ગ્લોબલ ઇન્સ’ નામની કંપનીનો સીઇઓ બની ગયો. આ કંપની ઇન્ફર્મેશન ટેકનોલોજીને લગતી વિવિધ સેવાઓ પુરી પાડવાનું કામ કરે છે. વિશ્વના જુદા જુદા દેશોમાં 12 થી વધુ ઓફિસોમાં 400થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેને સફળતાના આકાશમાં ઉડવું જ છે એને કોઇ મર્યાદાઓ ક્યારેય રોકી શકતી નથી. સપના જોવાની અને એને સાર્થક કરવાની કોઇ ઉંંમર નથી હોતી !
એક તરફ સુહાસ જેવા 17 વર્ષના તરુણો આર્થિક રીતે પોતાના જ પગ પર ઉભા રહી શકે છે અને એથી આગળ વધીને વાત કરીએ તો બીજા કેટલાયને આર્થિક રીતે પગભર પણ કરે છે. બીજી બાજુ એનાથી બમણી ઉંમરના યુવાનો હજુ પણ પિતાના પૈસા પર જ નિર્વાહ કરતા હોય એવું જોવા મળે છે. આર્થિક આઝાદીનો મારા મતે અર્થ એટલો જ છે કે આર્થિક રીતે તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓ પુરી કરવા માટે તમારે બીજા પર આધાર ન રાખવો પડે. આઝાદી ક્યારેય સામે ચાલીને ન મળે. આઝાદી મેળવવા માટે પ્રયાસ કરવો પડે. આર્થિક આઝાદી માટે પણ યોગ્ય પ્રયાસ કરવો પડે. પશ્ચિમના દેશોની વિશેષતા જ એ છે કે ત્યાં લગભગ દરેક યુવાન પોતાના પગ પર જ ઉભો રહે છે. મા-બાપ જ દિકરાને મદદ કરીને પાંગળો બનાવવાના બદલે અભ્યાસકાળ દરમ્યાન નાના-મોટા કામ કરીને ખુદનો ખર્ચો ખુદે જ ઉઠાવવાની પ્રેરણા આપે છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓના સંતાનો પણ પોતાનો ખર્ચો કાઢવા માટે કંઇકને કંઇક કામ કરતા હોય છે. સામાન્યમાં સામાન્ય કામ કરવામાં પણ એમને નાનપ નથી અનુભવાતી કારણ કે અબજોપતિ પિતા પાસે હાથ લાંબો કરવાને બદલે સ્વમાનથી કામ કરીને જરૂરિયાતો પુરી કરવામાં એ ગૌરવ અનુભવે છે. જેના ઘરે ધોમધોમ સાહ્યબી હોય એવા નબીરાઓ રેસ્ટોરન્ટમાં બહુ આનંદ સાથે કામ કરે છે.
ગાંધીજી જ્યારે વિલાયતમાં ભણવા માટે ગયા ત્યારે પોતાના વાળ જાતે કાપવાનો અને એવા બીજા ઘણા પ્રયોગો કર્યા હતા જે પરોક્ષ રીતે આર્થિક સ્વતંત્રતાનો જ પાઠ હતો. સરદાર પટેલ પણ એમના પિતા ઝવેરભાઇ પટેલની કમાણી પર નિર્ભર નથી રહ્યા. કાંડાની કમાણીથી એમણે લંડનમાં જઇને બેરીસ્ટરનો અભ્યાસ કર્યો હતો. આજના સમયમાં આપણે ત્યાં ધીમે ધીમે આ પ્રકારની વિચારસરણી પ્રસરી રહી છે પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે. ભૂજમાં રહેતો જીજ્ઞેશ ગૌસ્વામી નામનો યુવક અત્યારે યુપીએસસીની તૈયારી કરે છે. હું લગભગ છેલ્લા 5 વર્ષથી એની સાથે સંપર્કમાં છું. આ છોકરાના પિતા 2001માં ભૂકંપ વખતે અવસાન પામ્યા હતા. પરિવારમાં માત્ર 2 જ સભ્યો જીજ્ઞેશ અને એના માતા. જીજ્ઞેશ યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી ગયો હતો. એમની સાથે આત્મીય સંબંધ હોવાથી મેં એક વખત એની આર્થિક સ્થિતિ વિષે પુછ્યુ. એમણે મને કહ્યું, ‘બહુ ચિંતા નથી કારણ કે પપ્પાના અવસાન વખતે થોડી રકમ મળી હતી અને હું પણ અભ્યાસની સાથે સાથે પાર્ટટાઇમ નોકરી કરતો હતો. આથી મેં પોતે પણ સારી એવી બચત કરી છે. આ બચતમાંથી જ અત્યારે તો ખર્ચો કરુ છું એટલે બીજી કોઇ ચિંતા નથી.” હું માનું છું કે જીજ્ઞેશ એના પિતાની ગેરહાજરીમાં પણ આર્થિક આઝાદી માણે છે અને બીજી બાજુ આપણે ત્યાં BPL (બાપના પૈસે લીલાલહેર) કરવા વાળા યુવાનોની પણ એક મોટી જમાત છે. પૈસા વાપરવા છે, પણ કમાવા નથી. મોબાઇલ-ફોન અને બાઇક સારાંમાં સારાં લેવા છે પણ ખીસ્સુ પપ્પાનું ખાલી કરવાનું છે.
