યુવા સ્વાવલંબન અંક


સંકલ્પ 

- મા. પી. પરમેશ્વરનજી


    સંકલ્પ એવું બીજ છે જેમાંથી ઉપલબ્ધીઓનું વૃક્ષ અંકુરિત અને વિકસિત થાય છે. સંકલ્પ સૂક્ષ્મ અને લગભગ અદૃશ્ય હોય છે, પરંતુ ઉપલબ્ધીઓ મહાન હોય શકે છે. ઉપનિષદોમાં ઋષિ પોતાના શિષ્યને પીપળાના બીજના બે ભાગ કરવાનું કહે છે અને પુછે છે, ‘તને શું દેખાય છે?’ શિષ્યએ કહ્યું- ‘કંઈ નહીં’, ત્યારે ગૂરૂ બોલ્યા-‘આ નાનકડા બીજમાંથી જ વિશાળ પીપળાનું વૃક્ષ વિકસિત થાય છે. બીજ વૃક્ષનું કારણ છે, કારણ સૂક્ષ્મ હોવા હોવા છતાં પણ પરિણામ અવિશ્વસનીય રીતે વિશાળ હોઈ શકે છે, આ દ્રશ્ય અને અદ્રશ્ય જગત, દિવ્ય સંકલ્પોની જ પરિણતિ છે.’
    સંકલ્પની શક્તિ કલ્પનાતિત છે. એ કેટલાક પરિમાણો પર આધાર રાખે છે. સંકલ્પની પરિભાષા આ રીતે આપી શકાય- એ દૃઢ આકાંક્ષા અને નિશ્રય, જે કોઈ ઈચ્છાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી આપે. મન કોઈ વસ્તુની ઈચ્છા કરે છે, બુદ્ધિ તેને આકાર આપે છે અને સંકલ્પ તેને કાર્યાન્વિત કરે છે. જો આ ત્રણેયમાં સામંજસ્ય છે તો આત્મ-શક્તિ વડે કામના વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ જાય છે. સ્વપ્નો સાકાર થઈ જાય છે. અને કલ્પના વાસ્તવિક અનુભવ બની જાય છે.
    સંકલ્પો બે પ્રકારના હોઈ શકે છે : પહેલા પ્રકારનો સંકલ્પ ક્ષુદ્ર, સ્વાર્થપ્રેરિત અને અહંકેન્દ્રિત હોય છે. જ્યારે બીજા પ્રકારમાં તે વિશાળ, નિ:સ્વાર્થ અને ઈશ્વર પ્રેરિત હોય છે. વિશ્વ માટે આ બન્ને શક્તિશાળી કારકો છે. પરંતુ, તફાવત એટલો છે કે પહેલા પ્રકારના સંકલ્પો આસુરી છે, જ્યારે બીજા પ્રકારના દિવ્ય. ગીતાનુસાર પહેલો આસુરી સંકલ્પ છે અને બીજો દૈવીય આ સંકલ્પોના સ્ત્રોત પણ જુદા-જુદા છે.
આસુરી સંકલ્પ, આસુરી સંપદામાંથી ઉત્પન્ન થાય છે. અને તેનાથી આસુરી સિદ્ધિઓ મળે છે, જ્યારે દિવ્ય સંકલ્પ દૈવી સંપદામાંથી ઉત્પન્ન થાય છે અને તેનાથી દિવ્ય સિદ્ધિઓ મળે છે. ભગવદ્ ગીતા આસુરી સંકલ્પને ‘કામ-સંકલ્પ’ કહે છે એટલે કે સ્વાર્થ અને ઇન્દ્રિય-કામનાઓથી ઉત્પન્ન સંકલ્પ. ગીતાના કથનાનુસાર કામ-સંકલ્પનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ કારણ કે મનુષ્ય તેનાથી ચોક્કસ બંધનોમાં ફસાય છે, તકલીફો ભોગવે છે. અને છેવટે તેનો નાશ થાય છે. માટે ગીતા અનુસાર કામનાઓના સંકલ્પો ત્યાગીને કામ કરવું જોઈએ. શ્રી અરવિંદે તેનું વર્ણન - ‘કામનાઓથી ઉત્પન્ન ઈચ્છા’ તરીકે કર્યું છે. ગીતામાં ફળની ઈચ્છારહિત બનીને કર્મ કરવાની પ્રશંસા કરવામાં આવી છે. તેનાથી કર્મ-કર્મયોગ બની જાય છે. જેનાથી તમારી સ્વાર્થી ઈચ્છાઓ દિવ્ય ઈચ્છા