આર્થિક આઝાદી યુવાનોને પાંખ આપે છે જેનાથી એ વધુ ઉંચે અને ઉંચે ઉડી શકે બસ શરત માત્ર એટલી છે કે પાંખ ખુદની હોવી જોઇએ, બીજાની નહી.



સ્વાવલંબી બનો


- સ્વામી વિવેકાનંદ


શિષ્ય આજે સવારે મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણોમાં વંદન કરી ઊભા થતાં જ સ્વામીજીએ કહ્યું, “નોકરી જ કરતાં રહેવાથી શું થશે? કોઈ વેપાર કેમ નથી કરતો?” શિષ્ય  એ સમયે એક જગ્યાએ એક ગૃહશિક્ષકનું કામ કરતો હતો, ત્યારે તેના પર પરિવારનો બોજો ન હતો. આનંદથી દિવસો વીતતા હતાં. શિક્ષકના કાર્યની બાબતે શિષ્યે પૂછ્યું ત્યારે સ્વામીજીએ કહ્યું, “બહુ દિવસો સુધી માસ્તરી કરવાથી બુધ્ધિ બગડી જાય છે. દિવસ-રાત છોકરાઓની વચ્ચે રહીને ધીરે-ધીરે જડતા આવી જાય છે; એટેલે આગળ હવે બહુ માસ્તરી ન કર.”
શિષ્ય: તો શું કરું?
સ્વામીજી:કેમ? જો તારે ગૃહસ્થી કરવી છે અને જો ધન કમાવાની ઈચ્છા છે, તો જા અમેરિકા ચાલ્યો જા. હું વેપાર કરવાનો ઉપાય બતાવી દઈશ. પાંચ વર્ષમાં કેટલું ધન કમાઈ લઈશ.
શિષ્ય: ક્યો વેપાર કરું? અને તે માટે ધન ક્યાંથી આવશે?
સ્વામીજી: પાગલની જેમ શું બકે છે? તારી અંદર અદમ્ય શક્તિ છે. તું તો ‘હું કંઈ નથી’ વિચારી વિચારી વીર્યહીન બનતો જાય છે. તું જ કેમ?- આખી જાતિ એવી બની ગઈ છે. જા એક વાર ફરી આવ; જોશે કે ભારત બહાર લોકોનો જીવન-પ્રવાહ કેવા આનંદથી, કેવી શાલિનતાથી, પ્રબળ વેગની સાથે વહ્યો જઈ રહ્યો છે. અને તમે લોકો શું કરી રહ્યાં છો? આટલી વિદ્યા શીખીને બીજાનાં દરવાજા પર ‘નોકરી દો’ કહીને ચીસો પાડી રહ્યા છો. બીજાના ઠોકરો ખાતા-ગુલામી કરીને પણ તમે શું હવે મનુષ્ય રહ્યા છો? તમારાં લોકોનું મૂલ્ય એક ફુટી કોડી પણ નથી. આવી સુજલા સુફલા ભૂમિમાં, જ્યાં અન્ય દેશો કરતાં કરોડ ગણું વધારે ધન-ધાન્ય પેદા થઈ રહ્યું છે, જન્મ લઈને પણ તમારાં લોકોનાં પેટમાં અન્ન નથી. શરીર પર વસ્ત્ર નથી! જે દેશના ધન-ધાન્યએ પૃથ્વીના બાકી બધા દેશોમાં સભ્યતાનો વિસ્તાર કર્યો છે, તે જે અન્નપુર્ણાના દેશમાં તમારા લોકોની આવી દુર્દશા! તમે લોકો ધૃણાસ્પદ કૂતરાથી પણ ખરાબ થઈ રહ્યા ગયા છો! ને પાછા તમારાં વેદ-વેદાંતના બણગાં ફુંકો છો, જે રાષ્ટ્ર જરૂરી અન્ન-વસ્ત્રનો પણ પ્રબંધ નથી કરી શકતું અને બીજાનાં મ્હોં સામે તાકીને જ જીવન પસાર કરી રહ્યું છે, તે રાષ્ટ્રનું  ગર્વ ! ધર્મ –કર્મને તિલાંજલી આપીને પહેલાં જીવન સંગ્રામમાં કુદી પડો.ભારતમાં કેટલી ચીજો ઉત્પન્ન થાય છે. વિદેશી લોકો તે જ કાચા માલ દ્વારા ‘સોનું’ પેદા કરી રહ્યાં છે. અને તમે લોકો ભારવાહક ગધેડાની જેમ તેમનો માલ વહોરતા મરી રહ્યાં છો. ભારતમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તેને જ લઈ જઈ પોતાની બુધ્ધિથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવી ધનવાન બની ગયાં; અને તમે લોકો! પોતાની બુદ્ધિ તિજોરીમાં બંધ કરી ઘરનું ધન બીજાને દઈને ‘હા અન્ન’ કરીને ભટકી રહ્યા છો!
શિષ્ય: અન્ન સમસ્યા કેવી રીતે હલ થઈ શકે, મહારાજ?
સ્વામીજી: ઉપાય તમારા જ હાથોમાં છે, આંખો પર પટ્ટી બાંધીને કહી રહ્યાં છો, ‘હું આંધળો છું, કંઈ જોઈ નથી શકતો!’ આંખ પરથી પટ્ટી દૂર કરી દો, જોશો-મધ્યાહનનાં સૂર્યનાં કિરણોથી જગત પ્રકાશિત થઈ રહ્યું છે. રૂપિયા ભેગા નથી કરી  શકતો તો જહાજનો મજુર થઈ વિદેશ ચાલ્યો જા. દેશી વસ્ત્ર, ગમછાં, સૂપ, સાવરણી માથા પર રાખીને અમેરિકા અને યુરોપની ગલીઓ અને સડકો પર ફરી ફરીને વેંચ, જોઈશ કે ભારતમાં ઉત્પન્ન થતી  વસ્તુઓનું આજ પણ ત્યાં કેટલું મૂલ્ય છે. હુગલી જિલ્લાનાં કેટલાક મુસલમાન અમેરિકામાં આવો જ વેપાર કરી ધનવાન બની ગયાં છે. શું તમારી વિદ્યા-બુદ્ધિ તેનાથી પણ ઓછી છે? જો, આ દેશમાં જે બનારસી સાડી બને છે, તેના જેવું ઉત્તમ કાપડ પૃથ્વી પર બીજે ક્યાંય નથી બનતું. આ કપડાને લઈ અમેરિકા ચાલ્યો જા. એ દેશમાં કેટલા રૂપિયા આવે છે!   
શિષ્ય: મહારાજ, તે લોકો શું બનારસી સાડીનું ગાઉન પહેરશે? સાંભળ્યું છે, ત્યાંની સ્ત્રીઓ રંગ-બેરંગી કપડાં પહેરતી નથી.
સ્વામીજી: લેશે કે નહીં, તે હું જોઈશ. હિંમત કરીને જા તો. તે દેશમાં મારા અનેક મિત્રો છે, હું તેમને તારો પરિચય કરાવી દઇશ. શરૂમાં કહી- સાંભળીને તેઓમાં આ ચીજનો પ્રચાર કરાવી દઈશ. પછી જો, કેટલાં લોકો તેમની નકલ કરે છે, પછી તો તેમની માંગને પૂરી કરવા તું પોતાને અસમર્થ જોઈશ.
શિષ્ય: પણ વેપાર કરવા માટે રૂપિયા ક્યાંથી આવશે?
સ્વામીજી:હું કોઈને કોઈ રીતે તારું કામ શરૂ કરાવી દઈશ. પરંતુ તે પછી તારે પોતાના જ પ્રયત્ન પર નિર્ભર રહેવું પડશે. हतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् –આ પ્રયત્નમાં જો તું મરી પણ જાય તો ખરાબ નથી. તને જોઈને બીજી દસ વ્યક્તિઓ આગળ આવશે.અને જો સફળતા મળી ગઈ તો પછી સુખ પૂર્વક જીવન વ્યતીત કરીશ.
શિષ્ય: પરંતુ મહારાજ, હિંમત નથી થતી.
સ્વામીજી:એટલે તો હું કહું છું કે ભાઈ, તારામાં શ્રદ્ધા નથી, આત્મવિશ્વાસ પણ નથી, શું થશે તમારા લોકોનું?