સાથે એકરૂપ બની જાય છે. જ્યારે માત્ર લોક સંગ્રહના હેતુથી અને વ્યક્તિગત ગમા-અણગમા, સફળતા-નિષ્ફળતાની ભાવનાઓથી અલિપ્ત રહીને કરવામાં અાવે છે ત્યારે તે યજ્ઞ બની જાય છે. લોક-સંગ્રહ એટલે લોકોને ધર્મ-માર્ગ પર અગ્રેસર કરવા. અવતારી ચેતનાનો ઉદ્દેશ ધર્મ-સ્થાપના જ હોય છે. આથી, જ્યારે તમે લોક-સંગ્રહ માટે કામ કરો છો ત્યારે તમારું કામ ઈશ્વરીય કાર્ય બની જાય છે. અને તમે દૈવી ઈચ્છા સાથે એકરૂપ બની જાઓે. પછી તેમાં કામ-સંકલ્પનો દોષ રહેતો નથી, તમારો સંકલ્પ ઈશ્વરનો સંકલ્પ બની જાય છે. ગીતા આ જ બાબતનું સમર્થન કરે છે.
    આપણા પુરાણો અને ઈતિહાસમાં આપણને આ બન્ને પ્રકારના સંકલ્પો જોવા મળે છે. આસુરી સંકલ્પોથી પ્રેરિત નાપાકો માનવતા અને વિશ્વ માટે ઘાતક સાબિત થયા છે. લોક-સંગ્રહના બદલે તેઓ લોક-નિગ્રહમાં લિપ્ત બન્યા. જોકે તેમની સિદ્ધિઓ ઘણી મોટી હતી, તેમણે ત્રણે લોક પર વિજયો મેળવ્યા હતા, તો પણ છેવટે અવતારી ચેતનાએ પોતાના દિવ્ય સંકલ્પ-ધર્મરક્ષા અને અધર્મના વિનાશની પૂર્તિ માટે ધરતી પર અવતરી તેમનો નાશ કર્યો. આ જ ભગવાનનું વચન અને ભારતનો ઈતિહાસ રહ્યો છે.
    અધ્યાત્મ પ્રેરિત સમાજમાં આ સામાન્ય નિયમ રહ્યો છે, જ્યારે ભૌતિકતા-પ્રેરિત સમાજમાં તેનાથી ઊલટું જોવા મળે છે. આપણા સમાજમાં આધ્યાત્મિક વ્યક્તિની કરૂણાપૂર્ણ પ્રાર્થના હોય છે. “न त्वहं कामये राज्यम्!” મને રાજ્ય, સ્વર્ગ કે મુક્તિ જોઈતી નથી, હું તો બસ એટલું જ ઈચ્છું છું કે બધા જ પ્રાણીઓના સઘળાં દુ:ખો નાશ પામે, સ્વામી વિવેકાનંદ પણ એમ જ કહેતા હતા કે મને મારી મુક્તિની જરા પણ ઈચ્છા નથી. માત્ર એક વ્યક્તિની પ્રસન્નતા માટે પણ તેઓ વારંવાર જન્મ લેવા તત્પર હતા. તેનાથી ઉલટું, ભૌતિકવાદી સભ્યતાઓમાં આપણે જોઈએ છીએ એવા દુસ્સાહસી વિજેતાઓ, જે વિશ્વ વિજય માટે લૂંટ-ફાટ મચાવતા, સભ્યતાઓને મિટાવી માનવતાના મોટા વર્ગને અપાર કષ્ટ આપે છે અને છેવટે વિલાપ કરતા કહે છે કે ‘હું નિરાશા અનુભવું છું કે જીતવા માટે જમીન બચી નથી.’ પ્રચંડ આસુરી સંકલ્પ વડે આ થયું . ભારત કદી પણ કોઈના પર વિજય મેળવવા ગયું નથી. પરંતુ પોતાની જીહ્વા પર આશીર્વાદ અને સંપૂર્ણ માનવતા પ્રત્યે પ્રેમ તથા દયાની ભાવના ફેલાવી છે. આ પણ વિજય છે, પરંતુ, જેમ સ્વામીજી કહે છે તેમ આ એક આધ્યાત્મિક વિજય છે, જેના દ્વારા ચારે તરફ શાંતિ અને પ્રસન્નતાનો વિસ્તાર થાય છે. ‘लोका: समस्ता: सुखिनो भवन्तु !’ આ એક મહાન સંકલ્પ છે જે આપણાં રાષ્ટ્રના મહાન લોકો અને મહાન આંદોલનોનું પ્રેરણાબળ રહ્યું. વિવેકાનંદ કેન્દ્રએ તેમના આ મહાન દિવ્ય સંકલ્પ વારસામાં મેળવ્યો છે.