ન તો તમારાથી ગૃહસ્થી થશે અને ન ધર્મ. કાં તો  આ પ્રકારનાં ઉદ્યોગ- ધંધો કરીને સંસારમાં યશસ્વી, સંપત્તિવાન બન અથવા બધું છોડીને અમારા પથનું અનુસરણ કરી લોકોને ધર્મનો ઉપદેશ દઈ તેમના પર ઉપકાર કર; ત્યારે તું અમારી જેમ ભિક્ષા પામીશ. લેણ-દેણ ન રહેવાથી કોઈ કોઈની સામે જોતું નથી, જોઈ તો રહ્યો છે, અમે ધર્મની બે વાતો સંભળાવીએ છીએ, ગૃહસ્થ લોકો અમને અન્નના બે દાણા આપે છે. તે લોકો તમને તે પણ કેમ દેશે ? નોકરીની ગુલામીમાં, આટલું દુ:ખ જોઈને પણ તમે ચેતતા નથી! એટલે દુ:ખ પણ દૂર નથી થતા. આ ચોક્કસ જ દેવી માયાનું છળ છે. તે દેશમાં મે જોયું જે લોકો પ્રયત્ન કરીને વિદ્યા બુદ્ધિ દ્વારા પોતાનું નામ રોશન કર્યું છે, તેમનાં બેસવા માટે પ્રથમ હરોળમાં બેઠકો હોય છે. તે બધાં દેશોમાં જાતિ-ભેદની માથાફુટ નથી. ઉદ્યમ અને પરિશ્રમથી જેના પર ભાગ્ય- લક્ષ્મી પ્રસન્ન છે, તેને જ દેશનો નેતા અને ભાગ્ય નિર્માતા માનવામાં આવે છે અને તારા દેશમાં જાત-નાતનું મિથ્યાભિમાન છે, એટલે તમને અન્ન મળતું નથી. તમારામાં એક સોઈ સુધ્ધાં તૈયાર કરાવાની યોગ્યતા નથી.અને તમે લોકો અંગ્રેજોના ગુણ દોષોની આલોચના કરવામાં ડુબ્યા છો! મુરખ! જા એમના પગમાં પડ; જીવન સંગ્રામની યોગ્ય વિદ્યા, શિલ્પવિજ્ઞાન અને કાર્યકુશળતા શીખ, ત્યારે તું લાયક બનીશ અને ત્યારે તમારા લોકોનું સમ્માન થશે. તેઓ પણ ત્યારે તમારી વાત માનશે. માત્ર કોંગ્રેસ બનાવીને બૂમો પાડવાથી શું થશે?
શિષ્ય:  પરંતુ મહારાજ, દેશનાં બધા શિક્ષિત લોકો તેમાં સામેલ થઈ રહ્યાં છે.
સ્વામીજી:થોડી પદવી મેળવવાથી અથવા સારૂં ભાષણ દેવાથી જ તેઓ તારી દ્રષ્ટિમાં શિક્ષિત થઈ ગયાં! જે શિક્ષણ સાધારણ વ્યક્તિને જીવન સંગ્રામ માટે સમર્થ નથી બનાવી શકતું, જે મનુષ્યમાં ચરિત્ર બળ, પરહિત ભાવના તથા સિંહ જેવું સાહસ નથી લાવી શકતું, એ પણ કાંઈ શિક્ષણ છે? જે શિક્ષણથી પોતાના પગ પર ઊભા થઈ શકાય તે શિક્ષણ છે. આજકાલનાં આ બધા શાળા-મહાશાળામાં ભણીને તમે લોકો ન જાણે અજીર્ણના રોગીઓ જેવી એક જમાત તૈયાર કરી રહ્યાં છો. માત્ર એક યંત્રની જેમ મહેનત કરી રહ્યાં છો અને “जायस्य म्रियस्व” વાક્યનાં સાક્ષીનાં રૂપમાં ઊભા છો. જે ખેડૂત, મજૂર, મોચી, મેહતર વગેરેની કર્મશીલતા અને આત્મનિષ્ઠા તમારાનાં ઘણાથી ક્યાંય વધારે છે. તેઓ ચીરકાળથી ચુપચાપ કામ કરી રહ્યાં છે, દેશનું ધન-ધાન્ય ઉત્પન્ન કરી રહ્યાં છે, પરંતુ પોતે ફરિયાદ નથી કરતાં. તે લોકો જલ્દી જ તમારા લોકોથી આગળ આવી જશે. પૈસા એમનાં હાથમાં જઈ રહ્યા છે તમારી જેમ તેઓમાં ખામી નથી. વર્તમાન શિક્ષણથી તમારૂં માત્ર બહારથી પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ નવી નવી ઉદ્દભવતી શક્તિના અભાવથી તમે લોકો ધન કમાવાનો નવો ઉપાય શોધી નથી શકતાં. તમે લોકોએ આટલાં દિવસ બઘી સહનશીલ નીચલી જાતિઓ પર અત્યાચાર કર્યો છે. હવેથી  લોકો તેનો બદલો લેશે અને તમે લોકો ‘હા’ નોકરી, કરીને લુપ્ત થઈ જશો.
આ પ્રકારના વાર્તાલાપ પછી સ્વામીજીએ શિષ્યને કહ્યું –“આ બધી વાતો હવે રહેવા દે-તેં હવે શું નક્કી કર્યું, કહે! હું તો કહું છું, જે કંઈ પણ થાય, તું કર ચોક્કસ. કાં તો કંઈ વેપારનો પ્રયત્ન કર, અથવા અમારી જેમ आत्मनो मोक्षार्थ जगत्हिताय च (પોતાના મોક્ષ તથા જગતનાં કલ્યાણ માટે) યોગ્ય સંન્યાસ ના પથનું અનુસરણ કર. આ અંતિમ પથ જ શંકા વગર શ્રેષ્ઠ પથ છે, નકામું ગૃહસ્થ બનવાથી શું થશે? સમજ્યોને, બધું ક્ષણિક છે-  नलिनीदलगतजलतितरलम तद्रज्जीवनमतिशयचपलम् (કમળના પાંદડા પર રાખેલું  આ પાણી ચંચળ છે, તેની જેમ જીવન અત્યંત છે) આથી જો આ આત્મવિશ્વાસને પ્રાપ્ત કરવા આતુર છે તો સમય ન બગાડ! આગળ વધ. यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत | (જે દિવસે સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, તે જ દિવસે તેને ત્યાગીને સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ) બીજા માટે પોતાનું બલિદાન દઈને લોકોનાં ઘરે ઘરે જઈને આ અભય વાણી સંભળાવ- उतिष्ठत जाग्रत प्राप्य त्वरान्निबोधत् |

યુવાવર્ગને સ્વામીજીનો સંદેશ - ડૉ.એમ.લક્ષ્મીકુમારી






યુવાકાળનું મહત્વ અમૂલ્ય અને અગણિત છે. આ બહુ મૂલ્ય કાળ છે. આ સર્વોત્કૃષ્ટ સમય છે. તમે જેવી રીતે  આ સમયનો ઉપયોગ કરશો તેના આધાર પર જ તમારું ભાવિ જીવન નિર્ધારિત થશે. તમારી પ્રસન્નતા, સફળતા, સમ્માન અને ખ્યાતિ બધુ જ એના પર નિર્ભર છે કે તમે વર્તમાન કાળમાં કેવી રીત જીવો છો? એ વાતને યાદ રાખીએ કે આપણા જીવનનો આ અપૂર્વ સમય એ જ પ્રકારનો છે જે પ્રકારે એક કુંભારની પાસે ભીની માટી હોય છે. તે બહુ જ કુશળતાથી ભીની માટીને પોતાની ઇચ્છા અનુસાર રૂપ અને આકાર આપે છે. એ જ પ્રકારે તમે તમારા જીવન, ચરિત્ર, શારિરીક સ્વાથ્ય અને શક્તિને નિર્ધારિત આકાર આપી શકો છો, ટૂંકમાં તમે તમારી સંપૂર્ણ પ્રકૃતિને તમારી ઇચ્છા અનુસાર બનાવી શકો છો.
ભાગ્યશાળી યુવાનો ! તમારા આ મહાન દાયિત્વને સમજો, આ વિશેષ અધિકારનો અનુભવ કરો આ મહાન કાર્યને હાથમાં લો, ઇશ્વર તમારા તરફ કૃપા પૂર્ણ નજરથી જોઈ રહ્યા છે અને તમારી સહાયતા અને માર્ગદર્શન માટે તૈયાર છે. હું તમને મહાન જોવા માગું છું. વિશ્વને તમારામાં શ્રદ્ધા છે. તમારા ગુરૂઓને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. યુવાન હોવાનો અર્થ એ છે કે તમારામાં આત્મવિશ્વાસ હોય. તમે આશાજન્ય દ્રઢ સંકલ્પ સાથે કાર્ય કરો તથા આત્મ સંસ્કૃતિના મૂલ્યવાન કઠિન કાર્ય ને શુભ અભ્રિપ્રાય સાથે પૂર્ણ કરો.
ખરેખર એનાથી માત્ર તમને જ નહિ પરંતુ   બધા જ સંબંધી વ્યક્તિઓને સર્વોચ્ચ સંતોષ અને પૂર્ણતાનો અનુભવ થશે. ખરેખર તમે જ તમારા જીવનને સાચી દિશા આપી શકો છો.