     પ્રાચીન હિન્દુ પરંપરા અનુસાર દરેક મહાન કાર્ય કરતા પહેલા એક દીર્ઘ અને પૂર્ણ તૈયારીઓ જરૂરી છે. આથી તેના માટે એક એવો સંકલ્પ લેવો આવશ્યક છે જે તેની અવધારણાઓ અને ઉદ્દેશોથી યુક્ત હોય. સંકલ્પના શબ્દોની પસંદગી એવી રીતે જ કરવામાં આવી છે કે જેનાથી હિન્દુ વૈશ્વિક દૃષ્ટિમાં વર્ણિત બ્રહ્માંડ-વિજ્ઞાન પરીભાષિત થાય. દેશ, કાળ, યુગ તથા મન્વંતરોની સમયબદ્ધતાથી શરૂ કરીને જે સમયે સંકલ્પ લેવાય છે અને જે સ્થળે લેવાય છે, તેનું પણ ગાણિતિક આકલન છે. યોગ્ય પુરોહિતો દ્વારા ધાર્મિક અનુષ્ઠાનોના આરંભ પહેલાં સંકલ્પ લેવડાવવો આવશ્યક હતો. અશ્વમેઘ કે રાજસુ-યજ્ઞ કે અન્ય વિવિધ પ્રકારના યજ્ઞો પહેલાં પણ રાજાઓ દ્વારા વિજયલક્ષી માટે સંકલ્પ લેવો આવશ્યક હતો. આ પરંપરા અનવરતપણે આજે પણ ચાલુ જ છે. આ રીતે સંકલ્પ કોઈ મહાન કાર્ય માટે સામુહિક પ્રયાસ કે વચનબદ્ધતા છે.
    આધુનિક ઈતિહાસમાં એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ રાષ્ટ્રના લોકોએ સામુહિક દૈવી સંકલ્પ લઈને શત્રુતા-પૂર્ણ, સામ્રાજ્યવાદી સરકારો માટે કામ કરનાર નિરંકૂશ શાસક લોર્ડ કર્જનના આસુરી કૃત્યનો સામનો કર્યો. ઈ.સ. 1905માં લોર્ડ કર્જને બંગાળના ભાગલા પાડવાનો આદેશ આપ્યો, જ્યાં મહાન નેતાઓએ રાષ્ટ્રીય પુન:જાગરણની સશક્ત ધારા ઉત્પન્ન કરી હતી, અને તેના અગ્રદૂત હતા શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ વગેરે...
    આ વિભાજન પાછળ લોર્ડ કર્જનનો ઉદ્દેશ હતો કે રાષ્ટ્રીય પુન:જાગરણને તેની બાલ્યાવસ્થામાં જ ખતમ કરી દેવાય. આ એક આસુરી સંકલ્પ હતો. રાષ્ટ્રવાદી દૈવી સંકલ્પોએ તેનો સફળતાપૂર્વક સામનો કર્યો, આ સંઘર્ષ પાંચ વર્ષ સુધી ચાલ્યો, જેના અંતે ગર્વોન્મત બ્રિટીશ રાજે હાર સ્વીકારવી પડી. ભારતીય ઈતિહાસના મહાન જાણકાર ઈતિહાસવિદ્ આર.સી. મજમુદારે આ આંદોલનનું વર્ણન આ પ્રમાણે કર્યુ છે. ‘28 સપ્ટેમ્બર 1905ના દુર્ગા પુજાના અવસરે ભારે વરસાદ અને ચક્રવાત છતાં 50 હજાર લોકો કલકત્તાના ઉપનગરીય ક્ષેત્ર કાલીઘાટના પ્રસિદ્ધ કાલીમંદિરમાં એકત્ર થયા, મંદિરના બ્રાહ્મણોએ સંસ્કૃત પ્રાર્થનાનું ઉચ્ચારણ કર્યું, જેનો અર્થ હતો, ‘બધા દેવી-દેવતાઓ પહેલાં માતૃભૂમિની પૂજા કરો, સંકિર્ણતાવાદ, બધા ધાર્મિક મતભેદ, શત્રુતા અને સ્વાર્થનો ત્યાગ કરો, બધા માતૃભૂમિની સેવાનો સંકલ્પ લો અને કષ્ટો દૂર કરવામાં પોતાનું જીવન સમર્પિત કરો.’