આદર્શ જીવન જીવો અને તેમાં જ સ્થિર રહો. શ્રેષ્ઠતમ સદગુણોથી સાકાર રૂપમાં સાહસ પૂર્વક વળગેલા રહો. યુવાકાળમાં જ આ પ્રકિયાઓમાં વિકાસ અને પૂર્ણતા સંભવ છે આ વિશ્વાસ અને આત્મ નિર્માણ છે. આથી તમે આ ધારણા વિશેષને રજુ કરતો શબ્દ ‘સફળજીવન’ નો સાચો આશય સમજવાનો પ્રયાસ કરો. જ્યારે તમે જીવનના સંદર્ભમાં સફળતાની વાત કરો ત્યારે તેનો અર્થ માત્ર એટલો જ નથી થતો કે જે કંઈ પણ કામ તમે તમારા જીવનમાં હાથમાં લીધું કે કર્યું તેમાં તમે સફળ થાવ અથવા જે કંઈ વસ્તુને મેળવવાની ઇચ્છા કરો તેને મેળવો અથવા પૂર્ણ કરો. આનો એ પણ અર્થ નથી થતો કે તમારું નામ કે સામાજિક પદ અથવા આધુનિક ફેશનયુક્ત જીવનની તમે નકલ કરો. સાચી સફળતાનો સાર એ છે કે તમે તમારી જાતને શું બનાવો છો. તમે તમારા આચરણને કઇ રીતે વિકસિત કરો છો અને પછી ક્યા પ્રકારના વ્યક્તિ બનો છો? સફળ જીવનનો આ જ મૂળ અર્થ છે. માટે તમને સમજાશે કે મહત્વપૂર્ણ વિષય જીવનમાં સફળતાનો નથી પરંતુ જીવનની સફળતાનો છે. સફળ જીવન એ છે જે એક આદર્શ અથવા ઉદાર વ્યક્તિત્વ-નિર્માણ કરે છે. તમે જીવનમાં જે કંઇ પણ પ્રાપ્ત કર્યું છે તે સફળતાનો માપદંડ નથી પરંતુ તમે જીવન કઇ રીતે જીવો છો અને તમારુંં કાર્ય શું છે? આ બિંદુઓ પર સારી રીતે વિચાર કરી મહાન સુખ પ્રાપ્ત કરો.
આપણી મહાન સંસ્કૃતિમાં જીવનની અવધારણા ચાર સ્તરોમાં કરી છે. પ્રારંભિક સ્તર, વિકાસનું સ્તર, ઉગવાનું સ્તર અને ફળિભુત થવાની ચરમસિમાનું સ્તર. આને પ્રારંભિક કાળ અને આગળના સ્તરને સંતોષજનક વિકાસ માટે અભ્યાસ કાળ કહી શકાય છે. તમારું સ્તર ખરા અને સફળ જીવનની તૈયારીનું સ્તર છે. આમાં જ સર્વોચ્ચ  મૂલ્ય અને મહાન મહત્વ સમાયેલા છે. આ એક ખેડૂત દ્વારા ખેતર ખેડવા અને બીજ વાવવાને સમાન છે. આની તુલના તમારા ઇચ્છિત ભવન નિર્માણના પાયા સમાન પણ કરી શકાય છે. જો આ ભવન તમારા માટે મહત્વ રાખે છે તો તમે સમજી શકો છો કે આનો સાચો પાયો તો વધારે મહત્વનો હશે. ભવનની લાંબાગાળાની મજબૂતી તેના પાયા પર આધારિત છે. તમે આ જ સ્તર પર છો. તમારી તૈયારી બુદ્ધિમત્તાપૂર્ણ સાચી હોય અને આ પ્રકારની હોય જેનાથી તમે જીવનનું સાચું કલ્યાણ કરી શકો,  સર્વોચ્ચ શુભને મેળવી શકો અને તમને સ્થાયી સંતોષ અને સુખ પ્રાપ્ત થઇ શકે. તમે તમારા યુવાકાળમાં નિરંતર આ વાતનું સક્રિય ઉત્સાહ સહિત ધ્યાનમાં રાખો, આપણી સંસ્કૃતિમાં આ સ્તરને બ્રહ્મચર્યાશ્રમ અથવા વિદ્યાર્થી જીવન કહેવાયું છે. આ સ્તર પર તમે માત્ર ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેનું જ્ઞાન મેળવતા નથી પરંતુ માનવ-સ્વભાવ,  સાચો-વ્યવહાર, આત્મ-સંયમનું વિજ્ઞાન, વિશુદ્ધ-મનનો વિકાસ, ધર્મ, મનુષ્યના કર્તવ્યો તથા આપણા પરિવાર, આપણા સમાજ અને વિશ્વની સાથે ઉચિત સંબંધોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરો.
આજે જ્યારે આપણે બધા સ્વામી વિવેકાનંદજી મહારાજની જન્મતિથિ મનાવી રહ્યા છીએ ત્યારે હું તમારી સામે વેદોમાં વર્ણવાયેલ એક વૃતાંતનું વર્ણન કરવા માગું છું.
એક સમયની વાત છે, ઇન્દ્ર દેવતાએ તેમનો દરબાર લગાવેલો હતો. તેમણે જોયું કે દિવ્ય વ્યક્તિ જે ઇશ્વરની મૂર્તિ સમાન દેખાઈ રહ્યા હતા, તેમના દરબારમાં આવી રહ્યા છે. તેને જોઈને ઇન્દ્રનાં સુરક્ષા સૈનિકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા. તેઓએ તે મૂર્તિમંત આત્મતત્વને સાષ્ટાંગ પ્રણામ કર્યા. દેવી અને દેવતાઓએ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું. બધાને આ વાત પર આશ્રર્ય થયું કે રાજા ઇન્દ્રએ પણ પોતાના સિહાસનથી ઉતરીને આ સર્વોચ્ચ વ્યક્તિને પ્રાર્થના કરી કે તે આવે અને ગાદી પર બિરાજમાન થાય. ઇન્દ્રની સામે સમસ્યા ઊભી થઇ. તેમને ખબર ન પડી કે તેઓ શું કરે. તેમણે પોતાના ગુરૂ પ્રજાપતિ પાસેથી સલાહ માગી. પ્રજાપતિએ તેઓને ફરીથી તે જ શક્તિની સેવા કરવાનો આદેશ કર્યો. ઇન્દ્રએ ઘણા વર્ષો સુધી તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરી અને દિર્ઘ અંતરાળ પછી તેઓએ પૂછ્યું - “હે ઇન્દ્ર ! તમે શું ઇચ્છો છો” ઇન્દ્રએ આદર સહિત કહ્યું, “પૂજનીય મહારાજ, હું એ જાણવા માગું છું કે તમારી પાસે એવી કઇ શક્તિ છે જેના કારણે વગર કોઈ અસ્ત્ર શસ્ત્ર અથવા સેના, તમે ભુ: સ્વ: મહ: જન: તપ: અને સત્યમ લોકોને નિયંત્રિત કરી શકો છો?” “હે ઇન્દ્ર ! આ બહુ જ નાની વાત છે. આ માત્ર મારા ચરિત્ર અને સદગુણના કારણે છે. હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું હું તને વરદાન આપવા માગું છું. કૃપા કરી ઇન્દ્રાસનથી બીજું કંઈપણ વધારે માંગી લો !” તે મૂર્તિમંત ઇશ્વરે ઘોષણા કરી.
ઇન્દ્રએ સવિનય પ્રાર્થના કરી “જો તમે પ્રસન્ન જ છો તો મને તમારા ચરિત્ર અને તમારા બધા જ સદગુણો આપો !”
તે દિવ્ય શક્તિએ કહ્યું – “તથાસ્તું ! એક પછી એક વારંવાર મોટા વિસ્ફોટ અને આઘાતની સાથે પાંચ ચમકદાર પ્રકાશની રશ્મિઓ તેમના શરીરમાંથી નિકળી ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરી ગઈ અને તે સાથે જ તેઓ ઇન્દ્રાસન પરથી પડી ગયા. છેલ્લી રશ્મિએ ઘોષણા કરી કે તમે તમારા ચરિત્ર અને સદગુણ ઇન્દ્રને આપી દિઘા છે જ્યા ચરિત્ર અને સદગુણ છે ત્યાંજ શક્તિ, વીર્ય, સંપતિ અને પ્રજ્ઞા રહે છે.”
સ્વામી વિવેકાનંદ માનવતાના ઉત્થાન હેતુ જીવ્યા; તેઓ ઇચ્છતા હતા કે આપણી ભીતર જ્ઞાનનો પ્રકાશ(શ્રેય) અને સમૃદ્ધિ(પ્રેય) હોય. યુવાવસ્થાનું ઘણું મહત્વ છે કારણ કે આ અવસ્થામાં જ જીવન માટેની આધારશીલા બને છે. બાધાઓ આવશે, પણ તેનાથી શું ? સ્વામીજીએ કહ્યું છે કે સંઘર્ષ, સંઘર્ષ, સંઘર્ષ જ જીવનનો અનિવાર્ય ભાગ છે અને સ્થિરતા મૃત્યુ છે. વેદ ઘોષણા કરતા કહે છે - चरैवेति..चरैवेति...
ઈશ્વર તમને શ્રેય અને પ્રેય પ્રદાન કરે તમારું જીવન વિશુદ્ધ, ચરિત્ર અને સદગુણોથી યુક્ત બને. તમારા કર્મોમાં સાવધાન અને પરિશ્રમી, તમારા પ્રયાસોમાં સાચા બનો તથા તમે નિયમિતરૂપે આધ્યાત્મિક અભ્યાસ કરતા રહો. તમે સ્વામીજીની ઈચ્છાનુસાર આ બધું મેળવો અને રાષ્ટ્રનું ઉત્થાન કરતા રહો. 


સ્વાવલંબન


- પ્રા.સ્મિતાબેન ઝાલા

સ્વાવલંબનનો અર્થ છે પોતાની ક્ષમતાનો અને પ્રયત્નો પર આધારિત રહીને કામ કરવું. સ્વાવલંબનના ગુણને કારણે વ્યક્તિને બીજાની સહાયની જરૂર રહેતી નથી. પોતાના  સ્વબળે કાર્ય કરી આત્મનિર્ભર બને છે. સ્વાવલંબન માટે તીવ્ર ઈચ્છા શક્તિ અને કઠોર પરિશ્રમ જરૂરી છે. કાર્ય કરવાની ઈચ્છા શક્તિથી જ વ્યક્તિ આત્મનિર્ભર –સ્વાવલંબી બને શકે. તેના પાઠ કોઈ ભણાવી ન શકે. પરંતુ જીવનની પાઠશાળામાંથી ઘર, શાળા-કૉલેજ, મિત્રો, આસપાસનું વાતાવરણ અને સમાજ દ્વારા સ્વાવલંબી બનવાનો પાઠ વ્યક્તિ પોતાની જાતે શીખે છે. જીવનની જરૂરિયાત ધીમે-ધીમે વ્યક્તિને સ્વાવલંબન માટે કેળવે છે.