    લોકો નાના-નાના સમૂહોમાં મંદિરમાં ગયા અને ગંભીરતા પૂર્વક સંકલ્પ લીધો - “મા, આજના આ શુભ અવસરે, આપની દિવ્ય ઉપસ્થિતિ અને આ પવિત્ર સ્થાન પર હું એ પુણ્ય સંકલ્પ લઉ છું કે યથા સંભવ વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશ નહીં. જે વસ્તુઓ ભારતીય બજારોમાં પ્રાપ્ય છે, તેને હું વિદેશીઓ પાસેથી ખરીદીશ નહીં, જે કામ મારા દેશવાસીઓ કરી શકે છે, તેના માટે હું વિદેશીઓની નિમણૂંક નહીં કરું.”
    જેમ પહેલાં કહ્યું છે તેમ વિવેકાનંદ કેન્દ્ર પણ આવા જ પવિત્ર સંકલ્પ સાથે પ્રારંભાયું છે. કેન્દ્રનો સંકલ્પ, એ દરેક કાર્યકર્તાનો વ્યક્તિગત સંકલ્પ છે જે પૂર્ણપણે પોતાને કેન્દ્ર સાથે એકરૂપ કરી ચુક્યો છે. કેન્દ્ર પ્રાર્થનામાં તેને ખુબ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જેમાં સંશયનો કોઈ પ્રશ્ન જ નથી કે દરેક કાર્યકર્તાના જન્મનો હેતુ ઈશ્વરીય યોજનામાં સહયોગ આપવાનો છે. “तवैव कार्यार्थमिहोपजाता:” ઉપરાંત કેન્દ્ર પ્રાર્થનામાં  એ પણ વિશેષ રૂપે ઉલ્લેખિત છે કે કેન્દ્ર કાર્યકર્તા પોતાના પરમ કલ્યાણ અને ઈશ્વરીય કાર્યને અભિન્ન સમજે છે. કર્મયોગનો નિર્ધારિત પથ  બન્ને ઉદ્દેશોની પૂર્તિનું માધ્યમ છે, કર્મયોગના સંકલ્પ સાથે દરેક કાર્યકર્તા પોતાના જીવનોદ્દેશના પથ પર અગ્રસર થાય છે. આવા કાર્યકર્તામાં અહંકાર કે સ્વાર્થની સંભાવનાઓ રહેતી નથી. સ્વામી વિવેકાનંદ અને માનનીય એકનાથજી રાનડેના જીવન અને સંદેશ એ વાતનું સ્પષ્ટ ઉદાહરણ છે કે કેન્દ્ર કાર્યકર્તાના સંપૂર્ણ સમર્પિત જીવનને પ્રેરિત કરનાર ‘સંકલ્પ’ કેવો હોવો જોઈએ.