સ્વાવલંબી તે જ બની શકે જેને પોતાની જાતમાં વિશ્વાસ હોય. સ્વામી વિવેકાનંદ કહે છે. “શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, એ જ છે મહાનતાનું રહસ્ય છે.” એક દિવસ, એક અઠવાડિયુંું, એક મહિનો, એક વર્ષ આ સમયની મર્યાદા વ્યક્તિના વ્યક્તિત્વને આકાર ન આપી શકે. સ્વાવલંબનની કેડી કંડારી ન શકાય. તેના માટે જરૂરી છે સતત પ્રયત્ન. જેને કાર્યની સાધના કે જીવનની આરાધના કહી શકાય. સતત તાપમાં તપીને જ લોખંડ કોઈ ચોક્કસ ઉપયોગી વસ્તુના આકારમાં પરિવર્તિત થાય છે. તાપ તપીને જ બીજ વૃક્ષ બને છે. અનાજનો એક દાણો બીજ બનીને હજારો દાણામાં ફેરવાયને લોકોની ઉદર પૂર્તિ કરે છે. તે જ રીતે વ્યક્તિનું  સ્વાવલંબન –આત્મનિર્ભરતા, ઘર-પરિવાર, ગામ, સમાજને ઉર્જાવાન બનાવે છે. વ્યક્તિનું કાર્ય સમાજને ઉદ્યમી બનાવે છે. વ્યક્તિનું પારિવારીક- સામાજિક જીવન, આર્થિક વ્યવહાર, રાજકીય વલણ નૈતિક મૂલ્યો પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બનાવે છે.
કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે દેશની પ્રજા-પ્રત્યેક વ્યક્તિ આત્મ નિર્ભર હોય સ્વાવલંબી હોય, ગાંધીજી કોઈ પણ કામને નાનું ન ગણતા. દરેક કામને પોતાનું સમજીને કરવામાં આવે તો વ્યક્તિ, કુટુંબ, સમાજ કે દેશની પ્રગતિ કોઈ રોકી ન શકે. દેશના દરેક નાગરિકની કાર્યતત્પરતા- સ્વાવલંબન  જ દેશની રાજકીય મૂડી છે.
એકલવ્ય સ્વપ્રયત્ને ધનુર્વિદ્યા શીખી પારંગત બન્યા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નિર્ધન વ્યક્તિમાંથી મહાન શિક્ષણ શાસ્ત્રી બન્યા. લાલ બહાદુર શાસ્ત્રી નિર્ધનતાની નદી પાર કરી ભારતના પ્રધાનમંત્રી  બન્યાં.
જે સમયમાં સ્નાતક થવુ એક વિરલ વાત હતી ત્યારે યુવક નરેન્દ્રનાથે બી. એ. ની ડિગ્રી મેળવેલી. કાયદાનો અભ્યાસ કરતી વખતે પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ભટકવું પડ્યું હતું. અનેક ગ્રંથોના અધ્યયન પછી ઈશ્વરના અસ્તિત્વ વિશે સંશયશીલ બનેલ નરેન્દ્રનાથને શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરૂ મળતા. આઘ્યાત્મિક સાધનામાં રત થઇને ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરી. જે દેશ-દુનિયાના યુવાનો અને લોકો માટે રોલ મોડેલ છે.
સ્વાવલંબન માનવીને વાસ્તવવાદી અને આશાવાદી બનાવે છે. ભાગ્યને સહારે બેસવાને બદલે પુરુષાર્થથી પોતાની ક્ષમતાઓને વિકસાવે છે. કહેવત છે કે, સુતેલા સિંહના મોઢામાં મૃગલા આવીને પડતા નથી.
उघमेन हि सिध्धन्ति कार्याणि न मनोरथे : |
नहि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति मृगा :||
મનમાં નિશ્ર્ચય કરવાથી કાર્યસિધ્ધિ પ્રાપ્ત થતી નથી. કાર્ય કરીને – પરિશ્રમ કરીને જ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. વિશ્વમાં જેટલી મહાન વિભૂતીઓ વિશે આપણે જાણીએ છીએ. તે બધા સ્વાવલંબી હતા જે બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. તેઓ તેમના કાર્ય, કાર્ય પધ્ધતિ અને વિચારોથી આજે પણ લોકોમાં જીવી રહ્યા છે.