    એકવાર જ્યારે તમે સંકલ્પ લઈ લો છો અને પોતાના જીવનને ગંભીરતાપૂર્વક તદ્નુસાર ઢાળવા લાગો છો, ત્યારે તમારી પાસે અત્યાધિક શક્તિ આવી જાય છે. શક્તિના આંતરિક ભંડાર સ્વયંને પ્રગટ કરે છે. આ ભંડાર નિરંતર અસીમ અને અપ્રતિરોદ્ય છે, પરંતુ સાથોસાથ એ વાતની પણ પૂરેપૂરી સંભાવના છે કે એ જ અનુપાતમાં શક્તિશાળી વિરોધી શક્તિઓ પણ સાથોસાથ જાગૃત થશે. એ જાગૃત બની જાય છે. ત્યારે પોતાના દ્વારા લેવાયેલો સંકલ્પ તમારા પર હાવી અને અજ્ઞાત રૂપે વિરોધી શક્તિઓ પર ઘાતક આક્રમણ કરે છે. માટે, સંકલ્પ દ્વારા ઉદ્દભવેલી સકારાત્મક અને નકારાત્મક એવી વિરોધી શક્તિઓ વચ્ચે સંઘર્ષ શરૂ થઈ જાય છે. આ સંઘર્ષમાં તમારી સુપ્ત તામસિક અને આસુરી પ્રવૃત્તિ તમારા માર્ગમાં અવરોધો ઉભા કરી શકે છે. આળસ, થોડીક સિદ્ધિમાંથી સંતોષ, શિથિલતા, ઈન્દ્રિય-સુખોની લાલસા વગેરે સક્રિય હોય જ છે. સંકલ્પ લેવાનો અર્થ જ છે કે આ અવરોધો વિશે જાણતા હોવા છતાં, સંકલ્પિત થવું. તેના ભયથી અટક્યા વગર નિર્દિષ્ટ માર્ગ પર આગળ વધતા રહેવું, દ્રઢ-વિશ્વાસ સાથે કે દિવ્ય-શક્તિઓ સહાયતા માટે સદૈવ તમારી સાથે છે, પરંતુ શરત એટલી કે તમે હિંમત હારીને બેસી ન જાઓ. જેમ સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્ય આલાસિંગા પેરુમલને પત્રમાં લખ્યું હતું - “જ્યાં સુધી તને પોતાનામાં અને ભગવાનમાં વિશ્વાસ છે, તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં.”
    સ્વામીજીએ આ દ્રઢ વિશ્વાસના રહસ્યને પોતાની પ્રેરક અને અદ્વિતિય-શૈલીમાં આ પ્રમાણે વ્યક્ત કર્યું છે - “આપણા બધામાંથી દરેક માટે નિયતિએ કાર્ય નક્કી કરી રાખ્યું છે, દરેક રાષ્ટ્ર પાસે આપવા માટે એક સંદેશ છે, દરેક રાષ્ટ્રે ઉદ્દેશની પૂર્તિ કરવાની છે. માટે શરૂઆતથી જ આપણે આપણી જાતિના વૃતને તેના પૂર્વ નિર્ધારિત લક્ષ્યને સમજી લેવું પડશે કે તેણે રાષ્ટ્રોની પંક્તિમાં ક્યું સ્થાન લેવાનું છે? વિભિન્ન જાતિઓના સંમિશ્રિત સંગીતમાં ક્યો સુર મેળવવાનો છે. જે રીતે દરેક મનુષ્યનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે, તે જ રીતે રાષ્ટ્રીય વ્યક્તિત્વ પણ હોય છે. જેમ કોઈ એક વ્યક્તિ કેટલીક વિશિષ્ટ બાબતોમાં, કેટલાક વિશિષ્ટ લક્ષણોમાં અન્ય વ્યક્તિઓથી અલગ હોય છે, તે જ રીતે એક જાતિ પોતાની કેટલીક વિશિષ્ટતાઓને લઈને અન્ય જાતિઓથી અલગ હોય છે અને જે રીતે પ્રકૃતીની યોજનામાં કોઈ વિશિષ્ટ ઉદ્દેશની પૂર્તિ પ્રત્યેક મનુષ્યનું લક્ષ્ય હોય છે, જે રીતે તેના પોતાના પાછલા કર્મો વડે તેની ભાવિ દિશા નિર્ધારિત થાય છે, બરાબર એ જ રીતે રાષ્ટ્રો સાથે પણ હોય છે, પ્રત્યેક રાષ્ટ્રએ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય પૂર્ણ કરવાનું હોય છે. દરેક રાષ્ટ્રએ એક ખાસ સંદેશ આપવાનો છે. દરેકના જીવનનો એક ઉદ્દેશ છે, જે તેના અનંત પાછલા કર્મોનું પરિણામ છે, દરેક મનુષ્ય આવા આદર્શ અને મિશનનું મૂર્ત રૂપ છે. ભલે તમારું સર્વસ્વ છીનવાઈ જાય, પરંતુ જ્યાં સુધી તમારો આદર્શ ન છીનવાય, ત્યાં સુધી તમારા મિશન(ઉદ્દેશ)ને કોઈ હાનિ ન પહોંચે, ત્યાં સુધી તમને કોઈ મારી નહીં શકે. ધન તો આવે અને જાય પણ, દૂર્ભાગ્ય તમારી સામે પહાડસમી કઠણાઈઓ ઉભી કરી દે, પરંતુ જો તમે પોતાના આદર્શને જીવિત રાખ્યો છે તો તમને કોઈ મારી નહીં શકે. તમે ભલે વૃધ્ધ થઈ જાઓ, સો વર્ષના વૃધ્ધ થઈ જાઓ. પરંતુ તમારા હ્રદયમાં તમારો ઉદ્દેશ નવીન અને યુવાન હશે તો કોણ તમને મારી શકે ભલા? પરંતુ જ્યારે આ આદર્શ ખતમ થઈ જાય છે અને ઉદ્દેશને નુકશાન પહોંચે છે, ત્યારે તમને કોઈ નહીં બચાવી શકે. બધી જ સંપત્તિ, સંપૂર્ણ વિશ્વની શક્તિ પણ તમને બચાવી નહીં શકે. રાષ્ટ્ર શું છે? માત્ર વ્યક્તિઓનો સમુહ. માટે દરેક રાષ્ટ્ર પાસે પોતાનો એક ઉદ્દેશ છે જેના વડે તે વિભિન્ન જાતિઓના સંમિલિત સંગીતમાં પોતાના સુર મેળવી શકે છે અને જ્યાં સુધી રાષ્ટ્ર આદર્શને જાળવી રાખે છે ત્યાં સુધી કોઈ તેનો અંત લાવી શકતું નથી.”
    એકવાર લેવાયેલો સંકલ્પ તત્કાલ યુક્તિસંગત બની શકે નહીં. જ્યાં સુધી આપણે તેની પૂર્તિ માટે પળભરનો પણ આરામ લીધા વગર ને એક ક્ષણ પણ ગુમાવ્યા વગર કાર્યનો આરંભ ન કરી દઈએ. પછી ભલે સફળતા મળે કે નિષ્ફળતા, આ વિષય પર સ્વામીજીના તેજસ્વી વિચાર આપણા જીવનની દરેક પળે યાદ રાખવા લાયક છે, ખાસ કરી ત્યારે, જ્યારે આપણે તકલીફો અને નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યાં હોઈએ - “ઈશ્વર મહાન છે, હું જાણું છું કે તે મારી સહાયતા કરશે જ. હું આ ધરતી પર ઠંડી કે ભૂખથી મરી જાઉં, તોપણ, હે! યુવાનો, હું તમને વારસામાં સહાનુભૂતિ, નિર્ધનો, અજ્ઞાનીઓ અને પદદલિતો માટે સંઘર્ષ તમારા માટે છોડતો જાઉં છું. અત્યારે, આ ક્ષણે જ પાર્થસારથિના મંદિરમાં જાઓ અને તેની સામે મસ્તક ઝુકાવો, જે ગરીબો અને ગોકુળના ગોવાળોના મિત્ર હતા, જે અછૂત ગૂહને ગળે લગાડવામાં જરા પણ અચકાયા નહોતા, જેમણે કુલીનોના આમંત્રણનો અસ્વીકાર કરી. ગણિકાના આમંત્રણનો સ્વીકાર કર્યો અને પોતાના બુદ્ધાવતારમાં તેની રક્ષા કરી હતી. તમારું માથું એ શ્રી કૃષ્ણની સામે ઝુકવો ને તમારા સંપૂર્ણ જીવનનો ગરીબ, દીનને પદ-દલિતો માટે ત્યાગ કરો કે જેને ઈશ્વર પ્રેમ કરે છે ને જેમના માટે તે વારંવાર અવતાર લે છે, તમે તમારા સંપૂર્ણ જીવનને દિવસે-દિવસે દોઝખમાં જઈ રહેલા કરોડો લોકોના ઉદ્ધાર માટે સમર્પિત કરવાનો સંકલ્પ લો.”
    માનનીય એકનાથજી રાનડેએ આપણને સંકલ્પની ભાવનાનો સાર અદ્વિતિય સૂત્રમાં આપી દીધો છે. “એક જીવન - એક ધ્યેય” જેને અન્ય કોઈ વધુ સારી રીતે જણાવી શક્યું ન હોત. કેન્દ્ર કાર્યકર્તાના સંપુર્ણ જીવનનો આજ મંત્ર હોવો જોઈએ. 

No comments:

Post a Comment